Showing posts with label sorath ni rasdhar. Show all posts
Showing posts with label sorath ni rasdhar. Show all posts

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની આજે ૧૨૪ મી જન્મજયંતિ છે. ૨૮/૦૮/૧૮૯૭

Jhaverchand Meghani


આજથી ૧૨૩ વર્ષ પહેલા ચોટીલા ખાતે એક એવી વ્યક્તિનો જન્મ થયો જેણે પોતાની કલમથી દેશની આઝાદીમાં અનેરું યોગદાન આપ્યું. તેમની કલમના શબ્દે શબ્દમાં એટલો બધો શૌર્યરસ છલકાતો હતો કે એવું કહેવાતું કે તેમનું લખાણ વાંચી મુડદા પણ બેઠા થઇ જાય. તેજાબી લખાણથી યુવાનોને માતૃભૂમિ માટે લડવાનો પાનો ચઢાવવાનું દેશભક્તિનું કામ કરનાર ભારતમાતાના વીર સપુત ઝવેરચંદે મેઘાણી ની આજે ૧૨૪ મી જન્મજયંતિ છે. (જન્મ દિવસ ૨૮/૦૮/૧૮૯૭)
                               
૧૯ વર્ષની ઉંમરે BA વિથ સંસ્કૃત પૂરું કરી કલકત્તા ખાતે એલ્યુમિનિયમ કંપનીમાં સર્વિસ કરવા પ્રયાણ કર્યું. ૧૯૨૨ માં સૌરાષ્ટ્ર આવી ગયા. ત્યારબાદ ‘સૌરાષ્ટ્ર’, ‘જન્મભૂમિ’ અને ‘ફૂલછાબ’ છાપાઓમાં સંપાદન કર્યું અને તેજાબી લેખો લખ્યા. ૨૪ વર્ષમાં ૧૦૦ જેટલી અમર કૃતિઓનું સર્જન કર્યું. (દર ત્રણ માસમાં એક બુક લખાય એમ સતત ૨૪ વર્ષ લખતા રહેવાય ત્યારે  ૧૦૦ પુસ્તકો લખી શકાય)
                             
તેમના સાહિત્યમાં મુખ્યત્વે કુરબાની કથાઓ, સંગ્રામગીતો, દેશભક્તિની વાર્તાઓ, નવલિકાઓ અને સમાજસુધારણાની વાતો જોવા મળતી. સૌરાષ્ટ્રના ગામેગામ ખુંદી સૌરાષ્ટ્રની તળપદી બોલીની તેજસ્વિતા અને તાકાતનું નિરૂપણ કરતી ‘સૌરાષ્ટ્રની રસધાર’ પાંચ ભાગમાં તેમની અમર કૃતિ કહી શકાય. રોજ સાંજે કોઈ ગામમાં ડાયરો ભરાય. ઝવેરભાઈ તે ગામની વ્યક્તિઓ પાસે ગામનો ઇતિહાસ, વાતો, લોકગીતો સાંભળે અને પોતાની કલમે લખતા જાય. ગામનો વર્ષો જુનો ઇતિહાસ, ગામની ભાગોળે રહેલા પાળિયાનો ઇતિહાસ પણ જાણે તે સમયે જીવંત થઇ જતો. ઝવેરભાઈ  તેમનું લેખન કાર્ય કરે.
                               
તેમના ડ્રેસ અને પાઘડીને લીધે તેઓ કોલેજમાં ‘રાજા જનક’ અને ત્યારબાદ ‘પાઘડી બાબુ’ નામે ઓળખાતા.૧૯૨૮ માં તેઓ તુલસીશ્યામ પાસે કવિ દુલા કાગ સાથે ગીરના નેસમાં હતા. તે વખતે સાવજે એક વાછરડીને મારી. તે વખતે વાછરડીની માલિક ૧૪ વર્ષની ચારણકન્યા હીરબાઈએ હિમતથી સામનો કરી સિંહ સામે લાકડી વિંઝી અને પોતાની પ્રિય વાછડીનું મારણ કરવા ના દીધું.
                              
ગર્જના કરતા સિંહ સામે ૧૪ વર્ષની છોકરીએ જે હિંમત બતાવી તે ઝવેરચંદે નજરોનજર જોયું, તેમનું પણ રોમેરોમ ઉત્તેજિત થઇ ગયું આંખો લાલઘુમ થઇ ગઈ, શરીર ધ્રુજવા લાગ્યું  અને તેમના મોઢેથી ‘ચારણ કન્યા’ કાવ્ય રચાયું તે ઘણા પાઠ્યપુસ્તકોમાં સ્થાન પામ્યું. સ્ત્રીમાં રહેલી હિંમત અને નીડરતાનું નિરૂપણ કરતું અદભુત કાવ્ય હતું. મેઘાણી ભાગતા સિંહને કહે છે, “નર થઇ તું નારીથી ભાગ્યો, નાનકડી છોરીથી ભાગ્યો.”
                                
