" ગરીબના દિલની અમીરી "

એક પતિ-પત્ની ઘઉં તથા મસાલાની ખરીદી કરવા બજારમાં ગયા. બધો સામાન ખરીદી લીધા પછી એક લાચાર મજૂરને બોલાવ્યો. એની આધેડ ઉંમર, ઊંડી ઉતરી ગયેલી આંખો, વધી ગયેલી દાઢી, મેલાંદાટ કપડાં અને દૂરથી ગંધાતો એનો પરસેવો એની સંઘર્ષમય જિંદગીને બેનકાબ કરતા હતા. 
આવા મજબૂર મજદૂર પાસેથી મજૂરીની રકમ માટે રકઝક કરી પતિ-પત્નીએ એના કરતા પણ નીચી માનસિકતા પ્રગટ કરી. કચવાતા મને ચાલીસ રૂપિયાનું કામ ત્રીસ રૂપિયામાં સ્વીકારી એ આધેડ સામાન અને સરનામું લઈને પરસેવે રેબઝેબ રવાના થયો. એક ગરીબને મજૂરીમાં દશ રૂપિયા ઓછા કરાવીને રાજી થયેલા પતિ-પત્ની ત્રીસ રૂપિયા એડવાન્સ આપવાની દાતારી કરી બેઠા.

દંપતી ઘરે પહોંચ્યું. અડધી કલાક થઇ, કલાક થઇ, દોઢ કલાક થઇ, પછી શ્રીમતીએ ધીરેધીરે પતિને ધમકાવવાનું શરૂ કર્યું. "હું તમને કાયમ કહું છું કે અજાણ્યા માણસનો વિશ્વાસ ન કરવો. મેં તમારું હજાર વાર નાક વાઢ્યું છતાં તમારામાં અક્કલનો છાંટો આવતો નથી. જે માણસ રોજ ટંકનું લાવીને ટંકનું ખાતો હોય એને બાર મહિનાનું અનાજ મળી જાય તો મૂકે ? નક્કી એ નાલાયક આપણો સમાન લઈને ઘરભેગો થઇ ગયો હશે. ચાલો, અત્યારે જ બજારમાં જઈને તપાસ કરીએ અને ન મળે તો પોલીસસ્ટેશન જઈને ફરિયાદ કરીએ.
રસ્તામાં પતિ-પત્નીની નજર એક યુવાન મજૂર ઉપર પડી. યુવાન મજૂરને પેલા આધેડ મજૂર વિશે પૂછવા ઉભો રાખ્યો. એની લારીમાં જોયું તો એમનો જ સામાન હતો. પત્ની ગુસ્સામાં બોલી "પેલો ડોસો ક્યાં ?"
ત્યારે યુવાન મજૂર બોલ્યો કે "બહેન એ છેલ્લા એક મહિનાથી બીમાર હતા. ભૂખ, બીમારી અને ગરમી એમ ત્રણગણા તાપને સહન ન કરી શક્યા. લૂ લાગવાથી એ રસ્તા પર પડીને મરી ગયા. પણ મરતાં પેલા મને કહેતા ગયા કે મેં આ ફેરાના રૂપિયા લઇ લીધા છે એટલે તું સામાન પહોંચાડી દેજે. હું તો મરતાં માણસનું વેણ પાળવા આવ્યો છું."
ગરીબના દિલની અમીરી જોઈને પતિની આંખમાં આંસુ હતા પરંતુ શરમથી ઝૂકી ગયેલી શ્રીમતીની આંખમાં તો પતિની આંખ સામે જોવાની પણ હિંમત નહોતી.
( સત્યઘટના )

ભગવાને મનુષ્ય ની ઈચ્છા સ્વીકારી લીધી..........

ભગવાને એક ગધેડાનું સર્જન કર્યું અને એને કહ્યું, "તું ગધેડા તરીકે ઓળખાશે, તું સૂર્યોદય થી લઈને સુર્યાસ્ત સુધી થાક્યા વગર તારી પીઠ પર બોજો ઉઠાવવાનું કામ કરશે, તું ઘાસ ખાશે, તને બુદ્ધિ નહિ હોય અને તું ૫૦ વર્ષ સુધી જીવશે."
ગધેડો બોલ્યો, "હું ગધેડો થયો એ બરાબર છે પણ ૫૦ વર્ષ નું આયુષ્ય ઘણું બધું કહેવાય, મને ૨૦ વર્ષ નું આયુષ્ય આપો." ઈશ્વરે એની અરજ મંજુર કરી.
ભગવાને કુતરાનું સર્જન કર્યું, એને કહ્યું "તું કુતરો કહેવાશે, તું મનુષ્યોના ઘરોની ચોકીદારી કરશે, તું મનુષ્ય નો પરમ મિત્ર હશે, તું એને નાખેલા રોટલાના ટુકડા ખાશે, અને તું ૩૦ વર્ષ જીવીશ."
કુતરાએ કહ્યું, "હે પ્રભુ ૩૦ વર્ષ નું આયુષ્ય તોઘનું કહેવાય ૧૫ વત્સ રાખો,"
ભગવાને મંજુર કર્યું.

ભગવાને વાંદરો બનાવ્યો અને કહ્યું, "તું વાંદરો કહેવાશે, તું એક ડાળી થી બીજી ડાળી પર જુદા જુદા કરતબ કરતો કુદાકુદ કરશે અને મનોરંજન પૂરું પાડશે, તું ૨૦ વર્ષ જીવીશ."
વાંદરો બોલ્યો "૨૦ વર્ષ તો ઘણા કહેવાય ૧૦ વર્ષ રાખો". ભગવાને મંજુર કર્યું.
છેલ્લે ભગવાને મનુષ્ય બનાવ્યો અને એને કહ્યું : "તું મનુષ્ય છે, પૃથ્વી પર તું એક માત્ર બુદ્ધિજીવી પ્રાણી હોય. તું તારી અક્કલ નાં ઉપયોગ વડે સર્વે પ્રાણીઓનો સ્વામી બનશે. તું વિશ્વને તારા તાબામાં ર્રાખીશ અને ૨૦ વર્ષ જીવીશ."
માણસ બોલ્યો : " પ્રભુ, હું મનુષ્ય ખરો પણ ૨૦ વર્ષનું આયુષ્ય ઘણું ઓછું કહેવાય, મને ગધેડાએ નકારેલ ૩૦ વર્ષ, કુતરાએ નકારેલ ૧૫ વર્ષ અને વાંદરાએ નકારેલ ૧૦ પણ આપી દો." ભગવાને મનુષ્ય ની ઈચ્છા સ્વીકારી લીધી.
અને ત્યારથી, માણસ પોતે માણસ તરીકે ૨૦ વર્ષ જીવે છે,
લગ્ન કરીને ૩૦ વર્ષ ગધેડો બનીને જીવે છે, પોતાની પીઠ પર બધો બોજો ઉપાડી સતત કામ કરતો રહે છે,
બાળકો મોટા થાય એટલે ૧૫ વર્ષ કુતરા તરીકે ઘરની કાળજી રાખી જે મળે તે ખાઈ લે છે,
અંતે જ્યારે વૃદ્ધ થાય ત્યારે નિવૃત્ત થઈને વાંદરા તરીકે ૧૦ વર્ષ સુધી આ પુત્રના ઘરથી પેલા પેલા પુત્રના ઘરે અથવા પુત્રીને ઘરે જઈને જુદા જુદા ખેલ કરીને પુત્રો અને પુત્રીઓને મનોરંજન પૂરું પાડે છે.

માણસાઈ

ગઇકાલે રાત્રે રાજકોટમાં જ એક પાર્ટીપ્લોટના ઉદઘાટન પ્રસંગે જમવા માટે જવાનું થયું. ખુબ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. પાર્ટીપ્લોટનું ઉદઘાટન હોવાથી જમવા સિવાયનો બીજો કોઇ જ પ્રોગ્રામ નહોતો.
જમવા માટે બે કાઉન્ટર હતા અને ખૂબ લાંબી લાઇન હતી. હું પણ હાથમાં પ્લેટ લઇને લાઇનમાં જોડાયો. જેમ જેમ લાઇન આગળ ચાલી તેમ તેમ આપણી સજા ઓછી થતી જતી હોય એમ લાગતું હતું. એવુ લાગતું હતું કે હવે હમણા આપણો વારો આવી જશે. ત્યાં તો કેટલાક મહાપુરુષો આવ્યા.લાઇનમાં ઉભા રહેવાના બદલે સીધી જ પ્લેટ હાથમાં ઉપાડી. પ્લેટ લીધા પછી પણ લાઇનમાં ઉભા રહેવાના બદલે સીધા જ ભોજનના કાઉન્ટર ઉપર પહોંચી ગયા. લાઇનમાં ઉભેલા કોઇ માણસો કદાચ એને કીડા-મકોડા લાગ્યા હશે.
બે ચાર વ્યક્તિઓએ આવુ કર્યુ હોત તો સમજી શકાય કે કદાચ કોઇ ઉતાવળ હશે પણ મોટાભાગના લોકો હાથમાં પ્લેટ લઇને સીધા જ ભોજનના કાઉન્ટર પર જ પહોંચી જતા હતા. જમતી વખતે પણ જમવાની સેવા પુરી પાડનાર કેટરર્સ વાળા છોકરા કે છોકરીઓ સાથે પણ બહુ ખરાબ વર્તન થતુ હોય એવુ અનુભવાયુ. એ લોકો સાથે સભ્યતાથી વાત કરવાને બદલે તોછડાઇથી વાત કરીને અમે શેઠ અને તમે નોકર છો એવુ સાબિત કરવાનો પ્રયાસ કરતા હોય એવુ લાગતું હતું. આપણે એમને પૈસા ચુકવીએ છીએ એટલે એમની પાસેથી સેવા લેવાનો અધિકાર છે પણ એનું સ્વમાન જળવાઇ રહે એ પણ જોવું જોઇએ. આખરે એ પણ માણસો જ છે.
આ બધુ જોઇને મેં એટલુ તો નક્કી કર્યુ કે હું મારા દિકરાને જમવા જતી વખતે કે બીજા કોઇપણ પ્રકારના જાહેર કાર્યક્રમમાં બીજા લોકોનું અપમાન ન થાય તે માટે શું ધ્યાનમાં રાખવું જોઇએ એ ચોક્કસ શીખવીશ. એને લાઇનમાં ઉભા રહેવાનું પણ શીખવીશ અને નાનામાં નાના માણસનો આદર કરવાનું પણ શીખવીશ.
આ ઢાંઢાઓમાં તો હવે કદાચ કોઇ ફેર નહિ પડેઆપણે આપણી ભાવી પેઢીને આપણે સારી રીતભાત માટે તૈયાર કરવી જોઇએ. કોઇપણ જાહેરપ્રસંગમાં કેવી રીતે વર્તવું એની નવી પેઢીને તાલીમ આપવી જોઇએ.
કડવું છે પણ સાચુ છે.

મુક્તાબેન કનુભાઈ પટેલ વાંચનાલાય

ગઈકાલે રાત્રે અમદાવાદમાં મારું વ્યાખ્યાન હતું. વ્યાખ્યાન પૂરું થયા બાદ શ્રીમતી મુકતાબેન અને શ્રીમાન કનુભાઈ મળવા માટે આવ્યા.એમની સાથેના વાર્તાલાપ દ્વારા અને બાજુમાં ઉભેલા બીજા કેટલાક મિત્રોએ આપેલી માહિતી પરથી આ દંપતીની એક અનોખી અને અદભૂત પ્રવૃતિનો પરિચય થયો.
કનુભાઈ પટેલ અમદાવાદના ઉદ્યોગપતિ અને બિલ્ડર છે. આજથી ત્રણ વર્ષ પહેલા એમની લગ્નતિથી નિમિતે પત્ની મુકતાબેનને જરા હટકે ગિફ્ટ આપવાનું કનુભાઈએ નક્કી કર્યું. આ ઉદ્યોગપતિએ લગ્નતિથિના મહિનાઓ પહેલા ગિફ્ટ આપવાની તૈયારી ચાલુ કરી દીધી અને લગ્નતિથિના દિવસે લગભગ 70 લાખની આસપાસની અતિ કિંમતી ગિફ્ટ આપી. આ ગિફ્ટ હતી *મુક્તાબેન કનુભાઈ પટેલ વાંચનાલાય*.
તમને થશે આવી તે વળી કેવી ગિફ્ટ ? કનુભાઈ ખુબ વિચારશીલ અને ચિંતક માણસ. એકવાતનો વિચાર એને વારંવાર આવતો કે અમદાવાદના નિકોલ અને આજુબાજુના ઘણા વિસ્તારોમાં લોકો એક રૂમ રસોડાના મકાનમાં રહેતા હોય છે. આટલા નાના મકાનમાં આખો પરિવાર માંડ માંડ સમાઈ શકતો હોય ત્યારે અભ્યાસ કરતા બાળકોને વાંચવાની ખુબ તકલીફ પડતી હોય છે. આવા વિદ્યાર્થીઓ માટે વાંચનાલાય બનાવી આપવામાં આવે તો વિદ્યાર્થીઓ કોઈપણ જાતના ડિસ્ટર્બન્સ વગર શાંતિથી વાંચી શકે.
કનુભાઈએ નિકોલ વિસ્તારમાં 3500 ચોરસફુટ જગ્યા ખરીદી અને એના પર સુંદર મજાનું બાંધકામ કરીને વિદ્યાર્થીઓ માટે સુવિધાઓથી સજ્જ આધુનિક વાંચનાલય બનાવ્યું. આ વાંચનાલાય કોઈ એક જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે અનામત રાખવાને બદલે તમામ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે ખુલ્લું મુકીને દરિયાદિલીનો પરિચય આપ્યો. વિદ્યાર્થીઓને વાંચવામાં અનુકૂળતા રહે એટલે વાંચનાલાયને વાતાનુકુલીત બનાવ્યું. દર વર્ષે 3000થી વધુ વિદ્યાર્થીઓ આ વાંચનાલાયનો લાભ લે છે. કેટલાક વિદ્યાથીઓ તો એવા છે જે સવારે ટિફિન સાથે લઈને જ વાંચવા માટે આવી જાય અને મોડી રાત સુધી વાંચે. એકસાથે 150થી વધુ વિદ્યાર્થીઓ બેસીને વાંચન કરી શકે છે અને એ ઉપરાંત જ્યાં જગ્યા મળે ત્યાં અન્ય વિદ્યાર્થીઓ પણ ગોઠવાઈ જાય છે. આ વાંચનાલયનો લાભ લઈને 8થી વધુ વિદ્યાર્થીઓએ યુપીએસસીની પરીક્ષા પાસ કરીને આઈએએસ કે આઇપીએસ જેવું મહત્વનું પદ પ્રાપ્ત કર્યું છે.
આવું અદભૂત વાંચનાલાય તૈયાર કરીને કનુભાઈએ ધર્મપત્ની મુકતાબેનને એમના નામ સાથે ભેટમાં આપ્યું. 70 લાખ જેવો ખર્ચો કર્યા પછી પણ અત્યારે દર વર્ષે સરેરાશ 6 લાખ જેવો ખર્ચો થાય છે, જે કનુભાઈ હસતા હસતા ઉઠાવે છે. કનુભાઈ કહે છે કે "આ કામ કરવાનો જે આનંદ મળે છે એની તુલના રૂપિયા સાથે કરવી શક્ય જ નથી."
સમાજમાં આર્થિક રીતે સક્ષમ સજ્જનો દ્વારા એમના સ્વજનોને આવા પ્રકારની ભેટ આપવાની પરંપરા શરુ થાય તો કેટલાય લોકોની જિંદગી સુધરી જાય.

