ઊંચા ટકાની રેસમાં ફેંકાતા હજારો બાળપણ અને એમના કાતિલ માબાપ

sorath-ni-rasdhar

અત્યારે આખા દેશમાં સૌથી દયનીય હાલત હોય તો અહીંના શિક્ષણની અને બાળકોની છે. એમાં પણ બાળકોને તો એ હદે ટ્રેઈનીંગ આપવામાં આવી રહી છે કે હું ભગવાનને માનતાઓ માનીશ કે આ બાળકો જ મોટા થઈને એમના માબાપોને એકલા મૂકી દે. આ ભણેલી-ગણેલી-સોફીસ્ટીકેટેડ મમ્મી-પપ્પાઓની એવી ભયંકર પેઢી ઉભી થઇ છે જે એમના બાળકોને એવી તે રેટ-રેસમાં મૂકીને એમના પરફોર્મન્સ અને ટકાવારી ઉપર પ્રાઉડ લઇ રહી છે! શર્માજીના બેટાઓની લાઈનો લાગી છે, અને વાંક એમાં શર્માજીનો છે. દરેક મા-બાપ ચારેતરફ પોતાના એકના એક કબૂતરને એક્સ્ટ્રા-શિક્ષણની તકલાદી પાંખો ચડાવીને સફળતાના આકાશમાં ફંગોળી રહ્યા છે અને એમને એમ છે કે અમારો બેટો કે બેટી તો કેટલો ટેલેન્ટેડ છે, ઉડે છે! તબલો ટેલેન્ટેડ. મૂરખ પ્રજા સાલી…ગમે એટલું સમજાવો આ માબાપ નામની ફ્લોપ જીંદગીઓને, પરંતુ પોતાના સમજી-વિચારીને પેદા કરેલા બાળકને મોંઘીદાટ પણ વાહિયાત સ્કૂલમાં સાત-સાત કલાક ભણવા ઉપર ભાર દેશે, વળી બાળક ઘરે આવે એટલે પરાણે ખવડાવશે, સુવાડશે, અને ઉઠે એટલે સીધો ટ્યુશન ભેગો! આતે કેવી જિંદગી આપો છો એને? ટ્યુશનથી આવે એટલે અડધો-એક કલાક અમુક ‘સ્પેસીફીક, સેઈફ, અને ચોખ્ખા’ એરિયામાં ‘માબાપે પસંદ કરેલા દોસ્તો ભેગું’ જ રમવાનું, અને પેલાની રમત ચાલુ થતી હોય ત્યાં સાંજનું જમવાનું, અને પછી મા-બાપનો સિરીયલોનો સમય! અને પછી થોડીવાર આખા પરિવારે મોબાઈલમાં રમીને સુઈ જવાનું!

આવી જીંદગી હોય બાળકની? આ શું બનશે એની ઉપાધી છે તમને? તો લો હું સાચું કહું: પહેલા તો તમે પોતે જીંદગીમાં ફ્લોપ છો. જાતને પૂછો તમે કશું ઉકાળી શક્યા નથી, અને હવે તમને એમ છે કે તમારા છોકરા તમારું નામ રોશન કરશે! તબલો પણ નહી થાય. તમે જે આશાઓ-અપેક્ષાઓ લઈને આ છોકરાની વીસ વર્ષની જીંદગી જીવી દો છો ને એ એકદિવસ જ્યારે છૂટો પડશે પછી રીટર્ન નહી આવે. લખી લેજો. તમે એને જેટલો બાંધો છો એ એટલો ભાગશે. આ એકવીસમી સદીનો જીવ છે, એને તમે ટ્રેઈન કરશો તો વેવલો-મેપલો-અળસિયા જેવો થઇ જશે, અને જો એને દિવસના ત્રણ-ચાર કલાક એની રીતે મોકળો મુકશો તો જગતને પોતાની સ્કૂલ સમજીને એટલું શીખશે કે જે તમારી સ્કૂલો અને ટ્યુશનો સાત જનમમાં ન શીખવી શકે. ચારે બાજુ અડધું અંગ્રેજી અને અડધું ગુજરાતીમાં બફામબાફ કરતા માબાપો અને છોકરાઓની એવી પેઢી દેખાય છે કે જેને પાવલીની પણ અક્કલ નથી કે બાળપણ કેટલું કિંમતી છે, એને જીવવા દો, એને સવાલો પૂછવા દો, એને જવાબો શોધવા દો, બહાર રસ્તા પર રખડવા જવા દો, એને જે કરવું હોય એ બેફિકર બનીને કરવા દો, એને છૂટો મૂકો ભાઈ..પ્લીઝ.

