આજે એક મહામાનવને મળીને ધન્ય થઇ ગયો.
એકભાઈને હું ઘણીવાર મળતો. એના વ્યક્તિત્વથી પ્રભાવિત હતો પરંતુ આજે એની કેટલીક વાતો જાણીને મને એમના પ્રત્યે પૂજ્યભાવ થયો. આ સંસારી માણસ સાધુઓને પણ ચડી જાય એવું સેવાકીય કામ કરે છે.
આજે અમે કમાણીમાંથી ભગવાનનો ભાગ કાઢવાની પરંપરા પર ચર્ચા કરી રહ્યા હતા. આ ભાઈ જે કંઈ કમાઈ એમાંથી દર મહિને 10% રકમ ભગવાનના ભાગ તરીકે અલગ રાખી દે છે. કમાણીમાંથી 10% રકમ જુદી રાખનારા આ ભાઈ કરોડોપતિ નહિ પણ રાજકોટમાં જ રહેતા મધ્યમ પરિવારમાંથી છે. મને જાણવાની ઉત્સુકતા થઇ કે આ 10% રકમ એ ક્યાં વાપરે છે ? એમની પાસેથી વાત કઢાવવામાં મને બહુ તકલીફ થઈ પણ ઘીમે ધીમે એ વાત કરતા ગયા અને હું એમની સમજણ અને સેવાના પ્રવાહમાં પલળતો ગયો.
આ ભાઈ રોજ છાપા વાંચે પણ જરા જુદા એંગલથી વાંચે. માલ્યાને જામીન મળ્યા કે નહિ ? નેપાળના રાષ્ટ્રપતિએ રાજકોટમાં આવીને શું ખાધું ? આવા સમાચારોમાં એને કોઈ રસ નહિ. કોઈ દુર્ઘટના બની હોય અને એ દુર્ઘટનાને કારણે કોઈ પરિવારના મોભીની વિદાય થવાથી પરિવાર નોંધારો બની ગયો હોય કે એવી બીજી કોઈ બાબત હોય તો એ ધ્યાનપૂર્વક વાંચે. એનું સરનામું શોધે અને ત્યાં રૂબરૂ તપાસ કરવા જાય. આજુબાજુની વ્યક્તિઓ સાથે વાત કરીને ખરેખર પરિવાર મુશ્કેલીમાં છે કે કેમ એની તપાસ કરે અને જો એમ લાગે કે ખરેખર એને મદદની જરૂર છે તો એક રકમનું કવર તૈયાર કરીને કોઈ અજાણી વ્યક્તિને આપે અને કહે કે પેલા ભાઈના ઘરે આ કવર પહોંચાડી દેજો અને કહેજો કે ભગવાનનો પ્રસાદ છે અને ભગવાને જ મોકલાવ્યો છે. ખૂબીની વાત તો એ છે કે આ મદદ કરતી વખતે સામે વાળો ક્યાં ધર્મનો કે કઈ જ્ઞાતિનો છે એ જોયા વગર પ્રભુનું સંતાન છે એમ માનીને જ મદદ મોકલી આપવાની.
કોઈ ઘરે વળી અનાજ કે કરીયાણું મોકલવાની વ્યવસ્થા કરે પણ કોઈ જગ્યાએ પોતે જાતે જાય નહિ અને કોને આ મદદ મોકલી એની કોઈને જાણ થવા દે નહિ. આવું કામ આ ભાઈ વર્ષોથી કરે છે. પોતાના સગાસંબંધીઓમાં જો કોઈને આર્થિક રીતે કોઈ તકલીફ હોય તો કોઈને ખબર ના પડે એવી રીતે એ ભાઈ કવરમાં પૈસા મોકલી આપે કે સહાય મોકલી આપે. આ વડીલ જે કામ કરે છે એની જાણ એને એના દીકરાને પણ નથી કરી માત્ર એના. પત્નીને જ પોતે જે કામ કરે છે એની જાણ છે.
મેં આ વાત જાણી એટલે મારા વાચકોને આ મહામાનવનો પરિચય કરાવતા મારી જાતને હું ના રોકી શક્યો. એ મારી વાર્તાઓ સાંભળે છે અને પુસ્તકો પણ વાંચે છે એટલે છેવટે મને વિનંતી કરતા કહ્યું, "સાહેબ, મને તમારી ખબર છે કે તમે જે સારું જુવો કે જાણો એ લોકોને જણાવો છો. જો તમે આ વાત લખો તો મહેરબાની કરીને મારું નામ ના લખશો. જે વાતની જાણ અત્યાર સુધી કોઈને નથી એ વાતની જાણ મારે કોઈને થવા દેવી નથી.
જીવનમાં બહુ ઓછી વખત આંખ ભીની થયા વગર લાગણીથી હૃદય રડ્યું છે. આજે આનંદથી હૃદય તરબતર થઈ ગયું. માણસ આજે જ્યારે માત્ર અને માત્ર પોતાના જ સ્વાર્થનો વિચાર કરે છે ત્યારે પ્રભુનો પ્રસાદ મોકલવાનું કામ કરતા આવા સાધુપુરુષથી સંસાર ખરેખર શોભે છે.
No comments:
Post a Comment