Story : લવ યુ પપ્પા !!


મારી દીકરી ૬-૭ વર્ષની હતી…

ત્યારે એક દિવસ મને પૂછેલું કે, “મમ્મા, મધરનો સ્પેલિંગ શું થાય ?

મેં કહ્યું બેટા,
“M O T H E R”

પછી એ બોલી, મમ્મા, આમાંથી “M” કાઢી નાખીએ તો શું થાય ?

મેં કહ્યું, “OTHER”.

પછી એને થોડી ઠાવકાઈથી મને કહ્યું , “જેમ “MOTHER” માંથી “M” નીકળી જાય તો other થઇ જાય,
એમ જો ફેમીલીમાંથી Mother નીકળી જાય તો બધા Other થઇ જાય…!!!”

હું હસી પડી….!!

મેં આગળ પુછ્યુ, “તો FATHER માંથી “F ” નીકળી જાય તો????”
તો એ હસતા હસતા બોલી, “મમ્મા તો તો બધા “અધ્ધર” જ થઇ જાય…!!!”

કેટલી સહજતાથી એને ઘણુંબધું કહી દીધું.

પિતા ભલે માતાની જેમ એની કુખે સંતાનને જન્મ નથી આપતા પણ પિતા થકી જ સંતાનનો જન્મ સાર્થક થાય છે. દેવકીની પીડા સૌ જાણે છે, પણ અડધી રાત્રે નદીના ઘોડાપૂર પાર કરનાર વાસુદેવની પીડા કોણે જાણી?

કૌશલ્યાના ગુણગાન ગવાય છે, પણ મજબૂરીના પહાડ નીચે દટાયેલા અને પુત્રવિયોગમાં તરફડીને મૃત્યુ પામેલા દશરથની પીડા અકલ્પનીય છે. એજ રીતે સરદાર પટેલના પિતા ઝવેરભાઈ હોય કે મહાત્મા ગાંધીના પિતા કરમચંદ કે મા વિનાની દીકરીને નીડર યોદ્ધા બનાવનાર લક્ષ્મીબાઈના પિતા દામોદર પંત હોય !! પિતા મોટાભાગે પડદાની પાછળ રહીને સંતાનનું ઘડતર કરે છે.

પિતાના જીવનનું અજવાળું એટલે સંતાન. સંતાનના જન્મ સાથે જ પિતા જન્મે પણ છે અને મૃત્યુ પણ પામે છે કારણકે સંતાનના જન્મ પછી એ જે જીવે છે એ બીજા ખોળીયામાં રહેલો સંતાનનો શ્વાસ હોય છે સંતાન માટે પિતા એ માત્ર કોઈ પુરુષ નથી હોતો પણ જીવનનું પૌરુષત્વ હોય છે.

પિતા ધર્મ પણ હોય છે અને કર્મ પણ હોય છે. પિતા સંત પણ હોય છે અને એક આખો ગ્રંથ પણ હોય છે. પિતા એ સાચો રસ્તો બતાવતા માઈલસ્ટોન છે જે ફક્ત રસ્તો બતાવી છૂટો નથી પડી જતો પરંતુ આંગળી જાલી રાખે છે જ્યાં સુધી સંતાન મંઝિલ સુધી ન પહોંચી જાય !!.

સંતાન માટે મા એટલે મમતા.. કરુણા કે વાત્સલ્યનો દરિયો હશે પરંતુ…. પોતાના સમગ્ર જીવનને અથાગ પરિશ્રમ અને સંઘર્ષથી ખર્ચીને અનુભવનો અણમોલ ખજાનો એટલે પિતા. પિતાને જાજો જશ મળતો નથી અથવા પિતા હોય જ છે એવા કે એ ક્યારેય જશ નથી લેતા.

પિતા ભલે જશ ન લે, પણ આપણે એમને આપીએ. આપણે એમને બિરદાવીએ…પોંખીએ…!! થેંક યુ પપ્પા કહીને નહીં, લવ યુ પપ્પા કહીને !!

ક્યારેક બુશકોટ કે ઝભ્ભાની ખરબચડી બાંયો કોઈ રેશમી પાલવથી પણ મુલાયમ હોય છે…સાચ્ચે..!!

1 comment:

  1. પિતા....એક અડીખમ યોદ્ધા છે..
    જે...પરિવાર...માટે...વટ વૃક્ષ...બની...જીવે ત્યાં સુધી...લડતા રહે છે...
    માતા...આ લડત માં...બખ્તર બની સહાયક વાત્સલ્ય અર્પે છે...જે અવિસ્મરણીય છે

    ReplyDelete