sorath-ni-rasdhar

ફરીથી કહું છું આ બાળકોની પેઢી અપડેટ થઈને આવતી હોય છે. એમને માઉસ કેમ પકડવું કે મોબાઇલમાં ગેમ કેમ રમવી એ શીખવવું નહી પડે. એમના સવાલો અલગ હશે, જવાબો અલગ હશે. એની ‘સામે’ પગલા ન ભરો, એની ‘સાથે’ પગલા ભરો. એને સ્કૂલ-ટ્યુશનના ઝેરી ચક્રોમાં દોડાવીને રેસના ઘોડા ન બનાવો, એને એના દોસ્તારો સાથે રખડવા દો, ઝઘડવા દો, કોઈના બે લાફાં ખાવા દો, અને અન્યાય થતો હોય તો કોઈને બે લાફા મારીને આવે એવી અંદરની તાકાત જાતે એકલા કેળવવા દો. એને શીખવો કે રસ્તા પર કેમ ચાલવું, અને કેમ રસ્તો ક્રોસ કરવો, પણ એને ઘરમાં પૂરી રાખીને કે મોબાઈલ આપી દઈને ગોંધી ન રાખશો પ્લીઝ. જે કૂદરતી છે એ થવા દો. આજે શેરીમાં ખુલ્લે પગે દોડ્યો હશે તો ભવિષ્યમાં ક્યારેય એકેય ક્ષેત્રમાં પોતાના પગમાં પડતા છાલાની ઉપાધી નહી કરે. આજે માટી-ધૂળમાં રમ્યો હશે કે અંધારામાં મોડી રાત સુધી ક્યાંય બહાર રખડયો હશે તો કાલે ઉઠીને મૂંછે વળ દઈ શકે એવો મરદ કે મારફાડ વંટોળ જેવી વીરાંગના પેદા થશે. સતત ભણાવીને કે ચોપડા આપ્યા કરીને તમે એનું બાળપણ મારી નાખો છો. આ જગતના સૌથી મોટા ખૂની માબાપ છે જેમને એમ જ છે કે એક જીવ પેદા કર્યો એટલે એ એનો થઇ ગયો અને એના બાળપણથી લઈને જવાની બધું મારી નાખો તો જગત સજા નહી કરે. આ એકવીસમી પેઢીના માબાપ કઈ પાછા ગમાર કે અભણ નથી! બધા સ્કૂલે ગયેલા છે અને એમણે પોતે જીંદગીભર શિક્ષણપ્રથાને અને સ્કૂલને ગાળો જ આપી છે. પોતાની ફ્લોપ લાઈફમાં સવારથી સાંજ સુધી કશું ઉખાડી શક્યા નથી એટલે છોકરાના જીવન જીવી દેવા ઉભા થયા છે. એમને કડવી વાત કહો એટલે કહેશે કે પણ શું કરો બધાના છોકરાઓ આજકાલ આવી રીતે જ…

અલ્યા તારી તે ભલી થાય. થૂં…
જુઓ. સમજો: દરેક બાળક બાળપણથી હોંશિયાર હોય છે. એકનો એક પેદા કર્યો હોય, અને રસ્તે રખડશે, અને કોઈ વાહનની ઠેબે ભૂલથી આવીને મરી જશે એવું લાગતું હોયને તો છોકરા પેદા જ ન કરાય. હવે પેદા થઇ ગયા છે તો એને દિવસના અમુક કલાક એની પોતાની જીંદગી આપો. સાવ છૂટો મુકો. મોબાઇલ-ટીવી-સાઈકલ-સ્પોર્ટ્સ-બુક્સ-ક્રિકેટ-અક્કડમક્કડ કે થપ્પોદા જે રમે રમવા દો, ટ્યુશન ના મોકલો પ્લીઝ. એમને ભવિષ્યની ટ્રેનીંગ દેવાની જરૂર નથી. તમે ખૂદ ટ્રેનીંગ લો તમારી ફ્લોપ લાઈફને બેટર બનવવાની. આખા દેશમાં હજારો બાળકો ભણતરના ભારને લીધે સુસાઈડ કરે છે. હજારો! માસ મર્ડર છે આ! ધોળું ખૂન. જીવવા દો એને. એ જેમાં ખુશ રહે એમાં રહેવા દો. બીજીવાર કહું છું: એની સામે પગલા ન ભરો, સાથે પગલા ભરો. એને હજાર સવાલ કરવા દો, અને તમારામાં ત્રેવડ હોય તો એના લાખ જવાબ શોધી આવો. એને જેટલો પાળેલા કૂતરાની જેમ સાચવશો એટલો ગેંગો-પેપો-માવડિયો-રોટલો બનશે. ખૂમારી-હિંમત-અને પ્રતિભા ખીલવવી હોય તો એના ગળા પર મુકેલા ધોંસરા કાઢીને પોતાના ડીઝાઇન કરેલા ખેતરમાં એને બળદની જેમ હાંકવાનું બંધ કરો. ઠોઠ નિશાળીયો ભલે બને. બનવા દો. આપણા ભણતર આમેય તમને ક્યાં કામ આવ્યા છે તે એને આવશે એમ સમજીને એને માત્ર સ્કૂલમાં જરૂરી મદદ કરો. ટ્યુશન કે રીઝલ્ટની રેસમાં ન ચડાવો પ્લીઝ. આવી આજીજી એટલે કરું છું કે મેં રીતસર એન્જીનિયર બનીને પણ પોતાની નિષ્ફળતાઓ માટે માબાપને કોસતા મૂરખાઓના ટોળાઓ જોયા છે. બાળકના કરિયર પ્લાન ન કરો પ્લીઝ. એને સમય પર છોડી દો. મોટો થશે ત્યારે જોયું જશે, પહેલા એને જીવવા દો. તમારા જે ધર્મ, રૂપિયા, સમાજ, અને જીવન પ્રત્યેના વિચાર છે એ તમારા સમયમાં સાચા હશે, પણ આ બાળકો મોટા થશે એટલે બધું બદલી જવાનું છે. તમે બહુ શીખવશો તો જ્યારે એ શીખશે અને એના જમાનાનું જ્ઞાન મેળવશે ત્યારે ખોટા પાડીને પછવાડા પર એવી લાત આપશે કે જીવનભર પસ્તાવો થશે કે આને કેમ પેદા કર્યો.