લક્ષ્મી

"એ..હેંડો બા શાકભાજી લેવા"છેલ્લા વીસેક વર્ષથી આ લક્ષ્મીને એકધારી આમ જ મારી સોસાયટીમાં શાકભાજી વેચવા આવતી જોઉં છું.મને બરાબર યાદ છે ; વીસેક વર્ષ પહેલાં અમારે ત્યાં શાકભાજી વેચવા આવતી એક વૃધ્ધાએ પંદર સોળ વર્ષની લાલ સાળીમાં વિંટળાએલી આ લક્ષ્મીનો પરીચય શેરીમાં કરાવતાં કહેલું "આ મારા છોકરાની વહું સ...હવથી મારી જગ્યાએ મારી આ વહું શાક વેચવા આવશ્ય"બસ એના બીજા દિવસથી જ હાથમાં મહેંદીનાં ટપકાં વાળી આ લક્ષ્મી રોજ સમયસર બુમ પાડી રહી છે;"એ..હેંડો બા શાક લેવા" "એ..હેંડો ભાભી શાક લેવા"...


બે મહીના પહેલાં જ આ લક્ષ્મી એના છોકરાની વહુને સાથે લઇ શાકભાજી વેચવા આવેલી.એક નવોઢાથી પાંચ સંતાનોની માતા અને સાસુ બનવા સુધીની એની આ યાત્રા જ સાચી " જીવન રથયાત્રા"છે.લારીના નીચેના ભાગે કપડું બાંધી એમાં સુતેલાં એનાં છોકરાં જોઇ મનમાં એક પ઼શ્ન ઉભો થાય;"શું મેટરનીટી લીવ ના અધિકાર માટે પણ અલગ અલગ માપદંડ હોય? શું આ અધિકાર માટે માત્ર સ્ત્રી હોવું પુરતું નથી? "સ્વતંત્રતા કે મતભેદના બહાને ત્રણ ત્રણ વાર છૂટાછેડા લેનારી ભણેલી ઞણેલી કોઈ કાજલ ઓઝા વૈધ સાચી કે આ અભણ લક્ષ્મી સાચી?" દારુડીયા પતિ પાસેથી અપેક્ષાઓ રાખવી કે એના વિશે વારંવાર ફરિયાદો કરી જીવવા કરતાં સવાર સાંજ " એ. . હેંડો બા શાક લેવા"ની બુમો વધું ગૌરવશાળી છે. ફેસબુક કે ટ્વિટર પર ભલે આપણે કોઈને પણ ફોલોઅ કરીએ, પણ, વાસ્તવિક જીવનમાં આવી કોઈ લક્ષ્મીને જ આદર્શ માનવી પડે. એક હદ સુધી દુઃખ સહન કરવું,એનો સામનો કરવો અને એમાંથી સુખનો માર્ગ શોધવો એનું નામ જ "જીવન" પણ, સામાન્ય દુઃખનો અણસાર જોઇને જ પલાયનવાદી થઈ જગ આખામાં સુખનો ઢંઢેરો પિટવાની વૃત્તિ હાસ્યાસ્પદ અને નિંદનિય પણ છે.આપણી પોતાની આંખો પર પટ્ટી બાંધવાથી આખું જગત અંધ ના થાય!



આવી હજારો લક્ષ્મીઓ સૂર્યોદયની સાથે નિકળી પડે છે.કોઇ પસ્તી કે ભંગાર ભેગું કરે છે,તો કોઈ શાકભાજી વેચી ગુજરાન ચલાવે છે.એમની બાયોમેટ઼િક્સ એટેન્ડન્સ લેનાર કોઈ નથી, છતાં કડકડતી ઠંડી,મૂશળધાર વરસાદ કે આવા ધોમધખતા તાપમાં ય એ હાજર છે. પેલા ગોરા થવાના સાબુ કે ક઼ીમ વાળા એમની જાહેરાતમાં આવી કોઈ મહેનતકશ લક્ષ્મીને ગોરી થતાં બતાવે તો કદાચ મારા જેવા કસ્ટમર્સને વધુ ભરોસો બેસે બાકી તો "પોલું હતું તે બોલ્યું,એમાં તેં શી કરી કારીગરી,સાંબેલું બજાવે તો જાણું,કે તું શાણો છે"



હજારો પરિવારનું અર્થતંત્ર આવી લક્ષ્મીઓ પર નિર્ભર છે.એ અભણ છે પણ, એની આંગળીના વેઢે ગણિત છે.એની એ તૂટી ફુટી લારીમાં ( રેકડી ) એનાં બાળકોનું ભવિષ્ય છે.કોઇ કોઇ વાર તમને એ ચાલબાજ પણ લાગશે, પણ,એની આ ચાલબાજી એના પોતાના માટે બંગલો બાંધવા નહી પણ,એના છાપરાનો ચુલો સળગાવવા પુરતી જ છે . હવે, આવા તળકામાં કોઈ શાકભાજી કે ભંગારની રેકડી લઇ કોઇ લક્ષ્મી સામે મળી જાય તો ભલે એને તાળીઓના ગડગડાટથી વધાવી ના શકીએ પણ, એને એક સન્માન ભરી નજરે તો જોઈ લેજો.એનો આ અબાધિત અધિકાર છે. ફેસબુક કે વોટ્સ એપ પર ન્યાય અન્યાયની ડાહ્યી ડાહ્યી વાતો કરનારી કે વાતે વાતે ફરિયાદ કરનાર મારી બહેનોના કાન પકડીને કોઇ લક્ષ્મીની સામે ઉભી કરી દઉં ત્યારે એમને વાસ્તવિકતા સમજાશે કે તેઓ પુરુષ સમોવડી નહિ પણ, પુરુષોથી પુરાં એક હજાર ડગલાં આગળ છે. હા..લક્ષ્મી છો તમે!..લક્ષ્મી..!
જય શ્રી કૃષ્ણ

સ્ત્રીસશક્તિકરણ

હમણા એક જવાબદાર અધિકારી સાથે ચર્ચા કરતા એક વાત જાણવા મળી. એક બહેનના ત્રીજી વખતના છુટાછેડા માટેનો કેઇસ હતો. પ્રથમ વખત છુટાછેડા લેતી વખતે 19 લાખ રૂપિયા લીધા, બીજી વખત છુટાછેડા લેતી વખતે 27 લાખ લીધા અને આ ત્રીજી વખતના છુટાછેડા માટે 35 લાખની માંગ મુકવામાં આવી છે.
આ વાત જાણી ત્યારે ખુબ દુ:ખ થયુ. આમાં વાંક માત્ર છોકરીનો જ હશે એવું કહેવાનો મારો કોઇ ઇરાદો નથી પણ આજકાલ જે કંઇ બની રહ્યુ છે એ સભ્ય સમાજે ચિંતા કરવા જેવુ બની રહ્યુ છે. છેલ્લા થોડા વર્ષોમાં છુટાછેડાનું પ્રમાણ ખુબ વધી ગયુ છે. 10 લગ્ન થાય તો એમાંથી 2 થી 3 લગ્નજીવનનું અકાળે અવસાન થઇ જાય છે. કેટલાક તો લગ્નના એક કે બે મહિનામાં જ છુટા પડી જાય છે. આવુ કેમ થાય છે ? આ માટેના ઘણાબધા કારણો હશે પણ મારા મતે એક અતી મહત્વના કારણ પર આજે આપ સૌ મિત્રો અને ખાસ કરીને યુવતિઓને(આનો મતલબ એવો નહિ સમજતા કે યુવાનોને કંઇ કહેવાપણું જ નથી એને જે કહેવાનું છે એ પણ એક અલગ પોસ્ટ દ્વારા કહીશ) મારે વાત કરવી છે.
આપણામાં દિવસે દિવસે સહનશક્તિ ઓછી થતી જાય છે. આપણે માત્ર આપણી શરતોના આધારે જીવન જીવતા થઇ ગયા છે. બધા આપણને અનુકુળ થાય એવો આગ્રહ રહે છે પણ આપણે બીજાને અનુકુળ થઇએ એવી ઇચ્છા જ નથી થતી. લગ્ન પછી ઘણીબધી દિકરીઓની ફરીયાદ હોય છે કે મને ત્યાં ફાવતું નથી. વાત પણ સાચી છે. જે આંગણામાં 20 વર્ષ કાઢ્યા હોય એ આંગણું છોડીને નવા ઘરમાં બધુ બંધિયાર જેવુ લાગે એ સ્વાભાવિક છે. એક વાત ખાસ સમજજો કે નવા ચશ્મા કે નવા બુટ તરત જ ફાવી ન જાય, થોડો સમય ડંખે-ખૂંચે, પણ થોડા દિવસો પહેરી રાખો એટલે પછી ફાવી જાય એમ નવું ઘર પણ શરુઆતમાં ડંખે એટલે એ ઘર છોડીને ભાગી ન જવાય થોડો સમય વિતાવીએ તો ફાવી જાય. માતા-પિતાએ પણ દિકરીઓને આ સમજ આપવી જોઇએ. દિકરીઓને માતા-પિતાના સહકારની જરુર હોય છે, ચડામણીની નહી.
આજે સમય બદલાયો છે. સ્ત્રીસશક્તિકરણના આ યુગમાં સ્વતંત્રતાનો અર્થ આપણે સાવ જુદો જ સમજી બેઠા છીએ. દરેક દિકરીને પુરી સ્વતંત્રતા મળવી જ જોઇએ. સાસુ અને સસરાએ દિકરીને જેવી છુટછાટ આપતા હોય એવી જ છુટછાટ વહુને પણ આપવી જ જોઇએ પણ સાથે સાથે દરેક પરણેલી સ્ત્રીએ પણ એ સમજવું જોઇએ કે પિયર અને સાસરીયા વચ્ચે થોડો ફેર તો પડે. મકાનમાં હવાની અવર-જવર માટે આપણે બારીઓ રાખીએ છીએ પણ આ જ બારીઓમાંથી વાવાઝોડું પ્રવેશે તો ઘરને તહસનહસ કરી નાંખે. સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચે પાતળી ભેદ રેખા છે. ઘણા પરિવારમાં લગ્ન પછી નવી આવેલી વહુને સ્વતંત્રતા મળે છે પણ સ્વચ્છંદતા છીનવાય જાય છે અને એટલે સહન થતુ નથી, ફાવતું નથી. આપણે મિત્રો સાથેના સંપર્ક છોડી નથી દેવાના પણ વહુ તરીકે નવા સંબંધો પણ બાંધવાના અને નિભાવવાના છે એ ભૂલાય જાય છે.
મને તો એવુ લાગે છે કે લગ્ન પછીની નવી ભૂમિકા ભજવવામાં કેવી કેવી બાબતોનું ધ્યાન રાખવું જોઇએ એની લગ્ન કરતા પહેલા જ તાલીમ લેવી જોઇએ. સ્વસ્થ સમાજ રચના માટે સ્વસ્થ દાંપત્યજીવન અનિવાર્ય છે.

