યોગ એ એક પ્રાચીન શારિરીક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે. સમગ્ર
વિશ્વને યોગની ભેટ આપનાર બીજું કોઈ નહિ પણ આપણો ભારત દેશ છે. યોગ એ
સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ જોડાણ કરવું કે એક કરવું થાય છે. યોગ એ શરીર અને
આત્મના જોડાણનો પ્રતિક છે. યોગ એ આધ્યાત્મિક શિસ્ત છે. આજે યોગ એ સમગ્ર
વિશ્વમાં જુદા-જુદા સ્વરૂપે કરાય છે અને તેની લોકપ્રિયતા પણ દિન-પ્રતિદિન
વધી રહી છે.
યોગ એ સદીઓથી ચાલી આવતી આપણી ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે. હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મમાં યોગને ધ્યાનાવસ્થા સાથે જોડવામાં આવેલ છે.
ભારતના
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌપ્રથમ સંયુક્ત રાષ્ટ્રની
સભામાં યોગ વિશે ચર્ચા કરી હતી. 21મી જૂનનો દિવસ એ ઉત્તરીય ગોળાર્ધમાં સૌથી
લાબો દિવસ છે અને આ જ કારણે પ્રધાનમંત્રી મોદીએ 21મી જૂન ને વિશ્વ યોગ
દિવસ મનાવવા માટે સૂચન કર્યું. ત્યારબાદ, આ બાબતે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા
ઠરાવ પસાર કરવામાં આવ્યો જેમાં દુનિયાના મોટા ભાગના દેશોએ સહમતિ દર્શાવી
અને વર્ષ 2015 થી 21 મી જૂન એ વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવાનું નક્કી થયું.
વડાપ્રધાન
મોદીએ સંયુક્ત રાષ્ટ્રની સભામાં યોગ વિશે કહ્યું હતું કે, “યોગ એ ભારતની
પ્રાચીન પરંપરાની વિશ્વને એક અમૂલ્ય ભેટ છે. યોગ એ મન અને શરીરની એકતા;
વિચાર અને ક્રિયા; સંયમ અને પરિપૂર્ણતા; માણસ અને પ્રકૃતિ વચ્ચે સંવાદિતા;
આરોગ્ય અને સુખાકારી માટે સાકલ્યવાદી અભિગમ છે. તે ફક્ત કસરત ન રહેતા આપણા
અંતઃઅકરણથી વિશ્વ અને પ્રકૃતિ સાથે એકરૂપતા કેળવવાનું એક માધ્યમ છે. યોગ એ
આપણી જીવનશૈલીમાં બદલવા લાવી જાગૃત્તતા ઉત્પન્ન કરશે. તે આપણને આબોહવા
પરિવર્તન સાથે લડવામાં મદદ કરી શકે છે. તો ચાલો આપણે સૌ એક આંતરરાષ્ટ્રીય
યોગ દિવસ અપનાવવા તરફ કાર્ય કરીએ.”
યોગ દિવસની ઉજવણીમાં સમગ્ર
વિશ્વના ઘણા રાજનેતાઓ અને મોટી નામી હસ્તિઓએ સહકાર આપ્યો છે. વિશ્વના લગભગ
170 દેશોના લોકો આ દિવસની ઉજવણી કરી છે જેમાં અમેરિકા, ચીન, જાપાન અને
કેનેડા જેવા દેશોનો સમાવેશ થાય છે. વૈશ્વિક સ્તરે યોગ અંગે લોકોની જાગૃતતા
વધારવા ઘણી બધી પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે, જેમાં યોગ તાલીમ કેંદ્રો, યોગ
સ્પર્ધાઓ અને ઘણી વધી અન્ય પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. જેના દ્વારા લોકોને
શારીરિક, માનસિક અને બૌદ્ધિક સ્વાસ્થ માટે યોગને રોજિંદા જીવનમાં અપનાવવા
માટે અપીલ કરવામાં આવે છે. યોગ એ આપણા જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવી
આપણા સુખી જીવનના સ્તરને સુધારવાનું કાર્ય કરે છે.
ભારતીય
સંસ્કૃતિમાં યોગ અને આયુર્વેદ બન્ને લગભગ એકસાથે ચાલ્યા આવે છે. આયુર્વેદ એ
ભારતીય ઉપચાર પધ્ધતિ છે. વર્તમાન સમયમાં કસરત, નિયમિતતા, વગેરેને અન્ય
આધુનિક ગણાતી ઉપચાર પદ્ધતિઓએ પણ અપનાવેલ છે, જે યોગ અને આયુર્વેદમાં સદીઓથી
દર્શાવેલ છે. આધુનિક ઉપચાર પદ્ધતિઓમાં સૌથી મોટી મુશ્કેલી એક રોગનો ઉપચાર
શરીરમાં અન્યત્ર આડ-અસરનો છે. જ્યારે યોગ અને આયુર્વેદ શરીરને નીરોગી રાખવા
માટે છે. યોગથી વ્યક્તિ આજના તણાવગ્રસ્ત સમયમાં શારીરિક અને માનસિક શાંતિ
મેળવી શકે છે, જે સરવાળે આપણને વધુ સ્વસ્થ અને ઉર્જાવાન બનાવે છે. યોગ
શરૂઆતમાં કોઈ નિષ્ણાતના માર્ગદર્શનમાં કરવા જોઈએ તથા સમય જતા તમારા શરીરની
પ્રકૃતિ, કામનો પ્રકાર, કોઈ શારીરિક મર્યાદા હોય તો એ, ઉમર વગેરે અનુસાર
વ્યક્તિ જાતે પોતાની જરૂરીયાત અને રૂચી પ્રમાણેના આસનો કરી શકે છે.
રાજપથ
દિલ્લી ખાતે 2015 માં યોજાયેલી યોગ દિવસની ઊજવણીમાં 35984 લોકોએ ભાગ લીધો
જે યોગના સૌથી મોટા સત્ર તરીકે એક વર્લ્ડ રેકોર્ડ છે. સાથે સાથે 84 દેશોના
પ્રતિનિધિમંડળે પણ રાજપથ ખાતે એક સાથે આ દિવસની ઉજવણી કરી તે પણ એક વર્લ્ડ
રેકોર્ડ છે.
યોગદિવસ શા માટે ?
- યોગના અદભુત અને કુદરતી ફાયદાઓને વૈશ્વિક સ્તરે લોકો સુધી પહોંચાડવા
- લોકોને પ્રકૃતિ સાથે જોડવા માટે
- દુનિયામાં થઈ રહેલા નવા નવા રોગોને ઘટાડવા
- સમસ્ત વિશ્વમાં વૃદ્ધિ, વિકાસ અને શાંતિ વધારવા
- લોકોને તણાવ મુક્ત બનાવવા
- યોગ દ્વારા લોકોમાં વૈશ્વિક સંકલન મજબૂત બનાવવા
- લોકોમાં એ બાબતે જાગૃતતા ફેલાવવા કે યોગ દ્વારા ઘણી બધી બિમારીઓમાંથી છૂટકારો મળી શકે છે.