sorath-ni-rasdhar

ગુજરાતી મિડીયમમાં મૂક્યો હોય તો ઘરે ‘એને ગમે ત્યારે જ’ બેસાડીને સારું અંગ્રેજી શીખવો, અને અંગ્રેજીમાં મૂક્યો હોય તો ઘરે એને સારું ગુજરાતી શીખવો. બસ. વાર્તા પૂરી. આ સાર છે તમારા બાબા-બેબીને ક્યાં મીડીયમમાં મુકવું એનો. (બાબા શબ્દ ગુજરાતીઓએ પેદા કરેલ છે.) એની ડીબેટ ના હોય કે હજાર માણસને પૂછવાનું ન હોય. તમારે ઘરે કેવું વાતાવરણ છે એમાંથી એ વધુ શીખશે. અને તમે જે અંગ્રેજી-ગુજરાતી મિક્સ કરીને એને દુનિયાદારી શીખવો છો એ ભવિષ્યમાં એને ખુબ કનડશે. એ ક્યાંયનો નહી રહે. સારું અંગ્રેજી આવડે તો તમારી સાથે ગુજ્જુ કોમ્યુનિકેશન ટાળશે, અને ગુજરાતી જ ખાલી આવડે તો તમને કોસશે કે અંગ્રેજી કેમ શીખું? જ્ઞાનને કોઈ ભાષા નડતી નથી. એની ભૂખ હોય છે. જ્ઞાનની ભૂખ હોય એ બધું શીખી લે છે. આ જ્ઞાનની ભૂખ બાળપણમાં રખડવા દેશો, અને ભૂલો કરવા દેશો એટલે આપોઆપ જાગશે. ક્યારેક ગટરમાં રખડે તો પગ ગંદો થશે પણ શારીરિક રીતે રોગ-પ્રતિકારક શક્તિ વધશે, અને માંદો ઓછો પડશે. વરસાદમાં પલળે તો કુદરત શું છે એ આ જમાનામાં ખબર પડશે. બાકી તો તમારી જેમ જ મોટો થઈને ફ્લોપ જીંદગી જીવવા માટે પોતાના બાળકોને શીખવતો રહેશે. માબાપ પર પ્રાઉડ નહી હોય. અને આ બધું જ તમે જાણો છો. ખેર…

છેલ્લી આજીજી: એ ક્યારેક એમ કહે ને કે મને વાર્તા સંભળાવો કે અમુક પુસ્તકો લઇ આપો…તો પ્લીઝ પેટે પાટા બાંધીને પણ ખર્ચ કરી લેજો. એ બેડટાઈમ સ્ટોરી સાંભળવા માંગતો હોય તો રોજે તૈયારી કરીને એની પાસે જજો. જેઠાલાલના સંસ્કારી એપિસોડ કરતા તેને લાખો કલ્પના ભરેલી વાર્તાઓ કહેજો, પુસ્તકો વાંચતા શીખવજો. આ ભાથું એ બાળપણમાં જ માગશે, અને જો આપ્યું તો દેશનો સારો નાગરિક બનીને નામ રોશન કરશે. પરંતુ એને સ્કૂલ-ટ્યુશનના હોમવર્ક ઢસરડા કરીને ઊંચા ટકાની રેસમાં ન ફેંકશો. પગે લાગુ.

જીવનમાં ઉતારવા જેવા સરસ અનમોલ વચનો….


*  પોતાની કમાણી કરતા ઓછો ખર્ચો થાય એવી લાઈફ જીવો.

*  દિવસમાં ઓછામાં ઓછા ૩ લોકોની પ્રશંસા કરવી.

*  પોતાની ભૂલ કબુલવામાં ક્યારેય સંકોચ ન કરવો.

*  તમારી પાછળ રહેલ વ્યક્તિને પણ ક્યારેક-ક્યારેક આગળ જવાનો ચાન્સ આપવો.

*  સફળતા એને જ મળે છે જે કંઇક કરે છે.

*  સફર ખૂબસૂરત છે મંઝીલ કરતા. તેથી લાઈફના દરેક સ્ટેજ (અવસ્થા) પર નાની નાની વાતોમાં ખુશી મહેસુસ કરો.

*  મૂરખ લોકો બીજાના પર હસે છે અને બુદ્ધિમાન પોતાની જાત પર.

*  કોઈ પાસેથી કંઇક જાણવું હોય તો વિવેકથી બે વાર પુછો.

*  ભગવાન પર વિશ્વાસ રાખો.

*  સફળતા મોડી મળે તો નિરાસ ન થવું કેમકે મકાન કરતા મહેલ બનાવવામાં જ વધારે વાર લાગે છે.

*  બીજા લોકોને નીચા દેખાડવા કે તેના વિષે અપશબ્દ કહેવાની ભાવના ટાળવી.

*  જે તમારી પાસે હોય તેમાં જ સાચી ખુશી છે અને તેને જ સૌથી મોટી ખુશી માની આનંદ કરવો. કેમકે તમને જે મળ્યું છે તેટલું બીજાને નથી મળતું.

