રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની આજે ૧૨૪ મી જન્મજયંતિ છે. ૨૮/૦૮/૧૮૯૭

Jhaverchand Meghani


આજથી ૧૨૩ વર્ષ પહેલા ચોટીલા ખાતે એક એવી વ્યક્તિનો જન્મ થયો જેણે પોતાની કલમથી દેશની આઝાદીમાં અનેરું યોગદાન આપ્યું. તેમની કલમના શબ્દે શબ્દમાં એટલો બધો શૌર્યરસ છલકાતો હતો કે એવું કહેવાતું કે તેમનું લખાણ વાંચી મુડદા પણ બેઠા થઇ જાય. તેજાબી લખાણથી યુવાનોને માતૃભૂમિ માટે લડવાનો પાનો ચઢાવવાનું દેશભક્તિનું કામ કરનાર ભારતમાતાના વીર સપુત ઝવેરચંદે મેઘાણી ની આજે ૧૨૪ મી જન્મજયંતિ છે. (જન્મ દિવસ ૨૮/૦૮/૧૮૯૭)
                               
૧૯ વર્ષની ઉંમરે BA વિથ સંસ્કૃત પૂરું કરી કલકત્તા ખાતે એલ્યુમિનિયમ કંપનીમાં સર્વિસ કરવા પ્રયાણ કર્યું. ૧૯૨૨ માં સૌરાષ્ટ્ર આવી ગયા. ત્યારબાદ ‘સૌરાષ્ટ્ર’, ‘જન્મભૂમિ’ અને ‘ફૂલછાબ’ છાપાઓમાં સંપાદન કર્યું અને તેજાબી લેખો લખ્યા. ૨૪ વર્ષમાં ૧૦૦ જેટલી અમર કૃતિઓનું સર્જન કર્યું. (દર ત્રણ માસમાં એક બુક લખાય એમ સતત ૨૪ વર્ષ લખતા રહેવાય ત્યારે  ૧૦૦ પુસ્તકો લખી શકાય)
                             
તેમના સાહિત્યમાં મુખ્યત્વે કુરબાની કથાઓ, સંગ્રામગીતો, દેશભક્તિની વાર્તાઓ, નવલિકાઓ અને સમાજસુધારણાની વાતો જોવા મળતી. સૌરાષ્ટ્રના ગામેગામ ખુંદી સૌરાષ્ટ્રની તળપદી બોલીની તેજસ્વિતા અને તાકાતનું નિરૂપણ કરતી ‘સૌરાષ્ટ્રની રસધાર’ પાંચ ભાગમાં તેમની અમર કૃતિ કહી શકાય. રોજ સાંજે કોઈ ગામમાં ડાયરો ભરાય. ઝવેરભાઈ તે ગામની વ્યક્તિઓ પાસે ગામનો ઇતિહાસ, વાતો, લોકગીતો સાંભળે અને પોતાની કલમે લખતા જાય. ગામનો વર્ષો જુનો ઇતિહાસ, ગામની ભાગોળે રહેલા પાળિયાનો ઇતિહાસ પણ જાણે તે સમયે જીવંત થઇ જતો. ઝવેરભાઈ  તેમનું લેખન કાર્ય કરે.
                               
તેમના ડ્રેસ અને પાઘડીને લીધે તેઓ કોલેજમાં ‘રાજા જનક’ અને ત્યારબાદ ‘પાઘડી બાબુ’ નામે ઓળખાતા.૧૯૨૮ માં તેઓ તુલસીશ્યામ પાસે કવિ દુલા કાગ સાથે ગીરના નેસમાં હતા. તે વખતે સાવજે એક વાછરડીને મારી. તે વખતે વાછરડીની માલિક ૧૪ વર્ષની ચારણકન્યા હીરબાઈએ હિમતથી સામનો કરી સિંહ સામે લાકડી વિંઝી અને પોતાની પ્રિય વાછડીનું મારણ કરવા ના દીધું.
                              