૧૯૩૦ માં તેમની રાષ્ટ્રીયભાવના જગાવતી રચના ‘સિધુડો’ને લીધે બે વર્ષ માટે અંગ્રેજોએ જેલ કરી. ધંધુકા ખાતે જેલમાં ૧૯૩૧ માં તેમને સમાચાર મળ્યા કે પુ.મહાત્મા ગાંધીજી ગોળમેજી પરિષદ માટે ઇંગ્લેન્ડ જઈ રહ્યા છે. ગાંધીજીએ તેમણે લખેલ રચના ‘ઝેરનો કટોરો’ વાંચી ત્યારે બોલી ઉઠયા, મારા મનનું સંપૂર્ણ ચિત્રણ મને મળ્યા વિના આ કાવ્યમાં છે. ધંધુકા જેલમાં ઝવેરભાઈએ ‘ઝેરનો કટોરો’ લલકાર્યું ત્યારે અંગ્રેજ જેલર અને ભારતીય સિપાઈઓની આંખમાં પણ પાણી આવી ગયા. “છેલ્લો કટોરો ઝેરનો, આ પી જજો બાપુ, સાગર પીનારા અંજલી નવ ઢોળજો બાપુ.” મુંબઈ ખાતે બાપુને વળાવવા આવેલ માનવ મેદનીને ઝવેરભાઈએ લખેલ કવિતાના ચોપાનિયા વહેંચવામાં આવ્યા.
                         
સૌરાષ્ટ્રની સતી, શુરા, સંત, બહારવટીયાઓની વાતો લખી સમાજસુધારણાના કામો કરનાર મેઘાણી સ્વાતંત્ર્ય સેનાની પણ હતા, ગાંધીજીએ તેમને ‘રાષ્ટ્રીય શાયર’નું ઉપનામ આપ્યું હતું. એક વખત બહારવટીયાઓની પાછળ પડી તેમને ગામની ભાગોળેથી ભગાડ્યા પણ હતા. લોકસાહિત્યમાં તેમના યોગદાન બદલ તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક તેમજ મહીડા પારિતોષિક મળ્યું હતું. તેઓએ ગુજરાતી સાહિત્ય પરિષદમાં સાહિત્ય વિભાગના વડા તરીકે પણ જવાબદારી નિભાવી હતી.    
                               
તેમના દીકરા શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીએ તેમના લેખનકાર્યને શ્રેષ્ઠ રીતે દુનિયા સમક્ષ મુક્યું. ૯ માર્ચ ૧૯૪૭નાં દિવસે, માત્ર ૫૦ વર્ષની ઉંમરે આઝાદી મળી તે પહેલા વિદાય લીધી. જેમના લેખોએ આઝાદીની લડતમાં અનેરું યોગદાન આપ્યું તેઓ આઝાદી જુવે તે પહેલા જ ઈશ્વરે તેમને પોતાની પાસે બોલાવી લીધા.
 

Jhaverchand Meghani 1999 stamp of India

૧૪ સપ્ટેમ્બર ૧૯૯૯ના રોજ ભારતીય ટપાલ વિભાગે તેમના માનમાં ટિકિટ પણ બહાર પાડી. કોઈ એક જ વ્યક્તિ તેના ૫૦ વર્ષના આયુષ્યમાં આટલી બધી માતૃભાષા અને જન્મભૂમિની સેવા કરી શકે તે માટે યુગપુરુષ શબ્દ નાનો પડે.
             
‘જનનીના હૈયામાં પોઢતા પોઢતા પીધો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ.’

- શ્રી ઝવેરચંદ કાલિદાસ મેઘાણી.