*  તેના પર વિશ્વાસ મુકો જે જોઈ શકે છે: તમારી હસી પાછળનું તમારું દુ:ખ, તમારા ગુસ્સા પાછળનો પ્રેમ અને તમારા મૌન નું કારણ.

*  જયારે તમારો સમય સારો હોય છે ત્યારે તમારી ભૂલ પણ રમતમાં લેવામાં આવે છે અને જયારે તમારો સમય સારો નથી હોતો ત્યારે તમારી રમત પણ ભૂલ તરીકે જોવામાં આવે છે.

*  યાદ રાખો: દુનિયામાં તમને કોઈ સમજી નહિ શકે.. પરંતુ તેઓનો અભાર માનવો જોઈએ જેમને તમને સમજવાની કોશિશ તો કરી છે.

*  જગતમાં માણસ સિવાય જેમ બીજું કોઈ મોટું નથી, તેમ માણસના ચારિત્ર્ય સિવાય બીજું કાંઈ પણ મોટું નથી.

*  અરીસો મારો શ્રેષ્ઠ મિત્ર છે, કારણ કે જ્યારે હું રડું છું ત્યારે એ ક્યારેય હસતો નથી..!!

*  શાંતિ મનને આરામ આપે છે. મન શરીરને આરામ આપે છે. ઘણીવાર આરામરૂપી દવાની જ માત્ર જરૂર હોય છે.

*  એક વાત દરેકે યાદ રાખવી જોઈએ કે અસફળતા પોતાના આંચલમાં સફળતાનાં ફૂલ લઈને જ આવે છે.

*  તમારા મોંમા શું જાય છે તે મહત્વનું નથી પણ તમારા મોમાંથી શું નીકળે છે (શબ્દો) તે મહત્વનું છે.

*  જયારે કોઈ યાદ આવે છે ત્યારે આંસુ નથી આવતા, પરંતુ આંસુ ત્યારે આવે છે જયારે કોઈની યાદ ન આવે તેવું આપણે ઇચ્છીએ છીએ.

*  આ દુનિયામાં ઘણી સહેલાઈથી છેતરી શકાય તેવી વ્યક્તિ જો કોઈ હોય તો તે આપણી જાત જ છે.

*  જે લોકો બીજાની ભલાઈ કરવી પસંદ કરે છે તેના ભલા માટે જગતની સર્વ વસ્તુઓ કામ કરે છે.

ગમે તો લાઇક અને શેર કરવા વિનંતી.

આપણી પાસે જે વસ્તુઓ છે તેનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ કરવો એ જ સાચું જીવન!


એક આખું ગ્રુપ કોલેજ છોડ્યાના ઘણા વર્ષો પછી પાછું ભેગું થયું. બધાજ મિત્રો સેટ હતા અને ઘણા પૈસા કમાઈ રહ્યા હતા. એ લોકો પોતાના ફેવરેટ પ્રોફેસરના ઘરે ભેગા થયા.

પ્રોફેસર સાહેબે એમના કરીયર વિષે પૂછ્યું ધીરે ધીરે વાત જીવન માં વધતા સ્ટ્રેસ અને કામ ના વધતા પ્રેશર પર આવી ગઈ. આ મુદ્દા પર બધાજ એકમત હતા, ભલે એ હવે આર્થિક રીતે ઘણા મજબુત હતા પણ હવે એમના જીવનમાં એ મજા, સુખ અને શાંતિ નથી જે પહેલા હતી.

પ્રોફેસર સાહેબ ખૂબ ધ્યાનથી વાત સાંભળી રહ્યા હતા, એ અચાનક ઉભા થયા અને કિચનમાં જઈને પાછા આવ્યા અને બોલ્યા,, ‘ડીયર સ્ટુડન્ટ’ હું તમારા બધા માટે ગરમા ગરમ ‘કોફી’ બનાવીને આવ્યો છું, પણ પ્લીઝ તમે બધા કિચનમાં જઈને પોત-પોતાના માટે ‘કપ’ લેતા આવો.

છોકરાઓ ઝડપથી અંદર ગયા ત્યાં જાત જાતના કપ મુક્યા હતા, બધાજ પોતાના માટે સારામાં સારોકપ શોધવા લાગ્યા.કોઈએ ક્રિસ્ટલ નો શાનદાર કપ ઉઠાવ્યો તો કોઈએ પોર્શીલેન નો કપ લીધો, તો કોઈએ કાચનો કપ સિલેક્ટ કર્યો.

બધાના હાથમાં કોફી આવી ગઈ પછી પ્રોફેસર સાહેબ બોલ્યા, “જો તમે ધ્યાન આપ્યું હોય તો, જે કપ દેખાવમાં શાનદાર અને મોઘાં હતા તમે એજ કપ લીધા છે, સાધારણ દેખાતા કપની તરફ જોયું પણ નથી.” જ્યાં એક તરફ આપણા માટે સૌથી શ્રેષ્ઠ વસ્તુની ઝંખના રાખવી એક નોર્મલ વાત છે, ત્યાં બીજી તરફ એ આપણા જીવન માં સ્ટ્રેસ અને પ્રોબ્લેમ્સ લઈને આવે છે.. ફ્રેન્ડસ, એતો પાક્કું છે કે કપ કોફીની ક્વોલીટીમાં કોઈ બદલાવ નથી લાવતો, એ તો બસ એક સાધન છે જેના માધ્યમથી તમે કોફી પીવો છો. અસલમાં તમને જે જોઈતું હતું એ માત્ર કોફી હતી, કપ નહિ. છતાંય તમે બધા શ્રેષ્ઠ કપ ની પાછળજ ભાગ્યા અને પોતાનો કપ લીધા બાદ બીજાના કપ ને નિહાળવા લાગ્યા.