વાસ્તવિક્તા

ગઈકાલે ટૂંકા લગ્નજીવન વિષે મેં પોસ્ટ મૂકી હતી જેમાં દીકરીની ક્યાં ભૂલ થાય છે એ વાતનો ઉલ્લેખ કર્યો હતો. કેટલાક મિત્રોને પોસ્ટ સામે સખત વિરોધ હતો અને હું એનો સ્વીકાર પણ કરું છું. બધા તમારી પોસ્ટના વખાણ જ કરે એવું ના હોય યોગ્ય વિરોધ પણ થવો જ જોઈએ. પણ હા જે લખ્યું હતું એ નરી વાસ્તવિકતા હતી અને એ તો જેને અનુભવી હોય એને જ સમજાય.
લગ્નબાદ બહુ ટૂંકા સમયમાં થતા છુટા છેડા માટે બીજું જવાબદાર તત્વ છે છોકરીનો સાસરિયાં પક્ષ. કેટલાક પરિવારમાં વહુને દીકરીની જેમ રાખવામાં આવે છે પણ મોટા ભાગના પરિવારમાં એને પારકા ઘરની દીકરી ગણવામાં આવે છે. જે છોકરી 20 વર્ષ પિયરમાં લાડકોડથી ઉછરી હોય એના પર સીધું જ બંધન આવે ત્યારે એ બંધન સ્વીકારવા માટે એને હૂંફ અને પ્રેમની ખુબ જરૂર હોય છે. મોટાભાગના પરિવાર ઘરમાં આવેલી વહુને હૂંફ અને પ્રેમ આપવામાં ઉણા ઉતારે છે. વહુ સાથે જાણે કે અજાણે એવું વર્તન થાય છે જે એને યાદ અપાવે કે તું દીકરી નહિ વહુ છે.
એક પરિવારમાં મેં પ્રત્યક્ષ જોયેલું કે પરિવારના બધા સભ્યો બેઠા હતા. મહેમાન માટે નાસ્તો લાવવાની વાત આવી એટલે વગર કહ્યે વહુ ઉભી થઇ. સસરાએ તુરંત જ કહ્યું, "બેટા, તું આ ઘરમાં નવી આવી છો. તું બેસ જેથી મહેમાન સાથે વાતો થાય અને પરિચય થાય." આ ભાઈએ વહુને વાતો કરવા બેસાડી અને દીકરીને નાસ્તો લાવવા કહ્યું. દીકરીએ પણ હસતા હસતા આ કામ કર્યું. જો આવું વાતાવરણ સર્જાય તો વહુ સરળતાથી નવા પરિવારમાં ભળી જાય.
કોઈ છોડને એક જગ્યાએથી ઉખાડીને બીજી જગ્યાએ રોપવાનો હોય ત્યારે બહુ ધ્યાન રાખવું પડે. નવી માટી એને અનુકૂળ ના આવે એટલે અનુકૂળ આવે એવી માટી લાવવી પડે. શરૂઆતના સમયમાં પૂરતું ખાતર પાણી પણ આપવું પડે. જો આ બધું યોગ્ય રીતે થાય તો નવી માટીમાં પણ છોડ મહોરી ઉઠે અને સમય આવ્યે યોગ્ય ફળ પણ આપે. મને લાગે છે કે દીકરીને નવા ઘરમાં સેટ કરવાનું યોગ્ય વાતાવરણ તૈયાર કરવામાં આપણે નિષ્ફળ નીવડ્યા છીએ. છોડે પણ એડજસ્ટ થવાના પ્રયાસ કરવા જોઈએ પણ સામે પક્ષે માટીએ અને વાતાવરણે પણ સાથ આપવો જોઈએ.
કદાચ સાસુ સસરા હજુ જુનવાણી વિચારસરણી વાળા હોય એટલે જાતને બદલવામાં મુશ્કેલી થાય પણ પતિ અને નણંદ જો મિત્ર બનીને રહે તો પણ વહુ સાસુ સસરાની ટકટકને સહન કરી લે. લગ્ન પછી નવા પરિવારમાં પતિ એક જ એવું પાત્ર છે જેની પાસે પત્ની પેટખોલીને વાત કરી શકે. જો પતિને વાત સાંભળવાનો કે સમજવાનો સમય ના હોય તો પછી પત્ની બીજા કોઈ સાથે વાત કરવાની જ છે.
આપણે બંને પક્ષે સમજણપૂર્વકની સજાગતા રાખીએ અને પરિવર્તન લાવીએ તો લગ્નજીવન મધુર બની રહે. ઘરાસંસાર છે એટલે પ્રશ્નો તો રહે જ પણ એનો ઉકેલ શોધવાનો પ્રયાસ થવો જોઈએ. દોરીમાં ગાંઠ પડે તો દોરી કાપી નાખવાની ના હોય ગાંઠ ખોલવાનો પ્રયાસ કરવાનો હોય !

રામ ભરોસે

આજે એક મહામાનવને મળીને ધન્ય થઇ ગયો.
એકભાઈને હું ઘણીવાર મળતો. એના વ્યક્તિત્વથી પ્રભાવિત હતો પરંતુ આજે એની કેટલીક વાતો જાણીને મને એમના પ્રત્યે પૂજ્યભાવ થયો. આ સંસારી માણસ સાધુઓને પણ ચડી જાય એવું સેવાકીય કામ કરે છે.
આજે અમે કમાણીમાંથી ભગવાનનો ભાગ કાઢવાની પરંપરા પર ચર્ચા કરી રહ્યા હતા. આ ભાઈ જે કંઈ કમાઈ એમાંથી દર મહિને 10% રકમ ભગવાનના ભાગ તરીકે અલગ રાખી દે છે. કમાણીમાંથી 10% રકમ જુદી રાખનારા આ ભાઈ કરોડોપતિ નહિ પણ રાજકોટમાં જ રહેતા મધ્યમ પરિવારમાંથી છે. મને જાણવાની ઉત્સુકતા થઇ કે આ 10% રકમ એ ક્યાં વાપરે છે ? એમની પાસેથી વાત કઢાવવામાં મને બહુ તકલીફ થઈ પણ ઘીમે ધીમે એ વાત કરતા ગયા અને હું એમની સમજણ અને સેવાના પ્રવાહમાં પલળતો ગયો.
આ ભાઈ રોજ છાપા વાંચે પણ જરા જુદા એંગલથી વાંચે. માલ્યાને જામીન મળ્યા કે નહિ ? નેપાળના રાષ્ટ્રપતિએ રાજકોટમાં આવીને શું ખાધું ? આવા સમાચારોમાં એને કોઈ રસ નહિ. કોઈ દુર્ઘટના બની હોય અને એ દુર્ઘટનાને કારણે કોઈ પરિવારના મોભીની વિદાય થવાથી પરિવાર નોંધારો બની ગયો હોય કે એવી બીજી કોઈ બાબત હોય તો એ ધ્યાનપૂર્વક વાંચે. એનું સરનામું શોધે અને ત્યાં રૂબરૂ તપાસ કરવા જાય. આજુબાજુની વ્યક્તિઓ સાથે વાત કરીને ખરેખર પરિવાર મુશ્કેલીમાં છે કે કેમ એની તપાસ કરે અને જો એમ લાગે કે ખરેખર એને મદદની જરૂર છે તો એક રકમનું કવર તૈયાર કરીને કોઈ અજાણી વ્યક્તિને આપે અને કહે કે પેલા ભાઈના ઘરે આ કવર પહોંચાડી દેજો અને કહેજો કે ભગવાનનો પ્રસાદ છે અને ભગવાને જ મોકલાવ્યો છે. ખૂબીની વાત તો એ છે કે આ મદદ કરતી વખતે સામે વાળો ક્યાં ધર્મનો કે કઈ જ્ઞાતિનો છે એ જોયા વગર પ્રભુનું સંતાન છે એમ માનીને જ મદદ મોકલી આપવાની.
કોઈ ઘરે વળી અનાજ કે કરીયાણું મોકલવાની વ્યવસ્થા કરે પણ કોઈ જગ્યાએ પોતે જાતે જાય નહિ અને કોને આ મદદ મોકલી એની કોઈને જાણ થવા દે નહિ. આવું કામ આ ભાઈ વર્ષોથી કરે છે. પોતાના સગાસંબંધીઓમાં જો કોઈને આર્થિક રીતે કોઈ તકલીફ હોય તો કોઈને ખબર ના પડે એવી રીતે એ ભાઈ કવરમાં પૈસા મોકલી આપે કે સહાય મોકલી આપે. આ વડીલ જે કામ કરે છે એની જાણ એને એના દીકરાને પણ નથી કરી માત્ર એના. પત્નીને જ પોતે જે કામ કરે છે એની જાણ છે.
મેં આ વાત જાણી એટલે મારા વાચકોને આ મહામાનવનો પરિચય કરાવતા મારી જાતને હું ના રોકી શક્યો. એ મારી વાર્તાઓ સાંભળે છે અને પુસ્તકો પણ વાંચે છે એટલે છેવટે મને વિનંતી કરતા કહ્યું, "સાહેબ, મને તમારી ખબર છે કે તમે જે સારું જુવો કે જાણો એ લોકોને જણાવો છો. જો તમે આ વાત લખો તો મહેરબાની કરીને મારું નામ ના લખશો. જે વાતની જાણ અત્યાર સુધી કોઈને નથી એ વાતની જાણ મારે કોઈને થવા દેવી નથી.
જીવનમાં બહુ ઓછી વખત આંખ ભીની થયા વગર લાગણીથી હૃદય રડ્યું છે. આજે આનંદથી હૃદય તરબતર થઈ ગયું. માણસ આજે જ્યારે માત્ર અને માત્ર પોતાના જ સ્વાર્થનો વિચાર કરે છે ત્યારે પ્રભુનો પ્રસાદ મોકલવાનું કામ કરતા આવા સાધુપુરુષથી સંસાર ખરેખર શોભે છે.

મારી પત્નીને ઉંચકવાના એ ત્રીસ દિવસ..........