ઊંચા ટકાની રેસમાં ફેંકાતા હજારો બાળપણ અને એમના કાતિલ માબાપ

sorath-ni-rasdhar

અત્યારે આખા દેશમાં સૌથી દયનીય હાલત હોય તો અહીંના શિક્ષણની અને બાળકોની છે. એમાં પણ બાળકોને તો એ હદે ટ્રેઈનીંગ આપવામાં આવી રહી છે કે હું ભગવાનને માનતાઓ માનીશ કે આ બાળકો જ મોટા થઈને એમના માબાપોને એકલા મૂકી દે. આ ભણેલી-ગણેલી-સોફીસ્ટીકેટેડ મમ્મી-પપ્પાઓની એવી ભયંકર પેઢી ઉભી થઇ છે જે એમના બાળકોને એવી તે રેટ-રેસમાં મૂકીને એમના પરફોર્મન્સ અને ટકાવારી ઉપર પ્રાઉડ લઇ રહી છે! શર્માજીના બેટાઓની લાઈનો લાગી છે, અને વાંક એમાં શર્માજીનો છે. દરેક મા-બાપ ચારેતરફ પોતાના એકના એક કબૂતરને એક્સ્ટ્રા-શિક્ષણની તકલાદી પાંખો ચડાવીને સફળતાના આકાશમાં ફંગોળી રહ્યા છે અને એમને એમ છે કે અમારો બેટો કે બેટી તો કેટલો ટેલેન્ટેડ છે, ઉડે છે! તબલો ટેલેન્ટેડ. મૂરખ પ્રજા સાલી…ગમે એટલું સમજાવો આ માબાપ નામની ફ્લોપ જીંદગીઓને, પરંતુ પોતાના સમજી-વિચારીને પેદા કરેલા બાળકને મોંઘીદાટ પણ વાહિયાત સ્કૂલમાં સાત-સાત કલાક ભણવા ઉપર ભાર દેશે, વળી બાળક ઘરે આવે એટલે પરાણે ખવડાવશે, સુવાડશે, અને ઉઠે એટલે સીધો ટ્યુશન ભેગો! આતે કેવી જિંદગી આપો છો એને? ટ્યુશનથી આવે એટલે અડધો-એક કલાક અમુક ‘સ્પેસીફીક, સેઈફ, અને ચોખ્ખા’ એરિયામાં ‘માબાપે પસંદ કરેલા દોસ્તો ભેગું’ જ રમવાનું, અને પેલાની રમત ચાલુ થતી હોય ત્યાં સાંજનું જમવાનું, અને પછી મા-બાપનો સિરીયલોનો સમય! અને પછી થોડીવાર આખા પરિવારે મોબાઈલમાં રમીને સુઈ જવાનું!

આવી જીંદગી હોય બાળકની? આ શું બનશે એની ઉપાધી છે તમને? તો લો હું સાચું કહું: પહેલા તો તમે પોતે જીંદગીમાં ફ્લોપ છો. જાતને પૂછો તમે કશું ઉકાળી શક્યા નથી, અને હવે તમને એમ છે કે તમારા છોકરા તમારું નામ રોશન કરશે! તબલો પણ નહી થાય. તમે જે આશાઓ-અપેક્ષાઓ લઈને આ છોકરાની વીસ વર્ષની જીંદગી જીવી દો છો ને એ એકદિવસ જ્યારે છૂટો પડશે પછી રીટર્ન નહી આવે. લખી લેજો. તમે એને જેટલો બાંધો છો એ એટલો ભાગશે. આ એકવીસમી સદીનો જીવ છે, એને તમે ટ્રેઈન કરશો તો વેવલો-મેપલો-અળસિયા જેવો થઇ જશે, અને જો એને દિવસના ત્રણ-ચાર કલાક એની રીતે મોકળો મુકશો તો જગતને પોતાની સ્કૂલ સમજીને એટલું શીખશે કે જે તમારી સ્કૂલો અને ટ્યુશનો સાત જનમમાં ન શીખવી શકે. ચારે બાજુ અડધું અંગ્રેજી અને અડધું ગુજરાતીમાં બફામબાફ કરતા માબાપો અને છોકરાઓની એવી પેઢી દેખાય છે કે જેને પાવલીની પણ અક્કલ નથી કે બાળપણ કેટલું કિંમતી છે, એને જીવવા દો, એને સવાલો પૂછવા દો, એને જવાબો શોધવા દો, બહાર રસ્તા પર રખડવા જવા દો, એને જે કરવું હોય એ બેફિકર બનીને કરવા દો, એને છૂટો મૂકો ભાઈ..પ્લીઝ.