હવે એક વાતને દયાનથી સાંભળો, “આપણું જીવન કોફી સમાન છે આપણી નોકરી, પૈસા, પોઝીશન કપ સમાન છે. એ બસ જીવન જીવવાના સાધનો છે ખુદ જીવન નહિ… અને આપણી પાસે કયો કપ છે એ ના તો આપણા જીવન ને ડીફાઇન કરે છે, ના તો એને ચેન્જ કરે છે. કોફી ની ચિંતા કરો, કપ ની નહિ…

દુનિયાના સૌથી ખુશકિસ્મત લોકો એ નથી જેની પાસે બધુંજ સર્વ શ્રેષ્ઠ છે પણ એ લોકો છે જેની પાસે જે છે એનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ કરીને જીવન ને રંગીન બનાવે છે, મોજ માણે છે અને ભરપુર જીવન જીવે છે.

* સાદગી થી જીવો,
* સૌને પ્રેમ કરો,
* સૌનો ખ્યાલ રાખો,
* જીવન નો આનંદ લો.
* એકબીજા સાથે જોડાયેલા રહો.
* આ જ સાચું જીવન છે.

ગમે તો લાઈક અને શેર કરવા વિનંતી.

સ્ટોરી : તમારી ગેરહાજરીમાં કેટલાને તમારી ખોટ પડી?


જીવનના સાત પગલા….

(૧) જન્મ….
એક અણમોલ સોગાદ છે, જે ભગવાનની ભેટ છે…..

(૨) બચપણ
મમતાનો દરિયો છે જે પ્રેમથી ભર્યો છે, જે ડુબી શક્યો તે તરી ગયો છે….

(૩) તરુણાવસ્થા
કંઇ વિચારો, કંઇ આશાઓનો પહાડ છે મેળવવાની અનહદ આશા અને લુટવાની તમન્ના છે. તરુણાવસ્થા એટલે તરવરાટ, થનગનાટ… અને અનેક નવી મૂંઝવણો….

(૪) યુવાવસ્થા
બંધ આંખોનું એ આંધળુ સાહસ છે… તેમા જોશ છે, ઝૂનુન છે, ફના થવાની ઉમ્મીદો . અને કુરબાન થવાની આશા છે.

(૫) પ્રૌઢાવસ્થા
ખુદને માટે કશુ વિચારતા…
બીજા માટે કરી છુટવાની ખુશી છે. કુટુંબ માટે કંઇ કરી છુટવાની જીજીવિશા છે.

(૬) ઘડપણ
વિતેલા જીવનના સરવાળા બાદબાકી છે, જેવું વાવ્યું તેવું લણવાનો સમય છે…

૭) મરણ
જીદગીની કિતાબના પાના ખુલ્લા થશે… નાડીએ નાડીએ કર્મ તૂટશે.. પાપ-પૂણ્યનો મર્મ ખુલશે… ધર્મ-કર્મનો હિસાબ થશે… સ્વર્ગ-નરકનો માર્ગ થશે…. પોતાનાનો પ્યાર છુટશે……… અને… સાત પગલા પુરા થશે….. માટે.. સાત પગલાની.. પાણી પહેલા પાળ બાંધો….

જીવનમાં આ વાત હંમેશાં યાદ રાખવી....

(૧) જીદગીને કોઇપણ જાતની શરત વગર પ્રેમ કરો.

(૨) તમે નહી ખર્ચેલા નાણાના તમે ચોકીદાર છો, માલીક નથી!

(૩) દુનિયામા દરેક માણસ એમજ સમજે છે કે… તે .. પોતે જ… ચાલાક છે…! પરંતુ જ્યારે કુદરતનો તમાચો પડે છે ત્યારે માંની છઠ્ઠીનું ધાવણ યાદ આવી જાય છે! માટે તમારી હોશીયારી તમારી પાસે જ રાખો!

(૪) જો તમને… પહેરવા કપડા, રહેવા ઘર અને.. બે ટાઇમ અન્ન મળતું હોય તો… ઉપરવાળાનો આભાર માનજો.. તમારાથી બીજા કેટલા સુખી છે.. તે જોવા કરતા બીજા કેટલા દુઃખી છે.. તે જોશો તો… તમારે માટે સ્વર્ગ અહીં જ છે!

(૫) તમે પૈસાદાર હો કે ગરીબ.. બધા અંતે મ્રુત્યુને જ વરે છે! મુખ્ય વાત તો એ જ છે કે.. તમારી ખોટ કેટલાને પડી?તમારી યાદમા કેટલી આંખો ભીની થઇ!

ગમે તો લાઇક અને શેર કરવા વિનંતી.

વિશ્વ યોગ દિવસ પર યોગ વિષે જાણવા જેવી અમુક બાબતો


યોગ એ એક પ્રાચીન શારિરીક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે. સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનાર બીજું કોઈ નહિ પણ આપણો ભારત દેશ છે. યોગ  એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ જોડાણ કરવું કે એક કરવું થાય છે. યોગ એ શરીર અને આત્મના જોડાણનો પ્રતિક છે. યોગ એ આધ્યાત્મિક શિસ્ત છે. આજે યોગ એ સમગ્ર વિશ્વમાં જુદા-જુદા સ્વરૂપે કરાય છે અને તેની લોકપ્રિયતા પણ દિન-પ્રતિદિન વધી રહી છે.