ગર્જના કરતા સિંહ સામે ૧૪ વર્ષની છોકરીએ જે હિંમત બતાવી તે ઝવેરચંદે નજરોનજર જોયું, તેમનું પણ રોમેરોમ ઉત્તેજિત થઇ ગયું આંખો લાલઘુમ થઇ ગઈ, શરીર ધ્રુજવા લાગ્યું  અને તેમના મોઢેથી ‘ચારણ કન્યા’ કાવ્ય રચાયું તે ઘણા પાઠ્યપુસ્તકોમાં સ્થાન પામ્યું. સ્ત્રીમાં રહેલી હિંમત અને નીડરતાનું નિરૂપણ કરતું અદભુત કાવ્ય હતું. મેઘાણી ભાગતા સિંહને કહે છે, “નર થઇ તું નારીથી ભાગ્યો, નાનકડી છોરીથી ભાગ્યો.”
                                
૧૯૩૦ માં તેમની રાષ્ટ્રીયભાવના જગાવતી રચના ‘સિધુડો’ને લીધે બે વર્ષ માટે અંગ્રેજોએ જેલ કરી. ધંધુકા ખાતે જેલમાં ૧૯૩૧ માં તેમને સમાચાર મળ્યા કે પુ.મહાત્મા ગાંધીજી ગોળમેજી પરિષદ માટે ઇંગ્લેન્ડ જઈ રહ્યા છે. ગાંધીજીએ તેમણે લખેલ રચના ‘ઝેરનો કટોરો’ વાંચી ત્યારે બોલી ઉઠયા, મારા મનનું સંપૂર્ણ ચિત્રણ મને મળ્યા વિના આ કાવ્યમાં છે. ધંધુકા જેલમાં ઝવેરભાઈએ ‘ઝેરનો કટોરો’ લલકાર્યું ત્યારે અંગ્રેજ જેલર અને ભારતીય સિપાઈઓની આંખમાં પણ પાણી આવી ગયા. “છેલ્લો કટોરો ઝેરનો, આ પી જજો બાપુ, સાગર પીનારા અંજલી નવ ઢોળજો બાપુ.” મુંબઈ ખાતે બાપુને વળાવવા આવેલ માનવ મેદનીને ઝવેરભાઈએ લખેલ કવિતાના ચોપાનિયા વહેંચવામાં આવ્યા.
                         
સૌરાષ્ટ્રની સતી, શુરા, સંત, બહારવટીયાઓની વાતો લખી સમાજસુધારણાના કામો કરનાર મેઘાણી સ્વાતંત્ર્ય સેનાની પણ હતા, ગાંધીજીએ તેમને ‘રાષ્ટ્રીય શાયર’નું ઉપનામ આપ્યું હતું. એક વખત બહારવટીયાઓની પાછળ પડી તેમને ગામની ભાગોળેથી ભગાડ્યા પણ હતા. લોકસાહિત્યમાં તેમના યોગદાન બદલ તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક તેમજ મહીડા પારિતોષિક મળ્યું હતું. તેઓએ ગુજરાતી સાહિત્ય પરિષદમાં સાહિત્ય વિભાગના વડા તરીકે પણ જવાબદારી નિભાવી હતી.    
                               
તેમના દીકરા શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીએ તેમના લેખનકાર્યને શ્રેષ્ઠ રીતે દુનિયા સમક્ષ મુક્યું. ૯ માર્ચ ૧૯૪૭નાં દિવસે, માત્ર ૫૦ વર્ષની ઉંમરે આઝાદી મળી તે પહેલા વિદાય લીધી. જેમના લેખોએ આઝાદીની લડતમાં અનેરું યોગદાન આપ્યું તેઓ આઝાદી જુવે તે પહેલા જ ઈશ્વરે તેમને પોતાની પાસે બોલાવી લીધા.
 

Jhaverchand Meghani 1999 stamp of India

૧૪ સપ્ટેમ્બર ૧૯૯૯ના રોજ ભારતીય ટપાલ વિભાગે તેમના માનમાં ટિકિટ પણ બહાર પાડી. કોઈ એક જ વ્યક્તિ તેના ૫૦ વર્ષના આયુષ્યમાં આટલી બધી માતૃભાષા અને જન્મભૂમિની સેવા કરી શકે તે માટે યુગપુરુષ શબ્દ નાનો પડે.
             
‘જનનીના હૈયામાં પોઢતા પોઢતા પીધો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ.’

- શ્રી ઝવેરચંદ કાલિદાસ મેઘાણી.