sorath-ni-rasdhar

ફરીથી કહું છું આ બાળકોની પેઢી અપડેટ થઈને આવતી હોય છે. એમને માઉસ કેમ પકડવું કે મોબાઇલમાં ગેમ કેમ રમવી એ શીખવવું નહી પડે. એમના સવાલો અલગ હશે, જવાબો અલગ હશે. એની ‘સામે’ પગલા ન ભરો, એની ‘સાથે’ પગલા ભરો. એને સ્કૂલ-ટ્યુશનના ઝેરી ચક્રોમાં દોડાવીને રેસના ઘોડા ન બનાવો, એને એના દોસ્તારો સાથે રખડવા દો, ઝઘડવા દો, કોઈના બે લાફાં ખાવા દો, અને અન્યાય થતો હોય તો કોઈને બે લાફા મારીને આવે એવી અંદરની તાકાત જાતે એકલા કેળવવા દો. એને શીખવો કે રસ્તા પર કેમ ચાલવું, અને કેમ રસ્તો ક્રોસ કરવો, પણ એને ઘરમાં પૂરી રાખીને કે મોબાઈલ આપી દઈને ગોંધી ન રાખશો પ્લીઝ. જે કૂદરતી છે એ થવા દો. આજે શેરીમાં ખુલ્લે પગે દોડ્યો હશે તો ભવિષ્યમાં ક્યારેય એકેય ક્ષેત્રમાં પોતાના પગમાં પડતા છાલાની ઉપાધી નહી કરે. આજે માટી-ધૂળમાં રમ્યો હશે કે અંધારામાં મોડી રાત સુધી ક્યાંય બહાર રખડયો હશે તો કાલે ઉઠીને મૂંછે વળ દઈ શકે એવો મરદ કે મારફાડ વંટોળ જેવી વીરાંગના પેદા થશે. સતત ભણાવીને કે ચોપડા આપ્યા કરીને તમે એનું બાળપણ મારી નાખો છો. આ જગતના સૌથી મોટા ખૂની માબાપ છે જેમને એમ જ છે કે એક જીવ પેદા કર્યો એટલે એ એનો થઇ ગયો અને એના બાળપણથી લઈને જવાની બધું મારી નાખો તો જગત સજા નહી કરે. આ એકવીસમી પેઢીના માબાપ કઈ પાછા ગમાર કે અભણ નથી! બધા સ્કૂલે ગયેલા છે અને એમણે પોતે જીંદગીભર શિક્ષણપ્રથાને અને સ્કૂલને ગાળો જ આપી છે. પોતાની ફ્લોપ લાઈફમાં સવારથી સાંજ સુધી કશું ઉખાડી શક્યા નથી એટલે છોકરાના જીવન જીવી દેવા ઉભા થયા છે. એમને કડવી વાત કહો એટલે કહેશે કે પણ શું કરો બધાના છોકરાઓ આજકાલ આવી રીતે જ…

અલ્યા તારી તે ભલી થાય. થૂં…
જુઓ. સમજો: દરેક બાળક બાળપણથી હોંશિયાર હોય છે. એકનો એક પેદા કર્યો હોય, અને રસ્તે રખડશે, અને કોઈ વાહનની ઠેબે ભૂલથી આવીને મરી જશે એવું લાગતું હોયને તો છોકરા પેદા જ ન કરાય. હવે પેદા થઇ ગયા છે તો એને દિવસના અમુક કલાક એની પોતાની જીંદગી આપો. સાવ છૂટો મુકો. મોબાઇલ-ટીવી-સાઈકલ-સ્પોર્ટ્સ-બુક્સ-ક્રિકેટ-અક્કડમક્કડ કે થપ્પોદા જે રમે રમવા દો, ટ્યુશન ના મોકલો પ્લીઝ. એમને ભવિષ્યની ટ્રેનીંગ દેવાની જરૂર નથી. તમે ખૂદ ટ્રેનીંગ લો તમારી ફ્લોપ લાઈફને બેટર બનવવાની. આખા દેશમાં હજારો બાળકો ભણતરના ભારને લીધે સુસાઈડ કરે છે. હજારો! માસ મર્ડર છે આ! ધોળું ખૂન. જીવવા દો એને. એ જેમાં ખુશ રહે એમાં રહેવા દો. બીજીવાર કહું છું: એની સામે પગલા ન ભરો, સાથે પગલા ભરો. એને હજાર સવાલ કરવા દો, અને તમારામાં ત્રેવડ હોય તો એના લાખ જવાબ શોધી આવો. એને જેટલો પાળેલા કૂતરાની જેમ સાચવશો એટલો ગેંગો-પેપો-માવડિયો-રોટલો બનશે. ખૂમારી-હિંમત-અને પ્રતિભા ખીલવવી હોય તો એના ગળા પર મુકેલા ધોંસરા કાઢીને પોતાના ડીઝાઇન કરેલા ખેતરમાં એને બળદની જેમ હાંકવાનું બંધ કરો. ઠોઠ નિશાળીયો ભલે બને. બનવા દો. આપણા ભણતર આમેય તમને ક્યાં કામ આવ્યા છે તે એને આવશે એમ સમજીને એને માત્ર સ્કૂલમાં જરૂરી મદદ કરો. ટ્યુશન કે રીઝલ્ટની રેસમાં ન ચડાવો પ્લીઝ. આવી આજીજી એટલે કરું છું કે મેં રીતસર એન્જીનિયર બનીને પણ પોતાની નિષ્ફળતાઓ માટે માબાપને કોસતા મૂરખાઓના ટોળાઓ જોયા છે. બાળકના કરિયર પ્લાન ન કરો પ્લીઝ. એને સમય પર છોડી દો. મોટો થશે ત્યારે જોયું જશે, પહેલા એને જીવવા દો. તમારા જે ધર્મ, રૂપિયા, સમાજ, અને જીવન પ્રત્યેના વિચાર છે એ તમારા સમયમાં સાચા હશે, પણ આ બાળકો મોટા થશે એટલે બધું બદલી જવાનું છે. તમે બહુ શીખવશો તો જ્યારે એ શીખશે અને એના જમાનાનું જ્ઞાન મેળવશે ત્યારે ખોટા પાડીને પછવાડા પર એવી લાત આપશે કે જીવનભર પસ્તાવો થશે કે આને કેમ પેદા કર્યો.