યોગ એ સદીઓથી ચાલી આવતી આપણી ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે. હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મમાં યોગને ધ્યાનાવસ્થા સાથે જોડવામાં આવેલ છે.

ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌપ્રથમ સંયુક્ત રાષ્ટ્રની સભામાં યોગ વિશે ચર્ચા કરી હતી. 21મી જૂનનો દિવસ એ ઉત્તરીય ગોળાર્ધમાં સૌથી લાબો દિવસ છે અને આ જ કારણે પ્રધાનમંત્રી મોદીએ 21મી જૂન ને વિશ્વ યોગ દિવસ મનાવવા માટે સૂચન કર્યું. ત્યારબાદ, આ બાબતે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો જેમાં દુનિયાના મોટા ભાગના દેશોએ સહમતિ દર્શાવી અને વર્ષ 2015 થી 21 મી જૂન એ વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવાનું નક્કી થયું.

વડાપ્રધાન મોદીએ સંયુક્ત રાષ્ટ્રની સભામાં યોગ વિશે કહ્યું હતું કે, “યોગ એ ભારતની પ્રાચીન પરંપરાની વિશ્વને એક અમૂલ્ય ભેટ છે. યોગ એ મન અને શરીરની એકતા; વિચાર અને ક્રિયા; સંયમ અને પરિપૂર્ણતા; માણસ અને પ્રકૃતિ વચ્ચે સંવાદિતા; આરોગ્ય અને સુખાકારી માટે સાકલ્યવાદી અભિગમ છે. તે ફક્ત કસરત ન રહેતા આપણા અંતઃઅકરણથી વિશ્વ અને પ્રકૃતિ સાથે એકરૂપતા કેળવવાનું એક માધ્યમ છે. યોગ એ આપણી જીવનશૈલીમાં બદલવા લાવી જાગૃત્તતા ઉત્પન્ન કરશે. તે આપણને આબોહવા પરિવર્તન સાથે લડવામાં મદદ કરી શકે છે. તો ચાલો આપણે સૌ એક  આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અપનાવવા તરફ કાર્ય કરીએ.”

યોગ દિવસની ઉજવણીમાં સમગ્ર વિશ્વના ઘણા રાજનેતાઓ અને મોટી નામી હસ્તિઓએ સહકાર આપ્યો છે. વિશ્વના લગભગ 170 દેશોના લોકો આ દિવસની ઉજવણી કરી છે જેમાં અમેરિકા, ચીન, જાપાન અને કેનેડા જેવા દેશોનો સમાવેશ થાય છે. વૈશ્વિક સ્તરે યોગ અંગે લોકોની જાગૃતતા વધારવા ઘણી બધી પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે, જેમાં યોગ તાલીમ કેંદ્રો, યોગ સ્પર્ધાઓ અને ઘણી વધી અન્ય પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. જેના દ્વારા લોકોને શારીરિક, માનસિક અને બૌદ્ધિક સ્વાસ્થ માટે યોગને રોજિંદા જીવનમાં અપનાવવા માટે અપીલ કરવામાં આવે છે. યોગ એ આપણા જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવી આપણા સુખી જીવનના સ્તરને સુધારવાનું કાર્ય કરે છે.

ભારતીય સંસ્કૃતિમાં યોગ અને આયુર્વેદ બન્ને લગભગ એકસાથે ચાલ્યા આવે છે. આયુર્વેદ એ ભારતીય ઉપચાર પધ્ધતિ છે. વર્તમાન સમયમાં કસરત, નિયમિતતા, વગેરેને અન્ય આધુનિક ગણાતી ઉપચાર પદ્ધતિઓએ પણ અપનાવેલ છે, જે યોગ અને આયુર્વેદમાં સદીઓથી દર્શાવેલ છે. આધુનિક ઉપચાર પદ્ધતિઓમાં સૌથી મોટી મુશ્કેલી એક રોગનો ઉપચાર શરીરમાં અન્યત્ર આડ-અસરનો છે. જ્યારે યોગ અને આયુર્વેદ શરીરને નીરોગી રાખવા માટે છે. યોગથી વ્યક્તિ આજના તણાવગ્રસ્ત સમયમાં શારીરિક અને માનસિક શાંતિ મેળવી શકે છે, જે સરવાળે આપણને વધુ સ્વસ્થ અને ઉર્જાવાન બનાવે છે. યોગ શરૂઆતમાં કોઈ નિષ્ણાતના માર્ગદર્શનમાં કરવા જોઈએ તથા સમય જતા તમારા શરીરની પ્રકૃતિ, કામનો પ્રકાર, કોઈ શારીરિક મર્યાદા હોય તો એ, ઉમર વગેરે અનુસાર વ્યક્તિ જાતે પોતાની જરૂરીયાત અને રૂચી પ્રમાણેના આસનો કરી શકે છે.

રાજપથ દિલ્લી ખાતે 2015 માં યોજાયેલી યોગ દિવસની ઊજવણીમાં 35984 લોકોએ ભાગ લીધો જે યોગના સૌથી મોટા સત્ર તરીકે એક વર્લ્ડ રેકોર્ડ છે. સાથે સાથે 84 દેશોના પ્રતિનિધિમંડળે પણ રાજપથ ખાતે એક સાથે આ દિવસની ઉજવણી કરી તે પણ એક વર્લ્ડ રેકોર્ડ છે.

