માનવ સેવા એ જ પ્રભુ સેવા

ગઈકાલે રાત્રે અમે ભોજન કરીને રૂમ પર પરત ફરી રહ્યા હતા ત્યારે જિંદાલ યુનિવર્સીટી(હરિયાણા)ના મેદાનમાં જોરદાર પાર્ટી ચાલતી હતી. છોકરાઓ અને છોકરીઓ મોટી સંખ્યામાં ખાણીપીણીની મજા માણી રહ્યા હતા. ભરપેટ ખાધા પછી પણ પાર્સલ તૈયાર કરાવીને રૂમ પર લઇ જતા હતા. કોણ વધુ ખાઈ શકે છે ? એની હરીફાઈ પણ ચાલતી હતી. પોતાની હેલ્થ પ્રત્યે ખુબ સજાગ દેખાતા આ યુવાનો આજે ખાઈ શકાય એટલું ખાઈ લેવાના મૂડમાં હતા.
આપણને એમ થાય કે જુદી જુદી સ્વાદિષ્ટ આઈટમ હોય અને એ પણ મફતમાં મળતી હોય તો પછી કોણ મૂકે ? પણ અહીંયા કંઇક જુદું જ હતું. બજારકિંમત કરતા વધુ કિંમત રાખી હતી. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની કેન્ટીનમાં જમવાનું ફ્રી જ હતું કારણકે એ બધા ફી ભરીને રહેતા હતા આમ છતાં મફતનું મૂકીને બધા મોંઘા ભાવનું ખાવા આવ્યા હતા. આવું કેમ એની તપાસ કરી તો જે જાણવા મળ્યું એનાથી દિલ ખુશ થઇ ગયું.
કેટલાક કેન્સર પીડિત ગરીબ બાળકોની સારવાર માટે ફંડ ભેગું કરવા આ પાર્ટીનું આયોજન કર્યું હતું. યુનિવર્સીટીના વિદ્યાર્થીઓને કોઈ વ્યાખ્યાતાએ એના એક લેક્ચરમાં કેન્સર પીડિત બાળકોની વાત કરી. કલાસમાં બેઠેલા કેટલાક વિદ્યાર્થીઓને આ વાત હૃદયમાં ચોંટી ગઈ. આ બાળકો માટે આપણે જ કંઇક કરવું છે એવું નક્કી કર્યું. 'ટીપે ટીપે સરોવર ભરાય' એ ન્યાયે આ સાડકાર્યમાં યુનિવર્સીટીના બધા વિદ્યાર્થીઓને સામેલ કરવાનું નક્કી કર્યું. વિદ્યાર્થીઓ પાસેથી ફંડ માંગવાને બદલે પેઈડ પાર્ટીનું આયોજન કર્યું. મજાની મજા અને સેવાની સેવા.
બધું જ આયોજન વિદ્યાર્થીઓનું જ હતું. આર્ટના વિદ્યાર્થીઓએ વેસ્ટ પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરીને અદભૂત સજાવટ કરી હતી. બધાએ પાર્ટીને મનભરીને માણી. પોકેટમનીની રકમમાંથી મોજ કરી અને એકઠી થયેલી બધી જ રકમ કેન્સર પીડિત બાળકોની સારવાર માટે આપી દેશે. છે ને કમાલનું કામ ?
આજની યુવા પેઢીમાં લોકો પ્રત્યે જે સંવેદના છે એવી મોટી ઉંમરની વ્યક્તિઓમાં જોવા મળતી નથી. યુવધનની ખામીઓ તો બહુ દેખાય છે પણ આવી ખૂબીઓ ઢંકાઈ જાય છે.

No comments:

Post a Comment