sorath-ni-rasdhar

ગુજરાતી મિડીયમમાં મૂક્યો હોય તો ઘરે ‘એને ગમે ત્યારે જ’ બેસાડીને સારું અંગ્રેજી શીખવો, અને અંગ્રેજીમાં મૂક્યો હોય તો ઘરે એને સારું ગુજરાતી શીખવો. બસ. વાર્તા પૂરી. આ સાર છે તમારા બાબા-બેબીને ક્યાં મીડીયમમાં મુકવું એનો. (બાબા શબ્દ ગુજરાતીઓએ પેદા કરેલ છે.) એની ડીબેટ ના હોય કે હજાર માણસને પૂછવાનું ન હોય. તમારે ઘરે કેવું વાતાવરણ છે એમાંથી એ વધુ શીખશે. અને તમે જે અંગ્રેજી-ગુજરાતી મિક્સ કરીને એને દુનિયાદારી શીખવો છો એ ભવિષ્યમાં એને ખુબ કનડશે. એ ક્યાંયનો નહી રહે. સારું અંગ્રેજી આવડે તો તમારી સાથે ગુજ્જુ કોમ્યુનિકેશન ટાળશે, અને ગુજરાતી જ ખાલી આવડે તો તમને કોસશે કે અંગ્રેજી કેમ શીખું? જ્ઞાનને કોઈ ભાષા નડતી નથી. એની ભૂખ હોય છે. જ્ઞાનની ભૂખ હોય એ બધું શીખી લે છે. આ જ્ઞાનની ભૂખ બાળપણમાં રખડવા દેશો, અને ભૂલો કરવા દેશો એટલે આપોઆપ જાગશે. ક્યારેક ગટરમાં રખડે તો પગ ગંદો થશે પણ શારીરિક રીતે રોગ-પ્રતિકારક શક્તિ વધશે, અને માંદો ઓછો પડશે. વરસાદમાં પલળે તો કુદરત શું છે એ આ જમાનામાં ખબર પડશે. બાકી તો તમારી જેમ જ મોટો થઈને ફ્લોપ જીંદગી જીવવા માટે પોતાના બાળકોને શીખવતો રહેશે. માબાપ પર પ્રાઉડ નહી હોય. અને આ બધું જ તમે જાણો છો. ખેર…

છેલ્લી આજીજી: એ ક્યારેક એમ કહે ને કે મને વાર્તા સંભળાવો કે અમુક પુસ્તકો લઇ આપો…તો પ્લીઝ પેટે પાટા બાંધીને પણ ખર્ચ કરી લેજો. એ બેડટાઈમ સ્ટોરી સાંભળવા માંગતો હોય તો રોજે તૈયારી કરીને એની પાસે જજો. જેઠાલાલના સંસ્કારી એપિસોડ કરતા તેને લાખો કલ્પના ભરેલી વાર્તાઓ કહેજો, પુસ્તકો વાંચતા શીખવજો. આ ભાથું એ બાળપણમાં જ માગશે, અને જો આપ્યું તો દેશનો સારો નાગરિક બનીને નામ રોશન કરશે. પરંતુ એને સ્કૂલ-ટ્યુશનના હોમવર્ક ઢસરડા કરીને ઊંચા ટકાની રેસમાં ન ફેંકશો. પગે લાગુ.