યોગદિવસ શા માટે ?
  • યોગના અદભુત અને કુદરતી ફાયદાઓને વૈશ્વિક સ્તરે લોકો સુધી પહોંચાડવા
  • લોકોને પ્રકૃતિ સાથે જોડવા માટે
  • દુનિયામાં થઈ રહેલા નવા નવા રોગોને ઘટાડવા
  • સમસ્ત વિશ્વમાં વૃદ્ધિ, વિકાસ અને શાંતિ વધારવા
  • લોકોને તણાવ મુક્ત બનાવવા
  • યોગ દ્વારા લોકોમાં વૈશ્વિક સંકલન મજબૂત બનાવવા
  • લોકોમાં એ બાબતે જાગૃતતા ફેલાવવા કે યોગ દ્વારા ઘણી બધી બિમારીઓમાંથી છૂટકારો મળી શકે છે.

જાણો છો… કેમ હું મારી દીકરીને પત્ની કરતા વધુ પ્રેમ કરું છુ ?


સૂર્યના ઘરે દીકરી હોત અને તેને વિદાય કરવાનો અવસર આવ્યો હોત તો સૂર્યને ખબર પડત કે અંધારું કોને કહેવાય ?

દિકરી એટલે શું ?

દિ – દિલ સાથે જોડાયેલો એક અતૂટ શ્વાસ.....
ક  – કસ્તૂરીની જેમ સદાય મહેકતી અને મહેકાવતી.....
રી – રિધ્ધિ-સિધ્ધિ આપનારી અને પરિવારને ઉજળો કરતી એવી એક પરી.....

કોઈ પણ પરિવારમાં એક પિતાને ખખડાવવાનો અધિકાર માત્ર દીકરી પાસે જ હોય છે.

દરેક દીકરી પોતાના પિતાને કેમ સૌથી વધુ પ્રેમ કરે છે ?

કેમ કે તેને ખબર છે કે આખી દુનિયામાં આ એક જ પુરુષ છે જે તેને ક્યારેય દુ:ખી નહી કરે.

દીકરી દાંપત્યનો દીવડો ચર્ચા દરમિયાન મિત્રે કહ્યું.

હું પત્ની કરતાંય મારી દીકરીને વધારે પ્રેમ કરું છું. જાણો છો કેમ ?

એ ચાર વર્ષની હતી ત્યારે મારી માતાનું અવસાન થયેલું. હું એ દિવસે ખૂબ રડ્યો હતો. મને યાદ છે મારી દીકરીએ મારા આંસુ લૂછતાં કહ્યું હતું :

પપ્પા, તમે રડો નહીં. તમે રડો છો તેથી મને પણ રડવું આવે છે.

આજે પણ હું બીમાર હોઉં અને એ સાસરેથી મળવા આવે છે ત્યારે એને જોઈને હું મારા બધાં દુઃખો ભૂલી જાઉં છું. મને લાગે છે કે પત્ની ઘણીવાર આંસુનું કારણ બની રહે છે પણ દીકરી તો હંમેશા આંસુનું મારણ બની રહેતી હોય છે.

કદાચ એ જ કારણે તેની વિદાયવેળાએ મા કરતાં બાપને વધુ વેદના થાય છે. કેમ કે મા રડી શકે છે, પુરુષો આસાનીથી રડી શકતા નથી.

દીકરી વીસ-બાવીસની થાય ત્યાં સુધીમાં બાપને તેના વાત્સલ્ય પ્રેમની આદત પડી જાય છે. દીકરી ક્યારેક મા બની રહે છે, ક્યારેક દાદી બની જાય છે તો ક્યારેક મિત્ર બની રહે છે. સુખ હોય ત્યારે દીકરી બાપના હોઠનું સ્મિત બની રહે છે. અને દુઃખમાં બાપના આંસુ લૂછતી હથેળી બની જાય છે. જોતજોતામાં દીકરી મોટી થઈ જાય છે. અને એક દિવસ પાનેતર ઓઢી વિદાય થાય છે. જતી વેળા પિતાની છાતીએ વળગીને સજળનેત્રે એ કહે છે :

‘પપ્પા, હું જાઉં છું… મારી ચિંતા કરશો નહીં... તમારી દવા બરાબર લેજો અને ત્યારે પોતાની આંખમાં ઉમટી આવતાં આંસુઓને તે રોકી શકતો નથી.

કવિ કાલિદાસના અભિજ્ઞાન શકુંતલ માં શકુન્તલાને વિદાય કરતાં કણ્વ ઋષિ કહે છે:

સંસાર છોડીને સંન્યાસી બનેલા અમારા જેવા વનવાસીને પુત્રી વિદાયનું આટલું દુઃખ થતું હોય તો સંસારીઓને કેટલું થતું હશે ?