એ દિવસે રાત્રે હું ઘરે આવ્યો અને મારી પત્ની જ્યારે મારું જમવાનું પીરસી રહી હતી, ત્યારે મેં એનો હાથ પકડ્યો અને કહ્યું, ‘મારે તને કશુંક કહેવું છે.’ એ શાંતિથી નીચે બેઠી અને જમવા લાગી. ફરી મેં તેની આંખોમાં જોયું અને મને જાણ થઈ કે મેં ખરેખર એનું મન દુભાવ્યું છે. મને ખબર ન પડી કે હું વાતની શરૂઆત કઈ રીતે કરું, છતાં હું જે વિચારતો હતો એ તો મારે એને કહેવું જ હતું. મેં સ્વસ્થ થઈને શાંતિથી મારી વાત શરુ કરી અને કહ્યું કે : ‘મારે છુટાછેડા જોઈએ છે….’ મારી ધારણાં મુજબ જ આ વાક્ય સંભાળતાં એના મોં પર સંતાપ ન દેખાયો, બલકે એણે નમ્રતાપૂર્વક મને પૂછ્યું, ‘શા માટે ?’
મેં એના પ્રશ્નનો વળતો જવાબ ન આપ્યો. આ વાતથી તે ખૂબ ગુસ્સે થઈ. લાકડાનો તવેથો એ મારી તરફ ફેંકીને આક્રોશમાં બોલી, ‘તું તો માણસ જ નથી….’ તે રાત્રે અમે બન્નેએ એકબીજા જોડે વાત ન કરી. તે રડતી હતી. મને ખ્યાલ હતો કે એને એ જાણવું હતું કે અમારા વૈવાહિક જીવનને થઈ શું ગયું છે ? પરંતુ હું એને સંતોષકારક જવાબ ના આપી શક્યો. મારું હૃદય હવે ‘જેન’ નામની સ્ત્રી માટે ધડકતું હતું. હું મારી પત્નીને પ્રેમ નહોતો કરતો. મને તો એના માટે માત્ર દયા ઉપજતી હતી.
છેવટે અપરાધની અત્યંત લાગણી સાથે મેં છૂટાછેડાના દસ્તાવેજો તૈયાર કર્યા અને એમાં નોંધ કરી કે મારી પત્ની અમારું મકાન, અમારી ગાડી અને અમારી કંપનીમાં 30% નો ભાગ પોતાની માલિકીનો કરી શકશે. મારી પત્નીએ તે દસ્તાવેજો પર એક નજર ફેરવી અને પછી ફાડીને એના ટુકડા કરી દીધા. જે સ્ત્રીએ મારી સાથે એની જિંદગીના દસ વર્ષ વીતાવ્યાં હતાં તે મારી માટે આજે એક અપરીચિત વ્યક્તિ બનીને રહી ગઈ હતી. મને એનો સમય, સહારો અને ઉત્સાહ વ્યય કરવાનો ભારે પછતાવો હતો છતાં મેં જે કહ્યું એ શબ્દો હું પાછા નહોતો લઈ શકતો કારણ કે હું જેનને બહુ જ પ્રેમ કરતો હતો. મારી ધારણા મુજબ દસ્તાવેજો ફાડ્યા બાદ મારી પત્ની મારી સામે બહુ જ મોટેથી રડી પડી. મારી માટે એના આંસુએ મારી આઝાદી કે મારા છુટકારાનો સંકેત હતો. છૂટાછેડાની વાતે મારા મન પર છેલ્લા કેટલાક સમયથી કબજો કરી લીધો હતો; એ હવે વધુ દ્રઢ અને સ્પષ્ટ થતી જણાઈ. બીજે દિવસે જ્યારે હું મોડી રાત્રે ઘરે પહોંચ્યો ત્યારે જોયું તો મારી પત્ની કંઈક લખી રહી હતી. આખો દિવસ પેલી જેન જોડે વિવિધ પ્રસંગોમાં વીતાવ્યા બાદ હું ખૂબ જ થાકી ગયો હતો, તેથી રાત્રી ભોજન કર્યા વગર જ ઊંઘી ગયો. હું વચ્ચે ઉઠ્યો ત્યારે મેં જોયું તો હજુ તે કંઈક લખી રહી હતી. ખેર, મને એની કોઈ પરવા નહોતી એટલે પીઠ ફેરવીને હું સૂઈ ગયો.
સવારે એણે અમારા છૂટાછેડા માટે અમુક શરતો મારી સમક્ષ મૂકી. એને મારી જોડેથી કશું જોઈતું નહોતું પણ એને છૂટાછેડા પહેલા એક મહિનાની નોટીસ જોઈતી હતી. એણે એવી વિનંતી કરી કે એક મહિના દરમ્યાન અમે બન્ને એક સરળ વૈવાહિક જીવન જીવવાનો પૂરેપૂરો પ્રયાસ કરીએ. એની આ શરતો માટેના કારણો બહુ સરળ હતા કારણ કે અમારા પુત્રને એક મહિનાના સમયગાળામાં પરીક્ષાઓ હતી અને અમારા છૂટાછેડાને લીધે એના અભ્યાસમાં કોઈ બાધા આવે એવું તે ઈચ્છતી નહોતી. આ શરત મને મંજૂર હતી. પરંતુ એણે કેટલીક અન્ય શરતો પણ મૂકી હતી. એ ઈચ્છતી હતી કે હું એ સમય યાદ કરું જ્યારે મેં અમારા લગ્નના દિવસે તેને ઊંચકી હતી એને અમારા શયનખંડમાં તેને લઈ ગયો હતો. એણે એવી વિનંતી કરી કે હું એને આ એક મહિના દરમ્યાન રોજ સવારે અમારા શયનખંડથી અમારા ઘરની મુખ્ય ઓરડીના દરવાજા સુધી ઊંચકીને લઇ જઉં ! શરત વાંચીને મને એમ થયું કે આ હવે ગાંડી બની ગઈ લાગે છે ! પણ અમારા સાથે રહેવાના માત્ર છેલ્લા દિવસોને સહન કરી શકાય એવા બનાવવા ખાતર મેં તેની આ વિચિત્ર માંગ પણ સ્વીકારી લીધી… ખાનગીમાં મેં જેનને પત્નીના છૂટાછેડાની શરતો વિશે વાત કરી ત્યારે તે આ વાહિયાત વાતો સાંભળીને હસી પડી. તેણે ધિક્કારપૂર્વક કહ્યું : ‘તારી પત્ની ભલે ગમે તે તર્ક અપનાવે પરંતુ એણે આ છૂટાછેડાનો સામનો તો કરવો જ પડશે…’
મેં જ્યારથી અમારા છૂટાછેડા વિશે મારી પત્નીને સ્પષ્ટ વાત કરી ત્યારથી અમારા બન્ને વચ્ચે કોઈ જ શારીરિક સંબંધ નહોતો. તેથી શરત પ્રમાણે પ્રથમ દિવસે જ્યારે મેં એને ઊંચકી ત્યારે અમને બન્નેને બહુ અતડું લાગ્યું. અમારો દીકરો તો અમારી પાછળ તાળીઓ પાડતો ખુશીથી કહેતો હતો કે : ‘આજે ડેડીએ મમ્મીને એમના હાથોમાં ઊંચકી છે……’ એના આ શબ્દોથી મને વેદના થઈ. શયનખંડથી મુખ્યખંડમાં અને તે પછી દરવાજા સુધી – એમ દસ મીટર કરતાં પણ થોડું વધુ અંતર મેં એને મારા હાથમાં લઈને કાપ્યું. એણે એની આંખો બંધ કરી અને મને એકદમ નમ્રતાપૂર્વક કહ્યું : ‘આપણા પુત્રને આપણા છૂટાછેડા વિશે વાત ન કરતાં.’ થોડા દુઃખ સાથે મેં હકારમાં માથું ધૂણાવ્યું. મેં એને દરવાજાની બહાર હાથમાંથી નીચે ઉતારી. તે કામ પર જવા બસની રાહ જોઈને ઊભી રહી અને હું કારમાં મારી ઑફીસે જવા રવાના થયો.
એ પછી બીજા દિવસે તો અમે બહુ સહજતાથી વર્તી શક્યા. તેણે મારી છાતી પર ટેકો લીધો. મને એના વસ્ત્રોમાંથી આવતી સુવાસનો અનુભવ થયો. મને એ સમજાયું કે આ સ્ત્રીને મેં છેલ્લાં ઘણા સમયથી ધ્યાનથી જોઈ પણ નથી. મને એ પણ સમજાયું કે તે હવે યુવાન નથી રહી. તેના મોં પર નાની કરચલીઓ છે અને એના વાળ પણ સફેદ થઈ રહ્યા છે. અમારા વૈવાહિક જીવને જાણે એના જોડેથી કર વસુલવાનું શરુ કર્યું હતું. એક ક્ષણ માટે તો હું વિસ્મયમાં મુકાઈ ગયો કે મેં આની જોડે શું કરી દીધું છે ! ચોથા દિવસે મેં જ્યારે એને ઊંચકી ત્યારે અમે ફરી નિકટ થઈ રહ્યાં હોઈએ એવું મને લાગવા માંડ્યું. આ એ જ સ્ત્રી હતી જેણે એની જિંદગીના દસ અણમોલ વર્ષ મને સમર્પિત કર્યા હતાં. પાંચમાં અને છઠ્ઠા દિવસે મને એહસાસ થયો કે અમારી નિકટતા વધી રહી હતી. મેં જેનને આ વાતની જાણ ના કરી. જેમ જેમ મહિનો વીતતો ગયો એમ એમ એને ઊંચકવું મારે માટે સહેલું થતું ગયું. કદાચ આ રોજની કસરત મને મજબુત બનાવી રહી હતી !
એક સવારે તે અમુક વસ્ત્રો પસંદ કરી રહી હતી. તેણે અમુક પહેરીને માપી જોયાં પરંતુ બરાબર ફીટ બેસે તેવા એકેય કપડાં નહોતાં. નિસાસો નાખતાં તે બોલી : ‘મારા બધા વસ્ત્રો માપ કરતાં મોટા થઈ ગયા છે.’ ત્યારે અચાનક મને એહસાસ થયો કે તે કેટલી બધી પાતળી થઇ ગઈ છે. કદાચ એટલે જ હું એને સહેલાઈથી ઊંચકી શકતો હતો. મનોમન મને થયું કે અરેરે… એણે પોતાના દિલની અંદર કેટલી કડવાશ અને દર્દ છુપાવી રાખ્યાં હશે. હું એની નજીક ગયો અને તેના મસ્તકનો સ્પર્શ કર્યો. બરાબર તે જ સમયે દીકરો અંદર આવ્યો અને કહ્યું : ‘ડેડ, મમ્મીને ઊંચકીને બહાર લઈ જવાનો સમય થઇ ગયો છે….’ એની માટે તો એના ડેડી રોજ એની મમ્મીને ઊંચકીને બહાર લઈ જાય એ એની જિંદગીનો જાણે એક અનિવાર્ય ભાગ બની ગયો હતો ! મારી પત્નીએ દીકરાને ઈશારાથી નજીક બોલાવ્યો અને એને હૃદય સરસો ચાંપી લીધો. મેં મારું મોં બીજી તરફ ફેરવી લીધું કારણ કે મને ભય હતો કે ક્યાંક છેલ્લી ઘડીએ હું મારું મનનાં બદલી દઉં ! પછી મેં તેને રાબેતા મુજબ મારા હાથોમાં ઊંચકી એને શયનખંડમાંથી મુખ્ય ખંડ અને પછી મુખ્યખંડના દરવાજા સુધી એને લઈ ગયો. એના હાથ મારા ગળા ફરતે એકદમ નાજુક રીતે વીંટળાયેલા હતાં. મેં એનું શરીર એકદમ સજ્જડ રીતે પકડી રાખ્યું હતું. બરાબર એ જ રીતે જે રીતે અમારા લગ્નના દિવસે પકડ્યું હતું. પરંતુ એના આટલા ઓછા વજનને લીધે હું દુઃખી હતો. મને થતું કે શું કામ એ જીવ બાળતી હશે ?
છેલ્લે દિવસે જ્યારે મેં એને મારા હાથમાં ઊંચકી ત્યારે હું એક કદમ પણ આગળ ન વધી શક્યો. દીકરો એ સમયે નિશાળે ગયો હતો. મેં એને એકદમ સજ્જડ રીતે પકડીને કહ્યું, ‘મને એવી ખબર પડી ગઈ છે કે આપણી જિંદગીમાં નિકટતાનો અભાવ હતો….’ એ પછી હું કાર લઈને ઓફીસ ગયો. કારને લોક કર્યા વગર એમાંથી ઝડપભેર કૂદકો માર્યો કારણ કે મને એ ભય હતો કે કોઈપણ પ્રકારનો વિલંબ મારો વિચાર બદલી દેશે. હું સીડીઓ ચઢીને ઉપર ગયો. જેને દરવાજો ઉઘાડ્યો અને મેં એને કહ્યું :
‘સોરી જેન, મારે હવે છૂટાછેડા નથી જોઈતા…’
તેણે મારી સામે આશ્ચર્યપૂર્વક જોયું અને પછી મારા કપાળ પર હાથ ફેરવ્યો : ‘તને તાવ તો નથી આવ્યો ને ?’
મેં એનો હાથ મારા કપાળ પરથી હટાવ્યો.
‘સોરી જેન….’ મેં કહ્યું, ‘હું છુટાછેડાં નહીં લઉં. ખાસ તો મારું વૈવાહિક જીવન એટલે નીરસ હતું કારણ કે અમે અમારી જિંદગીના મૂલ્યોની કિંમત સમજતા નહોતાં. હકીકતે એવું નથી કે અમે એકબીજાને પ્રેમ નહોતા કરતાં. હવે મને એહસાસ થાય છે કે જ્યારથી અમારા લગ્નના દિવસે હું એને મારી ઘરે લઈ ગયો હતો ત્યારથી અમારું મૃત્યુ અમને અલગ ન કરે ત્યાં સુધી મારે એને સાથ આપવાનો જ હોય.’ મારી વાત સાંભળીને જેન જાણે અચાનક નિંદ્રામાંથી ઉઠી હોય એમ આવાક થઇ ગઈ અને મને જોરથી એક તમાચો માર્યો અને પછી એટલા જ જોરથી દરવાજો બંધ કરીને ચોધાર આંસુએ રડી પડી. હું સીડીઓ ઊતરીને નીચે ગયો અને પછી કાર લઈને નીકળી ગયો.

રસ્તામાં એક ફૂલોની દુકાનમાંથી મેં મારી પત્ની માટે ગુલદસ્તો ખરીદ્યો. દુકાનદારે મને કાર્ડમાં કંઈક લખવા વિશે પૂછ્યું. મેં સ્મિત કર્યું અને લખ્યું, ‘મોત આપણને અલગ ન કરી દે ત્યાર સુધી હું દરરોજ સવારે તને ઊંચકીશ….’ તે સાંજે હું ઘરે આવ્યો. મારા હાથોમાં ગુલદસ્તો અને મુખ પરની મુસ્કાન સાથે હું સીડી ચઢી ઉપર મારી પત્નીને મળવા ગયો…. પણ એ સમયે એણે એના દેહનો સાથ છોડી દીધો હતો.
એ પછી મને ખબર પડી કે મારી પત્ની છેલ્લા અમુક મહિનાઓથી કેન્સરથી પીડાતી હતી. તેનું વજન ઘટતું જતું હતું. પરંતુ હું તો જેન સાથે એટલો વ્યસ્ત હતો કે મેં આની કોઈ નોંધ જ લીધી નહોતી. એને ખબર હતી કે તે જલ્દી જ આ સંસાર ત્યજી દેશે. મારા દીકરા સામે મારી કહેવાતી છાપ ખરાબ ન થાય એટલે તેણે છૂટાછેડાની વાત આગળ ન ધપાવી. કમસેકમ હું મારા પુત્રની સમક્ષ એની આંખોમાં એક પ્રેમાળ પતિ તરીકે રહી શકું તેથી તેણે આમ કર્યું.
ખરેખર તો આપણા જીવનની સુક્ષ્મ બાબતો જ આપણા જીવનમાં સૌથી અગત્યની હોય છે. એ નથી હવેલી, નથી ગાડીઓ, નથી મિલકત કે નથી બેંકમાં જમા કરેલાં આપણા નાણાં. આ બધી ભૌતિક વસ્તુઓ ખુશીઓનું કારણ બની શકે પરંતુ એ પોતે તો ખુશીઓ ન જ આપી શકે. એટલે તમારા જીવનસાથીના મિત્ર બનવા માટે સમય ફાળવો અને એકબીજા માટે એ તમામ નાની ઝીણી-ઝીણી વસ્તુઓ કરો કે જેનાથી તમારી નિકટતા વધી શકે. ખરા અર્થમાં ખુશખુશાલ વૈવાહિક જીવનની તમને શુભકામનાઓ !

સમસ્યાઓ સામે રડીએ નહી પણ લડીએ

એકવાર ભગવાન શ્રીકૃષ્ણ, મોટાભાઇ બલરામ અને સાત્યકી( સાત્યકી દ્વારકાનો બહું મોટો યોધ્ધો હતો) સાથે જંગલમાં ફરવા માટે નીકળ્યા. વાતો કરતા કરતા જંગલમાં ખુબ દુર સુધી પહોંચી ગયા. જંગલ એવુ ગાઢ હતુ કે એ લોકો પાછા વળતી વખતે રસ્તો જ ભૂલી ગયા. બહાર નીકળવાનો રસ્તો શોધતા સાંજ પડવા આવી પણ રસ્તો મળતો નહોતો. શ્રીકૃષ્ણએ કહ્યુ, “સાંજ ઢળવા આવી છે માટે હવે રસ્તો શોધવાનુ બંધ કરીએ અને જંગલમાં જ રાતવાસો કરીએ. સવારે સૂર્યોદય થાય ત્યારે રસ્તો શોધીશું કારણકે જો અત્યારે રસ્તો શોધીશુ તો અંધારાને કારણે ઉલટાના વધારે ગુંચવાઇ જઇશુ.
સાત્યકિએ શ્રીકૃષ્ણની આ વાતનો વિરોધ કરતા કહ્યુ, “માધવ, આપની વાત સાચી છે કે રાત્રે રસ્તો શોધવાને બદલે અહીંયા જ રાતવાસો કરીએ પણ શું આપ એ નથી જાણતા કે આ ગાઢ જંગલમાં બ્રહ્મરાક્ષસ રહે છે જે માણસોને મારી નાખે છે ?” શ્રીકૃષ્ણએ હસતા હસતા કહ્યુ, ”સાત્યકી, એ તો મેં પણ સાંભળ્યુ છે પણ આપણે ત્રણે સારા યોધ્ધાઓ છીએ અને બ્રહ્મરાક્ષસની સામે લડવા માટે સક્ષમ છીએ. રાત્રે આપણી સલામતી માટે આપણે એવું નક્કી કરીએ કે રાતના ત્રણ સરખા ભાગ કરીને ત્રણે વ્યક્તિ જાગવાનો વારો કાઢીએ. એક જાગે અને બાકીના બે સુતેલાની રક્ષા કરે.” સાત્યકી અને બલરામ બંનેને શ્રીકૃષ્ણની આ વાત ગમી.
જાગવાનો સૌથી પહેલો વારો સાત્યકીનો હતો. શ્રીકૃષ્ણ અને બલરામ ઘસઘસાટ ઉંધી રહ્યા હતા. થોડો સમય થયો અને બ્રહ્મરાક્ષસ આવ્યો.સાત્યકીએ એની સાથે લડાઇ શરુ કરી. સાત્યકી બ્રહ્મરાક્ષસને બરોબરની ફાઇટ આપતો હતો. આ દ્વંદયુધ્ધમાં બંને એકબીજાને મારી રહ્યા હતા. જ્યારે સાત્યકીને વાગે એટલે એ દર્દની ચીસ પાડે એનું પરિણામ એ આવે કે સાત્યકીની ચીસથી બ્રહ્મરાક્ષસનું કદ મોટુ થાય અને કદ મોટું થવાથી હવે પછી આવનારા મુક્કાની તાકાત વધી જાય.
સાત્યકી બ્રહ્મરાક્ષસના મુક્કા ખાઇખાઇને અધમુવો થઇ ગયો. સાત્યકીનો જાગવાનો સમય પુરો થયો એટલે એમણે તુરંત જ બલરામને જગાડયા. હવે બલરામે આ રાક્ષસ સામે લડાઇ લડવાની હતી. પરંતું બલરામે એ જ કર્યુ જે સાત્યકી એ કર્યુ હતુ. બલરામને પણ વાગે એટલે દર્દની ચીસ પાડે અને એનુ પરિણામ એ આવે કે પેલા બ્રહ્મરાક્ષસનું કદ મોટુ થાય. બલરામ પણ લડી લડીને થાક્યા કારણકે પેલા બ્રહ્મરાક્ષસનું કદ સતત વધી રહ્યુ હતુ.
બલરામનો લડવાનો સમય પુરો થયો એટલે એમણે શ્રીકૃષ્ણને જગાડ્યા.
શ્રીકૃષ્ણએ બ્રહ્મરાક્ષસ સાથેની આ લડાઇમાં નવી વ્યુહરચના અપનાવી. પોતાને જ્યારે તક મળે ત્યારે પેલા રાક્ષસને બરોબરનો મારી લે અને રાક્ષસ મારે ત્યારે પોતાને વાગે છતા વાગ્યાના દર્દની ચીસ પાડવાના બદલે ઉલટાનું તેની સામે જોઇને ખડખડાટ હસે. એનું પરિણામ એ આવ્યુ કે પેલા બ્રહ્મરાક્ષસનું કદ નાનુ થવા લાગ્યુ અને થોડા સમયની લડાઇમાં એનું કદ નાની પુતળી જેવું થઇ ગયું. પછી કૃષ્ણએ બહુ જ આસાનીથી પેલા પુતળી જેવા બ્રહ્મરાક્ષસની ગરદન મરડીને મારી નાખ્યો અને શાંતીથી સુઇ ગયા.

