ગઈકાલે ટૂંકા લગ્નજીવન વિષે મેં પોસ્ટ મૂકી હતી જેમાં દીકરીની ક્યાં ભૂલ થાય છે એ વાતનો ઉલ્લેખ કર્યો હતો. કેટલાક મિત્રોને પોસ્ટ સામે સખત વિરોધ હતો અને હું એનો સ્વીકાર પણ કરું છું. બધા તમારી પોસ્ટના વખાણ જ કરે એવું ના હોય યોગ્ય વિરોધ પણ થવો જ જોઈએ. પણ હા જે લખ્યું હતું એ નરી વાસ્તવિકતા હતી અને એ તો જેને અનુભવી હોય એને જ સમજાય.
લગ્નબાદ બહુ ટૂંકા સમયમાં થતા છુટા છેડા માટે બીજું જવાબદાર તત્વ છે છોકરીનો સાસરિયાં પક્ષ. કેટલાક પરિવારમાં વહુને દીકરીની જેમ રાખવામાં આવે છે પણ મોટા ભાગના પરિવારમાં એને પારકા ઘરની દીકરી ગણવામાં આવે છે. જે છોકરી 20 વર્ષ પિયરમાં લાડકોડથી ઉછરી હોય એના પર સીધું જ બંધન આવે ત્યારે એ બંધન સ્વીકારવા માટે એને હૂંફ અને પ્રેમની ખુબ જરૂર હોય છે. મોટાભાગના પરિવાર ઘરમાં આવેલી વહુને હૂંફ અને પ્રેમ આપવામાં ઉણા ઉતારે છે. વહુ સાથે જાણે કે અજાણે એવું વર્તન થાય છે જે એને યાદ અપાવે કે તું દીકરી નહિ વહુ છે.
એક પરિવારમાં મેં પ્રત્યક્ષ જોયેલું કે પરિવારના બધા સભ્યો બેઠા હતા. મહેમાન માટે નાસ્તો લાવવાની વાત આવી એટલે વગર કહ્યે વહુ ઉભી થઇ. સસરાએ તુરંત જ કહ્યું, "બેટા, તું આ ઘરમાં નવી આવી છો. તું બેસ જેથી મહેમાન સાથે વાતો થાય અને પરિચય થાય." આ ભાઈએ વહુને વાતો કરવા બેસાડી અને દીકરીને નાસ્તો લાવવા કહ્યું. દીકરીએ પણ હસતા હસતા આ કામ કર્યું. જો આવું વાતાવરણ સર્જાય તો વહુ સરળતાથી નવા પરિવારમાં ભળી જાય.
કોઈ છોડને એક જગ્યાએથી ઉખાડીને બીજી જગ્યાએ રોપવાનો હોય ત્યારે બહુ ધ્યાન રાખવું પડે. નવી માટી એને અનુકૂળ ના આવે એટલે અનુકૂળ આવે એવી માટી લાવવી પડે. શરૂઆતના સમયમાં પૂરતું ખાતર પાણી પણ આપવું પડે. જો આ બધું યોગ્ય રીતે થાય તો નવી માટીમાં પણ છોડ મહોરી ઉઠે અને સમય આવ્યે યોગ્ય ફળ પણ આપે. મને લાગે છે કે દીકરીને નવા ઘરમાં સેટ કરવાનું યોગ્ય વાતાવરણ તૈયાર કરવામાં આપણે નિષ્ફળ નીવડ્યા છીએ. છોડે પણ એડજસ્ટ થવાના પ્રયાસ કરવા જોઈએ પણ સામે પક્ષે માટીએ અને વાતાવરણે પણ સાથ આપવો જોઈએ.
કદાચ સાસુ સસરા હજુ જુનવાણી વિચારસરણી વાળા હોય એટલે જાતને બદલવામાં મુશ્કેલી થાય પણ પતિ અને નણંદ જો મિત્ર બનીને રહે તો પણ વહુ સાસુ સસરાની ટકટકને સહન કરી લે. લગ્ન પછી નવા પરિવારમાં પતિ એક જ એવું પાત્ર છે જેની પાસે પત્ની પેટખોલીને વાત કરી શકે. જો પતિને વાત સાંભળવાનો કે સમજવાનો સમય ના હોય તો પછી પત્ની બીજા કોઈ સાથે વાત કરવાની જ છે.
આપણે બંને પક્ષે સમજણપૂર્વકની સજાગતા રાખીએ અને પરિવર્તન લાવીએ તો લગ્નજીવન મધુર બની રહે. ઘરાસંસાર છે એટલે પ્રશ્નો તો રહે જ પણ એનો ઉકેલ શોધવાનો પ્રયાસ થવો જોઈએ. દોરીમાં ગાંઠ પડે તો દોરી કાપી નાખવાની ના હોય ગાંઠ ખોલવાનો પ્રયાસ કરવાનો હોય !
No comments:
Post a Comment