પોતે ના ચડી શકો તો બીજા માટે નિસરણી જરૂર બનવું – પ્રેરણાત્મક કથા


બિહારના રહેવાસી ડો. મોતીર રહેમાને ત્રણ વિષયમાં અનુસ્નાતક અને ઇતિહાસમાં પીએચડી કર્યું છે. એના પપ્પા પોલીસ સબ ઇન્સપેક્ટર હતા એટલે રહેમાનને આઇપીએસ ઓફિસર બનવાની ઈચ્છા હતી. અભ્યાસ પૂરો કરીને આઇપીએસ બનવા માટે યુપીએસસીની પરીક્ષા આપી પણ સફળતા ના મળી. રહેમાને બીજી નાની મોટી પરીક્ષાઓ પાસ કરી પણ આઇપીએસ બનવાનું સપનું અધૂરું રહી ગયું.

સપનું પૂરું ના થવાથી હતાશ થવાના બદલે રહેમાને બીજાના સપનાઓને સાકાર કરવા માટે એક અભિયાન ચાલુ કર્યું. રહેમાને એક સાવ સામાન્ય મકાનમાં વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવવા માટે કોચિંગ કલાસ શરુ કર્યાં. એકદિવસ એક છોકરો આ કોચિંગ સેન્ટર પર આવ્યો. ખુબ ગરીબ પરિવારના આ છોકરાના પિતા પણ અવસાન પામ્યા હતા. છોકરાને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવી હતી પણ કલાસની ફી ભરવા માટે કોઈ રકમ નહોતી. એની માં પારકા ઘરના કામ કરીને માંડ માંડ બે ટંક ખાવાની વ્યવસ્થા કરી શકતી એમાં છોકરાની કલાસની ફી કેમ ભરવી ?

ડો. રહેમાને જોયું કે છોકરો બહુ હોશિયાર છે અને મહેનત કરે તો યુપીએસસી પણ પાસ કરી શકે તેમ છે એટલે એમણે પેલા છોકરાને કહ્યું, “બેટા, હું તને મફતમાં તો નહિ ભણાવું. તારે ભણવું હોય તો ફી તો આપવી પડશે પણ તારા માટે આખા કોર્સની ફી હું માત્ર 11 રૂપિયા લઈશ જેમાં તને વાંચવા માટેનું બધું મટિરિયલ પણ મળી જશે.” છોકરો તો રાજીનો રેડ થઈ ગયો. ડો.રહેમાને આ છોકરાને દિલથી ભણાવ્યો. પિતાની જેમ પ્રેમ પણ આપ્યો જેના પરિણામ રૂપે આ છોકરાએ દુનિયાની સૌથી અઘરી ગણાતી યુપીએસસીની પરીક્ષા પાસ કરી. આ વિધવા માતાનો ગરીબ દીકરો અત્યારે ઓરિસ્સામાં કલેકટર છે.

આ ઘટના પછી ડો.રહેમાન અને એની પત્ની અનિતાએ નક્કી કર્યું કે જેને અધિકારી બનવાની ઈચ્છા હોય પણ ભણવા માટેના પૈસા ના હોય એવા વિદ્યાર્થીઓને માત્ર 11 રૂપિયાના ટોકન દરથી ભણાવવા. જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને કોઈ જ્ઞાતિ કે ધર્મના ભેદભાવ વગર જ પ્રવેશ આપવો. “અદમ્ય અદિતિ ગુરુકુળ ” નામની આ સંસ્થામાંથી અત્યાર સુધીમાં 5 આઈએએસ ઓફિસર અને 60 આઇપીએસ ઓફિસર તૈયાર થયા છે. આ ઉપરાંત બીજા 3000 જેટલા વિદ્યાર્થીઓ સરકારની નાની-મોટી નોકરીમાં અધિકારી કે કર્મચારી તરીકે જોડાઈ ગયા છે.

આ સંસ્થામાં અભ્યાસ કરવા માટે હવે તો બિહાર ઉપરાંત ઉત્તરપ્રદેશ, ઉતરાખંડ, ઝારખંડ અને મધ્યપ્રદેશથી પણ વિદ્યાર્થીઓ આવે છે. ભણવા માટે કેટલી ફી ભરવી એ વિદ્યાર્થીઓએ જાતે જ નક્કી કરવાનું હોય છે. ઓછામાં ઓછી રૂપિયા 11 અને વધુમાં વધુ વિદ્યાર્થીઓની જે ઈચ્છા હોય એટલી ફી ભરી શકે. સંસ્થા ચલાવવા માટે આ સંસ્થામાંથી ભણીને આગળ વધેલા વિદ્યાર્થીઓ પણ આર્થિક મદદ કરતા રહે છે.

ડો. રહેમાનને આજે લોકો ગુરુ રહેમાન તરીકે ઓળખે છે. અનેક બાળકોના અંધારિયા જીવનમાં પ્રકાશ પાથરનાર ડો. રહેમાન જેવી વ્યક્તિઓ જ ભારતની સાચી ઓળખ છે. અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ કહે છે કે એ માત્ર અમારા શિક્ષક જ નહિ અમારા પિતા પણ છે. પિતાની જેમ સતત પ્રેમ અને પ્રેરણા આપતા રહે છે એટલે અમારા માટે સફળતા સહેલી બની જાય છે.

ફોટામાં વચ્ચે હાથ જોડીને ઉભેલા આ મહાપુરુષને ભગવાને આઇપીએસ ઓફિસર ના બનાવીને એના દ્વારા ઘણા અધિકારીઓ તૈયાર કરાવ્યા. જીવનમાં બનતી ઘટનાઓને હકારાત્મક રીતે લેવી તો નિષ્ફળતા બીજા કોઈ સ્વરૂપે મોટી સફળતા પાછી આવશે.