સામાન્ય લાગતો આ પ્રસંગ ખુબ મહત્વનો સંદેશો આપી જાય છે. આપણા બધાના જીવનમાં પ્રશ્નો , પડકારો અને સમસ્યાઓ રૂપી બ્રહ્મરાક્ષસ આવે છે. આ પ્રશ્નો , પડકારો અને સમસ્યાઓ સામે આપણે જેટલા રડયા રાખીએ એટલું જ એનું કદ વધતું જાય અને એક સમય એવો આવે કે એ આપણને મારી નાખે- ખલાસ કરી દે. પરંતું જો આ પ્રશ્નો , પડકારો અને સમસ્યાઓ સામે હસતા રહીએ તો એક સમય એવો આવે કે એનું કદ નાની પુતળી જેવું થઇ જાય અને આપણે એને મારી શકીએ.
આપણા શરિરમાં જ્યાં સુધી શ્વાસ ચાલતો રહેશે ત્યાં સુધી સમસ્યાઓ પણ રહેવાની જ છે. આ સમસ્યાઓથી ડરવાની નહી લડવાની જરુર છે. જે લોકો સમસ્યાઓ સામે લડી શકે છે એ ગમે તેવી મોટી સમસ્યા કે પ્રશ્નને પણ ધીમે ધીમે નાનો બનાવીને છેવટે તેના પર વિજય મેળવી લે છે.
“ નિરાસાવાદ વિધ્વંશને નોતરે છે. નિરાસા એક મોત છે, રિબાવી રિબાવીને મારતુ મોત.” 
- સ્વેટ માર્ડન

વાછરડું

આઠ વર્ષના શુભમ અને પંદર દિવસ પહેલા જન્મેલા વાછરડામાં ઝાઝો ફરક ન હતો;બંનેની પ઼કૃતિ ચંચળ ,રમતિયાળ અને ઉત્સુકતાથી લથપથ બાળસહજ જિજ્ઞાસા અનેઉછળકુદ.દૂનિયાનેજાણવાની,સમજવાની અને માણવાની શરૂઆતનો આ સૂવર્ણ કાળ!
મનમાં ઉદ્ભભવતા અનેક સવાલો
વચ્ચે પણ આ બંનેને મા તો જોઈ જ.શુભમ થોડી થોડી વારે કોઇને કોઇ બહાને એની મમ્મી જાનકી પાસે દોડી જતો, વાછરડું પણ ગાયના સહવાસને માણવા મથતું રહેતું.જીવ સૃષ્ટિનો પહેલો નિયમ "મા" જ હોય. દૂનિયાના સૌથી નાના જીવ થી લઈ કોઈ મહાકાય જીવ વચ્ચેની સામ્યતા એટલે "મા"

વાછરડું આમ તો તંદુરસ્ત હતું પણ, ગામમાં જ વેટરનરી ડોક્ટર મુલાકાત માટે આવેલ એટલે વાછરડાનું ચેક અપ કરાવવા લઈ જવા મનોજે વાછરડાના ગળામાં રસ્સી બાંધી. વાછરડું ગાય પાસેથી કેમેય ખસવા તૈયાર ન હતું.મનોજ જોર લગાવી વાછરડાને ખડકી બ્હાર ખેંચવા લાગ્યો.વાછરડું ઘસડાતા પગે મનોજની પાછળ ચાલ્યું પણ,ત્યાં ગાય સફાળી ઉભી થઈ.ચારે પગે જોર લગાવી એણે ખીલોજ ઉખાડી નાખ્યો.ગળામાં સાંકળ અને એની પાછળ લટકતા ખીલા સાથે એણે વાછરડાની પાછળ દોટ મુકી.શાંત સ્વભાવની
ગાયનું આ વરવું રૂપ જોઈ ઘરનાં બધાં ડઘાઈ જ ગયાં!આજે કદાચ કોઈ ગાયની હડફેટે 
આવ્યું હોત તો કંઈક અજુગતુ બની જાત.શુભમ થોડે દુર એની મમ્મી પાસે ઉભો રહી આ બધુ જોઇ રહ્યો હતો.એના મનમાં એની મમ્મી જાનકી માટે એક સવાલ હતો "મમ્મી તું મને એકલો મુકીને કેમ જાય છે?
જાનકી વિધવા હતી.ત્રણ વર્ષ અગાઉ એના પતિનું અકસ્માતે મોત થયેલું.
વિધવાપણાના બોજ સાથે પાંચ વર્ષના શુભમ ને લઇ એ છેલ્લા ત્રણ વર્ષથી પિતૃગૃહે રહેવા આવેલી.જીંદગી હજી લાંબી હતી; ત્રીસી હજુ હમણાં જ વટાવેલી.બીજા લગ્નના ત્રણ ચાર પ઼સ્તાવ આવેલા,એમાંથી ઘરનાંએ અલ્પેશ પર પસંદગીનો કળશ ઢોળેલો . અલ્પેશ અને એના પરિવારે શુભમ એના મામા કે કાકાને ઘેર રહેશે એવી શરતે જાનકી સાથે લગ્ન કરવાની તૈયારી દર્શાવેલી.
અલ્પેશ ઉચ્ચ હોદ્દા પર બેઠેલો સરકારી કર્મચારી હતો એટલે પૈસે ટકે સુખી હતો.એની પહેલી પત્ની સાથે ચાલતો છૂટાછેડાનો કેસ પણ લેતી દેતી થી પતી ગયેલો.સાતમા પગાર પંચે આર્થિક વિકાસ સાધી શકાય પણ કોઈ જાનકીને એના વાછરડા સાથે સ્વીકારી શકાય એવાપગારપંચનો અમલ અલ્પેશના ભાગ્યમાં ન હતો...
જાનકીના બીજા લગ્નની વાત શુભમને સમજાઇ ગઈ હતી.હવે થોડા દિવસમાં
જ એણે કાયમ માટે કાકાને ધેર જવાનું હતું.
નાનકડા મનમાં અનેક સવાલો હતા;ફરિયાદો હતી પણ,એની ય હાલત ગળામાં રસ્સી 
બાંધેલા પેલા વાછરડા જેવી હતી..
મોડી રાત થઈ ગઈ પણ જાનકીને હજુ ઉંધ ન્હોતી આવતી. ઘરના આંગણામાં
ઢાળેલા ખાટલામાં એ આમતેમ પડખાં ફેરવી રહી હતી. પડખે સુતેલા શુભમનો ચહેરો ચંદ઼માના અજવાળે એણે જોયો;સામે ઢાળીયામાં બાંધેલી ગાય અને એનું વાછરડું પણ એ સ્પષ્ટ જોઈ શકતી હતી.આજે સવારે ગાય એના વાછરડા માટે જે પ઼કારે તોફાને ચડેલી એ દૃશ્ય ફરી એની આંખ સામે તરવા લાગ્યું.
વિજળી વેગે જાનકીના મનમાં એક સવાલ ઉદ્ભભવ્યો..
"શાંત સ્વભાવની સાંકળે બંધાયેલી ગાય જો એના વાછરડા માટે ખીલો પણ ઉખાડી શકતી હોય તો હું શું કામ નહી?" 
સંતાન સુખના ભોગે પતિ સુખનો સોદો દૂનિયાની કોઈ મા ને ન જ પરવડે.
સિંદૂરનો લાલ રંગ ધાવણના ધોળા રંગ સામે કાયમ ફીક્કો જ લાગે.
જાનકી એ ધીમેથી શુભમને એની છાતીએ લગાવ્યો.એના કપાળને ચુમતાં ચુમતાં એની આંખ માંથી સરી પડેલાં બે આંસુ શુભમના ગાલ પર જઇ પડ્યાં.
હા..જાનકીએ પણ એના વાછરડા માટે બીજાં લગ્નનો ખીલો ઉખાડીને ફેંકી દીધો ,ત્યાં દુર એક તુટતો તારો ઝડપથી પ઼કાશ વેરતો આકાશમાં ઓગળી ગયો... 
જય શ્રી કૃષ્ણ

KFC story: દિલને પીગળાવી દેશે KFC ના માલિકની સ્ટોરી

અમેરિકાના કર્નલ હાર્લેન્ડ સેન્ડર્સ (Colonel Harland Sanders) નું નામ એટલું જાણીતું નથી. પરંતુ દુનિયાભરમાં કે એફ સી રેસ્ટોરન્ટનું નામ જાણીતું છે. જીંદગીમાં તેના જેવા દુઃખો તો બધાને પડતા હશે પરંતુ મનોબળ જો દરેકને મળે તો ? જીંદગીના ૬૫ વર્ષ સુધી એ માણસ રીબાયો છે. કર્નલના પિતા એ પાંચ વર્ષનો હતો ને મૃત્યુ પામ્યા. ૧૬ વર્ષે તેણે ભણવાનું છોડી દીધું. ૧૭ વર્ષની ઉંમર થતા સુધીમાં તો જીંદગીની ૪ નોકરીઓ છૂટી ગઈ.
૧૮ વર્ષે લગ્ન થયા. ૧૮ થી ૨૨ વર્ષ રેલ્વેમાં કન્ડક્ટરની નોકરી કરી અને ત્યાં ફેલ ગયો. એ પછી તે આરમીમાં જોડાયો ત્યાંથી ફેંકાઈ ગયો. લો સ્કૂલમાં એડમિશન માટે અરજી કરી અને રીજેક્ટ થયો. ઈન્સ્યોરન્સનો સેલ્સમેન બન્યો અને ત્યાં પણ ફેલ ગયો. ૧૯ વર્ષની ઉંમરે પિતા બન્યો અને ૨૦ વર્ષની ઉંમરે તેની પત્ની તેની છોકરીને લઈને ઘર છોડીને ચાલી ગઈ.
કેવા સપનાઓ સાથે એક યુવાને જીંદગીની શરૃઆત કરી હશે ! એને પોતાના સપના નહીં હોય ? એક પણ સપનું સાકાર ના થાય ત્યારે અંદરથી એ કેવો તૂટી ગયો હશે ! આર્મીમાં જોડાવા નીકળેલો છોકરો નાનકડી કોફીની દુકાનમાં વાસણ સાફ કરનારો અને રસોઈ કરનારો બની જાય છે. દીકરીનું ખેંચાણ હોવાને લીધે પોતાની દીકરીને ઉપાડી જવા તેણે પ્રયત્ન કર્યો અને તેમાંય ફેલ ગયો.
પત્નીને તેણે મનાવી લીધી અને ૬૫ વર્ષની વયે રીયાયર્ડ થયો ત્યાં સુધી સામાન્ય પગાર સાથે નોકરી કરતો રહ્યો. જે દિવસે નિવૃત્ત થયો તે દિવસે ૧૦૫ ડોલરનો ચેક મળ્યો પરંતુ એ પૈસા પોતે ન વાપરી શકે તે શરતે. આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો અને એ એમાંય નિષ્ફળ ગયો.
જીંદગીના ૬૫માં વર્ષે એક પછી એક નિષ્ફળતાઓ જોયા પછી એક દિવસ ઝાડ નીચે બેસીને પોતાના મનની ઈચ્છાઓ એ લખવા બેઠો, જીવનમાં તે શું-શું કરવા વિચારતો હતો અને તે શું-શું કરી શક્યો હોત તે વિશે વિચારતા-વિચારતા તેને અચાનક ખ્યાલ આવ્યો કે એ કોઈ પણ વ્યક્તિ કરતા વધુ સારી રીતે એક વસ્તુ સારી રીતે કરી શકે તેમ છે અને તે છે રસોઈ.
૧૦૫ ડોલરના ચેકની સામે ૮૭ ડોલર ઉધાર લઈને પોતાના મસાલાથી અને પોતાની રીતથી તેણે ચિકન ખરીદીને ફ્રાય કર્યું. એની આજુબાજુના ઘરોમાં એ ચિકન વેચાઈ ગયું. અમેરિકાના ઓહાયો પાસે કેન્ટકી નામનું રાજ્ય છે અને તેણે કેન્ટકી ફ્રાય ચિકન (કેએફસી) નામની દુકાન ચાલુ કરી.
૬૫ વર્ષની ઉંમરે આપઘાત કરવા નીકળેલો માણસ ૮૮ વર્ષની ઉંમરે અબજોપતિ બન્યો. જીવનમાં કશું પણ નવેસરથી શરૃ કરવા માટે ક્યારેય મોડું નથી થયું હોતું. મહત્વની વાત છે તમારો દ્રષ્ટિકોણ અને વર્તન. નિરાશામાં ભાગી ન છૂટો. કામ ગમે તેટલું અઘરું હોય તો પણ તમે તેમાં સફળ થઈ શકો છો. જીંદગીના નવા ક્ષેત્રમાં નવેસરથી શરૃઆત કરીને નવા શિખરો સર કરવા માટે તમે ક્યારેય ઘરડા નથી હોતા.
આજે KFC નું સામ્રાજ્ય ૧૨૦ દેશોમાં ફેલાયેલ છે. સમગ્ર દુનિયામાં આના ૧૮૦૦૦ જેટલા રેસ્ટોરન્ટ્સ છે અને ૨૦ અરબ ડોલર કરતા પણ વધારે આની એક વર્ષની આવક છે.
મોરલ : ઘણા લોકોની સમસ્યા હોય છે કે તેમની આખી જિંદગી સંઘર્ષો કરવામાં જ વીતી ગઈ. કર્નલ સેન્ડર્સની આ સ્ટોરી એ લોકો માટે વરદાન રૂપ સાબિત થઇ શકે છે. લગભગ પોતાની લાઈફમાં ૧૦૦૯ વાર રીજેક્ટ થયેલ આ વ્યક્તિની સ્ટોરી આપણને શીખવાડે છે કે નિરાશ ક્યારેય ન થવું. અંતિમ શ્વાસ સુધી કોશિશ ચાલુ રાખો, કિસ્મત બદલાતા વાર નથી લાગતી.
આપણને શું શીખવા મળ્યું?
* સફળતા ઉંમર નથી જોતી. બસ કામ પૂરી મહેનત અને ખંત થી કરવું જેથી ચોક્કસ સફળતા મળશે.
* દરેક rejection નો અર્થ ending નથી.
* પોતાના ટેલેન્ટ પર વિશ્વાસ રાખવો. એ આ દુનિયામાં બધું અપાવે છે.

મામાનું ઘર...!

સ્કૂલની પરીક્ષાનું છેલ્લું પેપર આપીને આવતાં; લગભગ તે જ દિવસે મામાનો કાગળ આવી જતો,
“ મોટાબેન ને નાનાબેન બાળકો સાથે આવી ગયા છે. મોટાભાભી ને બાળકો શનિવારે આવી જશે. તમે ક્યારે આવો છો ? વહેલાસર લખજો. સ્ટેશને તમને લેવા ગાડું મોકલશું.’
વાંચીને અમે ચારેય ભાઈ-બહેનો કકળાટ કરી મૂકીએ, ‘ આ બધાં તો પહોંચીયે ગયા..! ચાલ, બા, આજે જ નીકળીએ..!’
અને પછી સાત-આઠ કલાકની ખખડધજ બસની મુસાફરીની તૈયારી શરુ થતી. પતરાની મોટી ટ્રંક, નાસ્તાનો અડધિયો ડબ્બો..પિત્તળનો પેચવાળો પાણીનો લોટો અને ખિસ્સામાં રંગબેરંગી પીપરમીન્ટ...
મામાને ઘેર કંઈ એવી મોટી સાહ્યબી કે એશોઆરામ નહી.
નાનું ઘર...લાઈટ કે પંખા પણ નહી.....પાણીએ કૂવેથી ભરવાનું...આર્થિક રીતેય મામા કઈ એવા માલેતુજાર નહી.
એક નાનું ખેતર ને બે ભેંસો પર બધોય વ્યવહાર. પણ તોય આનંદના કારણોનો પાર નહી...!
સૌથી પહેલો તો ગાડામાં બેસીને વી. આઈ.પી. ની જેમ ગામ વચ્ચેથી પસાર થવાનો આનંદ....
.કૂવે પાણી ભરવા જવાનો આનંદ....
મામી અને માસીના હાથની હેતભરી વાનગીઓ ખાવાનો આનંદ....
સાથે મળીને કામ કરવાનો આનંદ.....
એકબીજાના કપડાં પહેરી રામજી મંદિર જવાનો આનંદ....
ફળિયામાં આવેલા લીમડાના છાંયડા નીચે ઝોળવાળા ખાટલામા પણ પરીઓના સપનાવાળી મીઠી ઊંઘનો આનંદ....
બપોરે આયોજન વિનાના સંસ્કૃતિક કાર્યક્રમમાં પર્ફોર્મ કરી બધાની પ્રશંસા ઝીલવાનો આનંદ.....
ઝીણા ઝીણા ઝઘડા પછી રિસામણા ને મનામણાના ઓઠા હેઠળ સહુના વાત્સલ્ય ધોધમાં ભીંજાવાનો આનંદ…..
બસ, આનંદ જ આનંદ......!!
દર વરસે વેકેશનની એ એક મહિનાની રેસિડેન્શીયલ તાલીમે ‘વસુધૈવ કુટુમ્બકમ’ની ભાવનાના જે ઊંડા મૂળ રોપ્યા છે તેણે જિંદગીને જોવાના શત શત દ્રષ્ટિકોણ ખોલી આપ્યા છે.
એમાય પાછા ફરીએ ત્યારે મામી હમેંશા સહુને જોડ કપડાં આપતાં.
એ પળોનું પોત તો એવું મજબૂત કે આટલા દાયકાઓ પછી હજુ સુધી ફાટ્યુંય નથી ને ફીટયુંય નથી.
બદલાતા સમય સાથે પ્રગતિએ હરણફાળ ભરી છે.
સુખસુવિધાઓનો વ્યાપ વિસ્તાર્યો છે.
મામાઓને ઘેર હવે ગાડું નહી, ગાડી(ઓ) છે.
ત્રણ બેડરૂમના મોટા ફ્લેટની આબાદી છે,
જેમાં એક રૂમ ખાસ મહેમાનો માટે છે.
અને વળી રાંધવાવાળા મહારાજ પણ છે.
નાના ખેતરને બદલે મોટી ફેક્ટરી છે.
બધું જ છે.....બધું જ....

નથી તો બસ એક મામાનો કાગળ - ‘ બહેન, તું બાળકોને લઈને ક્યારે આવે છે???


બકરી કાઢતા ઊંટ પેઠું

પાડોશમાં સત્યનારાયણ ની કથા હતી,
બાપા પણ તેનો લાભ લેવા પહોંચી ગયા..
આરતી પ્લેટ બાપાની સામે આવી.
બાપાએ ખિસ્સા માં હાથ ફંફોશી દસ રૂપિયા ની નોટ મૂકી દીધી..
ઘણી ભીડ અને ધક્કામુક્કી હોવા ના કારણે બાપા નું ધ્યાન એના પર નહોતું ગયું કે 10 ની નોટ ઘણી જ ફાટી ગયેલી છે.
ને એવા મા અચાનક પાછડવાળી મહિલાએ ખભા પર હાથ મારી 2000 ની નોટ બાપા તરફ આગળ વધારી,
બાપા એ 2000 ની નોટ લઈ આરતી ની થાળી મા મૂકી દીધી.
ને એ બાદ બાપા ને અંતરમન થઈ ઘણો સંકોચ અનુભવવા મંડ્યા ને બીજી તરફ મહિલા પ્રત્યે સમ્માન પણ જાગ્યું
ને મન મા મંથન કરતા કહે...
"કે શુ શ્રદ્ધા છે!!! ભેટ મા 2000 રૂપિયા!!!,
સાચે જ શ્રદ્ધા નું કોઈ મૂલ્ય નથી હોતું"
બહાર નીકળતા મહિલા ને સપ્રેમ સમ્માન સાથે નમન કરી આતુરતા થી પૂછયુ
"બેન!! તમે આરતી ની થાળી મા 2000 રૂ. આમ જ દાન કરી દીધા!!!"
પછી એ મહિલા એ જે વાત કહી એ
ધ્યાન થી સાંભળજો દોસ્તો સમજાવવા જેવી છે.
મહિલા એ બાપા તરફ હસતા પ્રેમ થી કહ્યું, "ભાઈ.....
10 ની નોટ કાઢતા 2000 ની નોટ તમારા જ ખિસ્સા માથી પડી ગયી હતી ને હું તમને જ આપતી હતી."
તો બોલો મિત્રો,
"સત્યનારાયણ ભગવાન ની જય"
😀😀😀😀😀😀😀😀😀😀😀
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

ભીમો ગરાણીયો - શૌર્ય કથા લેખક :- ઝવેરચંદ મેઘાણી

~~~આહિરનો આસરો~~~
મચ્છુ નદીને કાંઠે મોરલીધરે આહીરોને વરદાન દીધાં , તે દિવસથી આજ સુધી આહીરોના દીકરા છાબડે – જો એ છાબડું સતનું હોય તો – મોરલીધર બેસતા આવ્યા છે. આહીર તો ધૂળીયું વરણ ; ઘોડે ચડીને ફોજ ભેળો હાલે કે ન હાલે , પણ આયરનો દીકરો ગામને ટીંબે ઊભો રહીને ખરેખર રુડો દેખાય . એવોજ રુડો દેખાણો હતો એક ગરાણીયો ; આજથી દોઢસો વરસ ઉપર સાતપડા ગામને ટીંબે , સાતપડાને ચોરે મહેતા-મસુદી અને પગી પસાયતા મૂંઝાઇને બેઠા છે. શું કરવુ એની ગમ પડતી નથી .
પાલીતાણાના દરબાર પ્રતાપસંગજી આજ પોતાના નવા ગામનાંતોરણ બાંધવા આવ્યા છે. ઍટલે ના પણ કેમ પડાય?
“બીજું કાંઈ નહીં,” ઍક આદમી બોલ્યો :” પણ નોખાં નોખાં બે રજવાડાંનાં ગામ અડોઅડ ક્યાંય ભાળ્યાં છે? નત્યનો કિજયો ઘરમાં ગરશે. “
” પણ બીજો ઉપાય શો ! ઍના બાપની જમીન આપણા ગઢના પાયા સુધી પોગે છે ઍની કાંઈ ના પડાય છે? ” બીજાઍ વાંધો બતાવ્યો..
“અરે બાપુકી શું, સાત પેઢીની જૂની જમીન હોય તોય મેલી દેવી જોઈઍ ; ગામ ગામ વચ્ચેના સંપ સાટુ શું પાલીતાણાનો ધણી આટલો લોભ નિહ છોડે?”
“હા જ તો! હજી કાલ સવારની જ વાત ; સધરા જેસંગની મા મીણલદી મલાવ સરોવર ખાંડું થાતું`તું તોય વેશ્યાનું ખોરડું નહોતું પાડ્યું.”
“અને આપણે ક્યાં જમીનના બટકાં ભરવા છે ? ફક્ત ગોંદરા-વા જમીન મેલી દીયે . એટલે બેય ગામ વચ્ચે ગોંદરો કરશું . બિચારા પશુડાં પોરો ખાશે , વટેમાર્ગુ વિસામો લેશે અને વળી કજિયો-કંકાસ નહિ થાય.”
“પણ ઇ સાવજને કોણ કેવા જાય કે તારું મોઢું ગંધાય છે ?”
“મે’તો જાય , બીજું કોણ ?”
લમણે આંગળી મૂકીને બેઠેલા વહીવટદારને શરીરે પરસેવો વળી ગયો . એણે જવાબ દીધો કે “એ મારું કામ નહિ , ભાઇ ! તમે સહુ પસાયતાઓ જઇને મારા નામે દરબારને સમજાવો .” “તો ભલે , હાલો ! ” કહેતા પસાયતા ઊભા થયા ; પાદર જાય ત્યાં પ્રતાપસંગજી ઢોલિયો ઢળાવીને બેઠેલા….. પાલીતાણાનું ખોરડું ગાંડું કહેવાય છે , તેનું સાક્ષાત્ પ્રમાણ દેતી એની વિકરાળ મુખાકૃતિની સામે કોઇ હાલીમવાલી તો મીટ માંડી શકે નહીં એવો તાપ ઝરે છે. બેઠા બેઠા દરબાર જરીફોને હાકલ કરે છે , “હાં ! ભરતર કરીને નાખો ખૂંટ . અને પછી પાયો દોરી લ્યો ઝટ .”
“બાપુ , રામ રામ ! ” કહીને નીચા વળી સલામ કરતા પસાયતા ઊભા રહ્યા .
“કેમ શું છે ?” પ્રતાપસંગજીએ તોરમાં પૂછ્યું .
“બાપ , વહીવટદારે કહેવરાવેલું છે કે જમીન તમારી સાચી , પણ નત્યનો કજિયો નો થાય માટે ગોંદરા-વા જમીન મેલી……”
“મેલી દઉં , એમ ને ?” પ્રતાપસંગજીનો પિત્તો ફાટી ગયો , “લીલાંછમ માથાંના ખાતર ભર્યા છે , એ જમીન મેલી દઉં , ખરું કે ? જમીનનાં મૂલ ઇ શું જાણે ? જાઓ ઘરભેળા થઇ જાઓ . કહેજો એને કે સીમાળે સરપ ચિરાણો’તો , કાછડા ! “
ઝાંખાઝપટ મોં લઇ પસાયતાપાછા ફર્યા . ચોરે જઇ વહીવટદારને વાત કરી . બધા ચોરે સૂનસાન થઇને બેઠા . ભાવનગર આઘું રહી ગયું , એટલે ત્યાં સમાચાર પહોંચતા પહેલાં તો પ્રતાપસંગજી પાયા રોપી દેશે . સહુના શ્વાસ ઊંચા ચડી ગયાં છે .
“પણ તમે આટલા બધા કાંપો છો સીદને ? પ્રતાપસંગજી શું સાવઝ – દીપડો છે ? માણસ જેવું માણસ છે . આપણે જઇને ઊભા રહીએ , ફરી સમજાવીએ , ન માને તો પાણીના કળશો ભરીને આડા ઊભા રહીએ . આમ રોયે શું વળશે ?’
સહુની નજર આ વેણ બોલનાર માથે ઠેરાઇ . આછા-પાંખા કાતરા ; એકવડિયું ડિલ , ફાટલતૂટલ લૂગડાં , ખભે ચોફાળનું ઓસાડિયું નાકેલું , કાખમાં તરવાર હાથમાં હોકો , ચોરાની પડસાળની કોરે સહુથી આઘેરો એ આદમી બેઠો છે .
“ત્યારે , ભીમા ગરણિયા ,” માણસોએ કહ્યું ; “તમે અમારી હારે આવશો ?
“ભલે , એમાં શું ? તમે કહેતા હો તો હું બોલું .”
“જે ઠાકર” કરીને સહુ ઊપડ્યા . મોખરે ભીમો ગરણિયો હાલ્યો . સડેડાટ ધીરે પગલે સીધો પહોંચ્યો , પ્રતાપસંગજીને ગોઠણે હાથ નમાવી બાલ્યો , “બાપુ , રામ રામ !”
“રામ રામ ! કોણ છો ?” દરબાર આ આયરના વહરા વેશ જોઇ રહ્યા , મોં આડો રૂમાલ રાખીને હસવું ખાલ્યું ,
“છઉં તો આયર .”
“ખાખરો રૂંઢ ને આયર મૂંઢ !” દરબારે મશ્કરી કરી ; ” બોલો આયરભાઇ , શો હુકમ છે ?”
“બાપુ , હુકમ અમારા ગરીબના તે શીયા હોય ! હું તો આપને વીનવવા આવ્યો છું કે ગોંદરા-વા મારગ છોડીને ગામનો પાયો નખાય તો સહુના પ્રભુ રાજી રે !”
“આયરભાઇ !” પ્રતાપસંગજીનું તાળવું તૂટું તૂટું થૈ રહ્યું , “તમે ભાવનગરના કારભારી લાગો છો !”
“ના , બાપ ! હું તો પસાયતોય નથી ,”
“ત્યારે ?”
“હું તો મુસાફર છું . અસૂર થયું છે ને રાત રિયો છું .”
“તો આબરૂ સોતા પાછા ફરી જાવ !”
“આમારે આયરને આબરૂ શી , બાપ ? હું તો એમ કહું છું કે ભાવનગર અને પાલીતાણું બેય એક છોડવાની બે ડાળ્યુ ; એકજ ખોરડું કહેવાય , ગંગાજલિયું ગોહિલ કુળ બેયનું એક જ , અને એક બાપના બેય દીકરા આવી માલ વગરની વાતમાં બાધી પડે એવું કજિયાનું ઝાડ કાં વાવો ? “
“હવે ભાઇ , રસ્તો લે ને ! ભલે ભાવનગરનો ધણી મને ફાંસીએ લટકાવે “
“અરે બાપ !”જેમ જેમ ઠાકોર તપતા જાય છે તેમ તેમ ગરણિયો ટાઢો રહીને ડામ દેતો જાય છે “શેત્રુંજાના બાદશાહ ! એમ ન હોય . હેડાહેડાનિયું આટકે ત્યારે અગ્નિ ઝરે ; વજ્જરે વજ્જર ભટકાય તે વખતે પછી દાવાનળ ઉપડે . “
“આયરડા !” પ્રતાપસંગની આંખમાંથી તણખા ઝર્યા .
“બાપુ , તમારે આવું તોછડું પેટ ન જોવે , અને ભાવનગર-પાલીતાણા બાખડે -”
“તે ટાણે તને વષ્ટિ કરવા બોલાવશું “
“એ ટાણે તેડાવ્યાનું વેળુ નહિ રહે . ભેંસ્યું જે ઘડીએ માંદણામાં પડે તે ઘડીએ ડેડકાં બિચારા ઓવાળે ચડે , બાપુ ! ઇ ટાણે વષ્ટિનો વખત ન રહે .પછી તો જેના ઘરમાથી ઝાઝાં નળિયા -”
“તો પછી તું અમારાં નળિયાં ઉતરાવી લેજે .”
“હું તો અસૂર થયું છે તે રાત રિયો છું . પણ ,બાપુ , રે’વા દ્યો .”
“નીકર ! તું શું બંધ કરાવીશ ?”
“ઇ યે થાય !”
“એ – મ !” પ્રતાપસંગજીએ જરીફોને હાકલ દીધી , “નાખો ખૂંટ ,ગધેડીઓ ખોદો , આયરડો આવ્યો બંધ કરાવવા !”
ઠાકોરની હાકલ સાંભળીને જરીફો ડગલું માંડે તે પહેલાં તો ભીમાના મ્યાનમાંથી તરવાર ખેંચાણી . ઉઘાડી તરવાર લઇને ભીમો આડો ઊભો અને જરીફોને કહ્યું , “જોજો હોં , ટોચો પડ્યો કે કાંડાં ખડ્યાં સમજજો !”
ઘડી પહેલાંનો પામર આદમી ઘડી એકમાં બદલાયો ને બદલાતાં તો તાડ જેવડો થયો . જરીફોના પગ જાણે ઝલાઇ ગયા ,
ઠાકોરની આંખમાં પોતાની નજર પરોવીને પડકાર્યું , “ત્યાં જ બેઠા રે જો , દરબાર ! નીકર ઓખાત બગડી જશે . હું તો આયરડો છું . મરીશ તો ચપટી ધૂળ ભીંજાશે . પણ જો તમારા ગળાને એક કાળકા લબરકો લેશે ને , તો લાખ ત્રાંસળીયુ ખડખડી પડશે . શેત્રુંજાના ધણી ! આ સગી નહિ થાય “
પ્રતાપસંગજીએ આજ જીવતરમાં પહેલી જ વાર સાચા રંગમાં આવેલા પુરુષને દીઠો . સોળ કળાના હતા , પણ એક કળાના થઇ ગયા . આંખોની પાંપણો ધરતી ખોતરવા મંડી .
ત્યાં તો ફરી વાર ભીમો બોલ્યો , “અમારું માથું તો ઘરધણી માણસનું , દરબાર ! ચાળીને બોકડો મર્યો તોય શું ? પણ સંભાળજો . હાલ્યા છો કે હમણાં ઉતારી લઇશ માથું .”
ભૂવો ધૂણતો હોય એમ ભીમાનું ડીલ ધ્રુજી ઊઠ્યું . માણસોએ ભીમાને ઝાલી લીધો . પ્રતાપસંગજી ઊઠીને હાલી નીકળ્યા , બીજે દિવસે ભળકડે ઊઠીને પાલીતાણે પહોચી ગયા .
આ બાજુથી સાતપડાના વહીવટદારે મહારાજ વજેસંગને માથે કાગળ લખ્યો કે આવી રીતે ભીમા ગરણિયા નામના એક આયરે ભાવનગરની આબરૂ રાખી છે . એવી તમામ વિગતવાળો કાગળિયો બીડીને એક અસવારને બીડા સાથે ભાવનગર તરફ વહેતો કરી દીધો અને ગામડે ગામડે ભીમા ગરણિયાની કીર્તિનો ડંકો વાગ્યો .
“દરબાર કેમ દેખાતા નથી ?”
“મામા , એ તો ત્રણ દીથી મેડી માથે જ બેઠા છે , બા’રા નીકળતા જ નથી .”
“માંદા છે ?”
“ના , મામા , કાયા તો રાતીરાણ્ય જેવી છે .”
“ત્યારે ?”
“ઇ તો રામધણી જાણે . પણ સાતપડેથી આવ્યા તે દીથી તેલમાં માખી બૂડી છે . વાતું થાય છે કે કોઇક આયરે બાપુને ભોંઠામણ દીધું .”
“ઠીક , ખબર આપો દરબારને , મારે મળવું છે .”
એનું નામ હતું વાળા શામળો ભા . દાઠા તરફના એ દરબાર હતા .પાલીતાણા ઠાકોર પ્રતાપસંગજીના એ સાળા થતા હતાં . એના ભુજબળની ખ્યાતિ આખી સરવૈયાવાડમાં પથરાઇ ગઇ હતી . મેડી ઉપર જઇને એણે દરબારને હિંમત દીધી , “શેત્રુંજાના ધણી કચારીએ કસુંબા પીવા ન આવે એ રૂડું ન દેખાય , દરબાર ! અને , એમાં ભોંઠામણ શું છે ?”
“પણ , વાળા ઠાકોર , માળો એક આયર નરપલાઇ કરી ગયો !”
“અરે , સાંજે એના કાતર્યામાં ધૂળ ભરશું , આયરડું શું—”
“રંગ , વાળા ઠાકોર !” કહેતાં દરબારને સ્ફૂર્તિ આવી .
પણ તરત પાછો ગરણિયો નજરે તરવા માંડયો , અને બોલ્યા , “પણ વાળા ઠાકોર ! સાતપડે જાવા જેવું નથી , હો ! આયર બડો કોબાડ માણસ છે , બહુ વસમો છે .”
“હવે દોઠા જેટલો છે ને ?”
“અરે , રંગ ! વાળા ઠાકોર ! પણ વાળા ઠાકોર , ઇ તરવાર લ્યે છે ત્યારે તાડ જેવો લાગે છે હોં ! જાળવો તો ઠીક “
તાડ જેવડો છે કે કાંઇ નાનોમોટો , એ હું હમણા માપી આવું છું . દરબાર , તમતમારે લહેરથી કસુંબો પીઓ , બાકી એમ રોયે રાજ નહિ થાય .”
દોઢસો અસવારે શામળો ભા સાતપડાને માથે ચડ્યા . ઢોર વાંભવાની વેળા થઇ ત્યારે સીમમાં આવી ઊભા રહ્યા .
ગોવાળને હાકલ દીધી , “એલા ! આયડું ! ક્યા ગામનો માલ છે ?”
“બાપુ , સાતપડાનો “
“હાંક્ય મોઢા આગળ , નીકર ભાલે પરોવી લઉં છું “
“એ હાંકું છું ,બાપા ! હું તો તમારો વાછરવેલિયો કે’વાઉં “એમ કહીને ગોવાળે ગાયો ભેંસો ઘોળીને પાલીતાણાને માર્ગે ચડાવી . મોખરે માલ ને વાંસે શામળા ભાની સેના .
ધ્રસાંગ ! ધ્રસાંગ ! ધ્રસાંગ ! સાતપડે ઢોલ થયો . પાલીતાણાની વાર સાતપડાનાં ધણ તગડી જાય છે , એમ વાવડ પહોંચ્યા , પણ આયરો બધા જોઇ રહ્યા કે દોઢસો અસવાર ભાલે આભ ઉપાડતા , તરવારો બાંધીને હાલ્યા જાય છે . એને જેતાશે શી રીતે ! સહુનાં મોં ઝાંખાંઝપટ થઇ ગયાં .
ત્યાં તો ભીમાની ઘરવાળી આયરાણી બહાર નીકળી . ચોરે જઇને છૂટે ચોટલે એણે ચસકો કર્યો , “અરે આયરુ ! એ પસાયતાઓ ! કોઇ વાસ નહિ રાખે હો ! અને આજ ગરાણિયો ગામતરે ગયો છે તે ટાણે ભૂંડા દેખાવું છે ?”
એમ વાત થાય છે ત્યાં તો ભીમો ગરાણિયો ગામતરેથી હાલ્યો આવતો દેખાણો .
ઝાંપામાં આવતાં જ એણે પૂછ્યું “શો ગોકીરો છે , ભાઇ ?”
“ભીમભાઇ , દુશ્મનો ફેરો કરી ગયા .”
“કોણ ?”
“પાલીતાણાના દરબારનો સાળો .”
સાંભળતાં જ ભીમાનાં રૂંવાડાં અવળાં થઇ ગયાં . હાકલ કરી કે “એલા આયરો , ઊભા થાઓ , નીકર કોઇ વાસ નહિ રાખે “
“અને આયરાણી ! મારી સાંગ લાવ્ય .”
પાણીની તરસે ગળે કાંચકી બાઝી ગઇ હતી . પણ ભીમે પાણી ન માગ્યું , સાંગ માગી ,ઘોડાનું પલાણ ન છાંડ્યું . આયરાણીએ દોટ દીધી , ધણીની દેલિયા સાંગ પડેલી તે આપી . સીમાડે મલ દેખાણો .
શામળા ભાએ તો ત્રીજી પાંસળીએ તરવાર બાંધેલી , કમાળ જેવડી ઢાલ ગળામાં લીધેલી , ને માથે મલોખાં ગોઠવીને ફગ પહેરેલી , વાંસે જોયું તો એક અસવાર વહ્યો આવે છે .
“અરે , એક અસવાર બાપડો શું કરતો તો ?” એમ વિચારીને થોભા માથે હાથ નાખે છે ત્યાં ભીમો આવ્યો .
હરણ ખોડાં કરી દે એવી ઘોડીના ડાબા ગાજ્યા , હાથમાં ગણણ…ગણણ…ગણણ સાંગ ફરતી આવે છે .
આવતાં જ હાકલ કરી “ક્યાં છે દરબારનો સાળો ?” હાકલ સાંભળતાં અસવારો ઓઝપાણા .
ઘડીમાં તો ભીમાએ ફોજ વચ્ચે ઘોડો ઝંપલાવ્યો , પાડો પાડાને કાઢે એમ એણે ભાના ઘોડાને બહાર કાઢી પાટીએ ચડાવ્યો .
લગાફગ….લગાફગ….લગાફગ કરતા ભા ભાગ્યાઃ દોઢસો ઉજ્જડ મોઢાં ઊભાં રહ્યા
. ફરડક–હું , ફરડ ! ફરડક–હું , ફરડ ! ફરડક–હું , ફરડ ! એમ ફરકારા બોલાવતા ભા ના ઘોડાને પોણોક ગાઉને માથે કાઢી જઇને પછી લગોલગ થઇ ભીમાએ સાંગ તોળી .
બોલ્યો “જો , મારું તો આટલી વાર લાગે , પણ મને અને ભાવનગરને ખોટ્ય બેસેઃ તું પાલીતાણા -કુવરનો મામો કે વા! પણ જો ! આ તો નહિ મેલું “
એમ કહી ભીમાએ સાંગ લાંબી કરી શામળા ભાને માથેથી ફગ ઉતારી લીધી . અણીમાં પરોવાયેલી ફગ લઇને આયર પાછો વળ્યો . દોડસો અસવારોની ગાંઠ પડી ગઇ છે , પણ કોઇએ તેને છંછેડ્યો નહિ .
શામળો ભા તોપાટીએ ચડી ગયા ,તે ઠેઠ ડુંગરામાં દરશાણા .
એક કહે “અરે , બાપાની ફગ ઉપાડી લીધી .”
બીજો કહે “ઇ તો માથાનો મેલ ગયો .”
ત્રીજો કહે “ઇ તો મોરલીધર બાપાને છાબડે આવ્યા , ફગ ગઇ તો ઘોળી . માથાનો મેલ ઊતર્યો , બાપા ! વાંધો નહિ . કેડ્યેથી ફાળિયું છોડીને ફેંટો બાંધી લ્યો .”
દીવે વાટ્યો ચડી ત્યારે શામળો ભા પાલીતાણામાં દાખલ થયા .
પ્રતાપસંગજીનજર કરે ત્યાં લમણાં ઉજ્જડ દીસ્યાં .માં પર વિભૂતિનો છાંટોયે ન મળે .
ભાએ સલામ કરી .
“ગરાસિયાના પેટનો છો ?” દરબારે કહ્યું , “મે નો તો ચેતવ્યો ?”
“માળો……આયરડો ત્રણ તાડ જેવડો થાય છે ! કાઠામાં સમાતો નથી !” ભા ની જીભના લોચા વળવા લાગ્યા .
“ન થાય ? અમથો હું હાલ્યો આવ્યો હોઇશ ? જાવ , મને મોઢું દેખાળશો મા “
શામળો ભા પાટીએ ચડી ગયા . તે દિવસથી એવા તો અબોલા રહ્યા કે પ્રતાપસંગજીના મોતને ટાણે પણ એનાથી અવાયું નહોતું
. પતંગિયા જેવો ભીમો ફગ લઇને સીમાડેથી પાછો વળ્યો . વાંસે ધણ ચાલ્યું આવે છે .
ગામ લોકોએ લલકાર કર્યો , “રંગ ભીમા ! રંગ ગરણિયા !”

વેલેન્ટાઇન ની સરપ્રાઇઝ ગિફ્ટ

સિવિલ હોસ્પિટલ અમદાવાદ ના કેમ્પસ માં આવેલી ડેન્ટલ ગર્લ્સ હોસ્ટેલ ના રૂમ નં. 70 માં મોબાઇલ ની રિંગ વાગી. મેઘા એ પપ્પા નો કોલ હોઈ ઝડપ થી ફોન ઉપાડ્યો અને કહ્યું
“ જય શ્રી ક્રિશ્ન પપ્પા, હું અત્યારે જલ્દી માં છું તમને સાંજે આવીને કોલ કરું.”
“પણ બેટા સાંભળ તો ખરી”, સામે છેડે પપ્પા પણ કઇંક અગત્ય નું કહેવા માંગતા હોય એ રીતે આગળ કહ્યું
“ આ શનિવારે ઘરે આવીશ ને ? તારા ભાઈ ની પણ પરીક્ષા પૂરી થાય છે અને મેં અને તારી મમ્મી એ તારા માટે કઇંક સરપ્રાઇઝ ગિફ્ટ લીધી છે, તારે આવવું જ પડશે.” પપ્પા ના અવાજ માં હક અને પ્રેમ બંને વર્તા તા જોઈ મેઘા પોતાની ઘરે જવાની નામરજી છતાં પપ્પા ને મના ના કરી શકી અને ફોન માં બસ આટલું કહ્યું “ હા પપ્પા, હું સ્યોર આવીશ.”
ઝડપ થી તૈયાર થઈ મેઘા નીચે આવી, નીચે ઉત્પલ પોતાની બાઇક પર રાહ જોઈને જ બેઠો હતો અને જરા ગુસ્સા માં બોલ્યો
“કેટલી રાહ જોવડાવી ?” ચાલ હવે જલ્દી બેસ.”
“સોરી પપ્પા નો કોલ આવી ગયો હતો” આટલું બોલી મેઘા બાઇક પર બેસી ગઈ કે તરત બાઇક પુરપાટઝડપે સીજી રોડ પર ચાલ્યું ગયું.
મેઘા ડેન્ટલ ના ફાઇનલ યર માં હતી અને ઉત્પલ એમબીબીએસ ના ફાઇનલ યર માં હતો, પોતાના પ્રજાપતિ સમાજ નું મોટું ફંકશન હોવાથી સિનિયરો એ બંને ની હમણાં જ એકબીજા સાથે ઓળખાણ કરાવી ને બંને ને એક જવાબદારી સોંપી હતી, ડેન્ટલ પ્રતિષ્ઠિત ડોક્ટર્સ ને આમંત્રણ આપવાનું કામ મેઘાને અને મેડિકલ ના વિવિધ શાખાઓ ના પ્રતિષ્ઠિત ડોક્ટર્સ ને આમંત્રણ આપવાનું કામ ઉત્પલ ને સોંપવામાં આવ્યું હતું અને બંને પોતાની જવાબદારી સંપૂર્ણ રીતે નિભાવી રહ્યા હતા. બંને સીજી રોડ પર થોડું કામ પતાવી ને એક રેસ્ટોરન્ટ માં બેઠા ત્યાંજ મેઘા કટાક્ષ માં બોલી “ ઉત્પલ તને જલ્દી ભૂખ લાગી જાય છે આપણે બંને સવારે જ હોસ્ટેલ માં નાસ્તો કરીને તો આવ્યા”
“મેઘા જો, હું તો નાસ્તા નો અને વિવિધ વાનગી ઓ નો શોખીન છું, હું તો એવી જ પત્ની ને પસંદ કરીશ કે જે વિવિધ રસોઈ બનાવતા જાણતી હોય.” ઉત્પલ પણ કટાક્ષ નો જવાબ આપતા બોલ્યો. મેઘા ને પણ જાણે ના ગમ્યું હોય એમ કટાક્ષ ના સ્વર માં ફરી બોલી “હા તો એવી જ લાવજે અને એના હાથ નું ખાઈ ખાઈ ને જાડો થઈ જજે.” મેઘા ને રસોઈ બનાવતા નહોતું આવડતું અને એ વાત ઉત્પલ ને ખબર હતી.
હમણાં જ તાજેતર માં થયેલી પોતાની મુલાકાત માં તો બંને એકબીજા ને સારી રીતે ઓળખી ગયા હતા. બંને તદ્દન વિરુધ્ધ સ્વભાવ ના હતા. મેઘા ને શાંત સંગીત પસંદ હતું તો ઉત્પલ ને ડીજે મ્યુઝિક. સમી સાંજે મેઘાને સાબરમતી રિવરફ્રંટ પર બેસવું ગમતું તો ઉત્પલ ને ઘર માં જ ટીવી જોવાનું. મેઘા ને સાઉથ ઇંડિયન ,પંજાબી અને ગુજરાતી જમવાનું ગમતું તો ઉત્પલ ને પિઝા અને બર્ગર. આટ આટલી વિરુધ્ધ બાબતો છતાં મેઘા ના મન માં ઉત્પલ માટે ભીની લાગણી જન્મી હતી. શું હતું આ પ્રેમ કે બીજું કઇંક? મેઘા નું મન ઉત્પલ સાથે ઉત્કટ સ્નેહ બંધન બાંધી ચૂક્યું હતું પરંતુ ઉત્પલ માટે પોતે એના પસંદગી ની પત્ની નથી એ એની વાતો પરથી જણાઈ આવતું હતું અને એનું મન વ્યગ્ર થઈ જતું.
મેઘા હોસ્ટેલ માં પોતાના રૂમ માં કેટલીય વાર ઉત્પલ ના વિચારો માં ખોવાઈ જતી. ઉત્પલ ને પોતાના દિલ ની વાત કેવી રીતે કહેવી બસ એ જ વિચારો માં એનું મન ખોવાઈ જતું. ઉત્પલ સાથે રૂબરૂ મુલાકાત દરમ્યાન દિલ માં રહેલી વાત જીભ પર નહોતી આવી શકતી, ક્યારેક મોબાઇલ માં મેસેજ ટાઇપ કરતી અને પછી ડિલીટ કરી કરતી. થોડીવાર થાય ત્યારે પોતાનું પોતાના લેપટોપ માં ઈમેલ ખોલી ને ઉત્પલ ને ઈમેલ કરવાનું વિચારતી.
આજે તો દિલની વાત કહી જ દેવી એવું નક્કી કરીને એ જમણી બાજુના કાન પાછળથી નીકળી આવેલી ભીની લટને આંગળીઓમાં રમાડતી ડેસ્ક પર સ્થિત 14 ઇંચના કમ્પ્યુટર સ્ક્રિનમાં ખોવાઈ ગઈ..
ઉત્પલ ને નજર સમક્ષ રાખી ને દિલ ની પૂરી વાત એને ઈમેલ માં નિતારી દીધી, એક નો એક ઈમેલ કેટલીય વાર વાંચ્યો પરંતુ સેન્ડ નું બટન દબાવતાં એનું મન રોકાઈ જતું, ઉત્પલ ને પોતાના માટે શું લાગણી હશે એ હજુ સુધી મેઘા કળી શકતી નહોતી, એટ્લે પોતાના દિલ ની વાત ઉત્પલ સમક્ષ રજૂ નહોતી કરી શકતી.
આ શનિવારે વેલેન્ટાઇનદિવસ હતો, અને કદાચ ઉત્પલ પોતાને પ્રપોઝ કરશે જ એવી મન માં ને મન માં ક્યાંક ઊંડે છુપાયેલી આશા સાથે એને ઘરે નહોતું જવું. શુક્રવાર ની રાત થી જ એ પોતાના મોબાઇલ માં જોવા લાગી કે ઉત્પલ નો મેસેજ આવશે,પરંતુ એની આશા ઠગારી નીવડી. એ વહેલા ઉઠી ને બારી બહાર જોવા લાગી કે ઉત્પલ હમણાં બાઇક લઈને આવશે અને પોતાને બહાર લઈ જશે, પરંતુ આ આશા પણ ઠગારી નીવડી.એ ઉદાશ થઈ ઘરે જવા તૈયાર થવા લાગી.ઘર ની મુસાફરી દરમ્યાન બસ માં ઉત્પલ ના જ વિચારો માં ખોવાયેલી મેઘા ક્યારે પોતાના શહેર માં આવી ગઈ એની એને ખબર જ ના રહી.
મેઘા રિક્ષામાં બેસી પોતાના ઘરે આવી. ઘરે આવતા જ જોયું કે પપ્પા પોતાની સાથે નોકરી કરતાં હસમુખકાકા અને શારદા માસી જોડે બેઠા હતા, પપ્પા એ બંને ની ઓળખાણ મેઘા સાથે કરાવી. મેઘા એ પણ બંને ને નમસ્તે કહ્યું અને રસોડા માં મમ્મી જોડે આવી.
મમ્મી એ જરા હસતા મોંએ કહ્યું, “ બેટા ફ્રેશ થઈ જા, અને ઉપર તારી સરપ્રાઇઝ ગિફ્ટ લઈ આવ.”
“મમ્મી, મારો અત્યારે મૂડ નથી, પછી જોઈ લઇશ.” ઉદાશ ચહેરે મેઘાએ કહ્યું.
“બેટા મમ્મી ની વાત પણ નહીં માને ?” મમ્મી એ જરા પ્રેમ થી કહ્યું એટલે મૂડ ના હોવા છતાં મેઘા ઉપર ગઈ.
મેઘાએ ઉપર જઈ ને જોયું તો એનો આશ્ચર્ય અને આનંદ નો પાર ના રહ્યો. ઉપર ઉત્પલ હાથ માં રોઝ અને બોક્સ માં કઈક લઈ ને ઊભો હતો. જેવી મેઘા નજીક ગઈ કે તરત જ ઉત્પલ એક દમ ફિલ્મી અંદાજ માં સહેજ નીચે ઘૂંટણીયે બેસી મેઘા નો હાથ પકડી બોલ્યો
“ વિલ યૂ બી માય વેલેન્ટાઇન?”
અને પછી તરત જ બોક્સ માંથી વીંટી કાઢી એને પહેરાવતા બોલ્યો
“ તને રસોઈ બનાવતા નથી આવડતું તો આપણે બંને શિખીશું, હું તારી જોડે શાંત સંગીત નો આહલાદક લ્હાવો લેવા તૈયાર છું, સાબરમતી નદી ના કિનારે સમી સાંજે બેસવા તૈયાર છું, તારી સાથે સાઉથ ઇંડિયન ,પંજાબી અને ગુજરાતી જમવાની લિજ્જત માણવા જીવનભર સજ્જ છું. મને સમજાઈ ગયું છે કે મારૂ જીવન બસ તારી સાથે જ વણાયેલું છે. મારી જીવન સંગિની બનીશ ?”
મેઘા તો હર્ષાશ્રુ સાથે શું બોલવું એની સમજ જ ના પડી અને એ ઉત્પલ ને ભેટી પડી. ભેટતાં ભેટતાં જાણે અત્યારથી જ ઉત્પલ પર હક કરતી હોયએમ રિસાયેલા સ્વરે મેઘા એ કહ્યું “આવું કરાય ? કેટલી રાહ જોઈ રાત્રે મેસેજ ની? સવાર ની બારી બહાર રાહ જાઉં છું તારા આવવાની. હું તારા જોડે હવે નહીં બોલું ”
ઉત્પલ પણ જાણે હવે મેઘાને મનાવવાની જવાબદારી એની હોય એમ બોલ્યો “ જો રાત્રે જ મેસેજ કર્યો હોત અને સવારે બાઇક લઈ ને આવ્યો હોત, આ મારી સરપ્રાઇઝ નું શું થાત ? બોલ કેવી લાગી મારી સરપ્રાઇઝ ગિફ્ટ? હું આપણી આ ક્ષણો ને યાદગાર બનાવવા માંગતો હતો.” મેઘા નો ગુસ્સો તરત ઉતરી ગયો.
મેઘા અને ઉત્પલ બંને નીચે આવ્યા. જ્યારે પોતે ઘર માં પ્રવેશી ત્યારે એને નહોંતી ખબર કે હસમુખકાકા અને શારદા માસી પોતાના ભાવિ સાસુ સસરા છે અને ઉત્પલ એમનો દીકરો છે.
બંને ને મેઘા પગે લાગીને બંને ના બાજુ માં બેસી ત્યાં જ મેઘાના પપ્પા એ મેઘા ને પૂછ્યું “ કેવી લાગી બેટા સરપ્રાઇઝ ગિફ્ટ? ઉત્પલ એ અમને સઘળી હકીકત કહી દીધી હતી એટ્લે મેં અને તારી મમ્મી એ તારા માટે સરપ્રાઇઝ ગિફ્ટ નું પ્લાનિંગ કર્યું હતું.”
મેઘા ને વેલેન્ટાઇન ના દિવસે એક નહીં પરતું 3 સરપ્રાઇઝ ગિફ્ટ મળી. ઉત્પલ એ આપેલી રોઝ અને વીંટી ની ભેંટ અને પપ્પા એ આપેલી જીવન સાથી રૂપી ઉત્પલ ની ભેંટ !